10 November, 2025 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-વેસ્ટના ટાગોર રોડ પરની એક સોસાયટીમાં રહેતા બાવન વર્ષના ગુજરાતી વેપારીના ઘરે કામ કરતો ૩૪ વર્ષનો હેલ્પર સાડાસાત કિલો ચાંદી અને રોકડા બે લાખ રૂપિયા લઈને ભાગી ગયો હોવાની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. કાંદિવલીમાં બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયનો વ્યવસાય કરતા વેપારીએ ૨૦૨૩માં તેને નોકરીએ રાખ્યો હતો. ગયા મહિને તેણે સાફસૂફ કરવાના બહાને બેડરૂમમાં જઈને દાગીના તફડાવ્યા હતા એવો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાંતાક્રુઝના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ આંધ્ર પ્રદેશના આદિલાબાદના આ હેલ્પરને ૨૦૨૩ના અંતમાં ઘરકામ માટે નોકરીએ રાખ્યો હતો. તે ઘરની સાફસફાઈ કરવાની સાથે રસોઈ પણ બનાવતો હતો. શુક્રવારે ફરિયાદીએ બેડરૂમના કબાટમાં રાખેલી ચાંદીની તપાસ કરતાં આશરે સાડાસાત કિલો ચાંદી ઓછી જોવા મળી હતી. ત્યાર બાદ તેને પૂછતાં તેણે યોગ્ય જવાબ નહોતો આપ્યો, પણ બીજા દિવસથી તેણે કામ પર આવવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ ફરિયાદીએ વધુ તપાસ કરતાં ઘરમાં રાખેલા કૅશ બે લાખ રૂપિયા પણ ગાયબ હોવાની ખાતરી થઈ હતી. અંતે ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે આરોપી વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’
આ મામલે ‘મિડ-ડે’એ ગુજરાતી વેપારીનો સંપર્ક કરી વધુ માહિતી મેળવવાની કોશિશ કરી હતી પણ તેમણે એ વિશે વાત કરવાનું ટાળ્યું હતું.