સિદ્ધિવિનાયક મંદિરની રેકૉર્ડબ્રેક ૧૮૨ કરોડ રૂપિયા આવક! ગયા વર્ષ કરતાં મંદિરની આવકમાં ૩૭ ટકાનો વધારો

03 April, 2026 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૨૫-’૨૬માં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની આવકનો આંકડો અત્યાર સુધીની મંદિરની આવકના ઇતિહાસમાં સૌથી ઊંચો રહ્યો છે.

સિદ્ધિવિનાયક મંદિર

વર્ષ ૨૦૨૫-’૨૬માં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની આવકનો આંકડો અત્યાર સુધીની મંદિરની આવકના ઇતિહાસમાં સૌથી ઊંચો રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ૩૭ ટકાના વધારા સાથે આ વર્ષે મંદિરને ૧૮૨ કરોડ રૂપિયાની આવક થઈ છે.

મંદિરના ટ્રસ્ટ દ્વારા અંદાજિત ૧૫૫ કરોડ રૂપિયાની આવક સામે વાસ્તવિક આવક ૧૮૨ કરોડ રૂપિયા નોંધાઈ છે, જે મંદિરના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ગયા વર્ષે ૨૦૨૪-’૨૫માં મંદિરની આવક ૧૩૩ કરોડ રૂપિયા રહી હતી. મહારાષ્ટ્ર સરકાર હસ્તકના આ મંદિર ટ્રસ્ટની બેઠકમાં અધ્યક્ષ સદાનંદ સરવણકર અને કાર્યકારી અધિકારી વીણા પાટીલ દ્વારા આ નાણાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી.

મંદિરની આવકમાં થયેલા આ વધારા પાછળ શ્રદ્ધાળુઓ દ્વારા દાનપેટીમાં કરાતું દાન, વિશેષ પૂજા અને લાડુ તથા કોપરાપાકના પ્રસાદના વેચાણ દ્વારા થતી આવક મુખ્ય સ્રોત રહ્યા છે. આ ઉપરાંત ભક્તો દ્વારા ચડાવવામાં આવતાં સોના-ચાંદીનાં આભૂષણોની હરાજી પણ આવક વધારવામાં મદદરૂપ થઈ છે.

મંદિરની આવકમાંથી થશે જનકલ્યાણનાં કાર્યો

શ્રી સિદ્ધિવિનાયક ભાગ્યલક્ષ્મી યોજના અંતર્ગત સરકારની ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ નીતિ હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સરકારી હૉસ્પિટલોમાં જન્મેલી દીકરીઓના નામે દસ-દસ હજાર રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવશે. આ યોજના માટે બે કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે.

ગરીબ અને જરૂરિયાતમંદ દરદીઓની સારવાર માટે ૩૬ કરોડ રૂપિયા, જ્યારે ડાયાલિસિસ સેન્ટરો માટે ૨.૬૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

સરકારી હૉસ્પિટલોમાં માળખાગત સુવિધાઓ માટે ૨૪ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

આત્મહત્યા કરનારા ખેડૂતોનાં બાળકો માટે એક કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ અને વિદ્યાર્થીઓ માટે બુક-બૅન્ક બનાવવા બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

mumbai news mumbai siddhivinayak temple religious places dadar prabhadevi