શ્રી વર્ધમાન પરિવારના મોભી, જીવદયાના મસીહા જિતુકાકા યુગપુરુષના મરણોત્તર સન્માનથી વિભૂષિત

28 January, 2026 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ને બોરીવલીના જાંબલી ગલી જૈન સંઘે યુગપુરુષના મરણોત્તર સન્માનથી વિભૂષિત કર્યા

શ્રી વર્ધમાન પરિવારના મોભી, જીવદયાના મસીહા જિતુકાકા

શ્રી જાંબલી ગલી જૈન સંઘના કાર્યકારી સભ્ય તથા શ્રી અખિલ ભારતીય કૃષિ ગો સેવા સંઘ અને શ્રી વર્ધમાન પરિવારના ટ્રસ્ટીવર્ય અને અન્ય અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જિતુભાઈ દલીચંદ શાહને બોરીવલીના જાંબલી ગલીના જૈન સંઘ દ્વારા યુગપુરુષનું મરણોત્તર સન્માન સેંકડો ભાવિકોની હાજરીમાં, પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં તેમની ગુણાનુવાદ સભામાં તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યું હતું. જીવદયાની અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અને શ્રી વર્ધમાન પરિવારના બોરીવલી કેન્દ્રના મોભી તેમ જ ગાંધીજી દ્વારા સ્થપાયેલા અને વિનોબા ભાવે દ્વારા સંચાલિત શ્રી અખિલ ભારતીય ગો સેવા સંઘના પણ તેઓ ટ્રસ્ટીવર્ય હતા.

પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિનીતસાગરસૂરિજી મ.સા. તથા પ. પૂ. પં. પ્ર. શ્રી સત્ત્વબોધી મ.સા. તેમ જ પૂં. પં. પ્ર. શ્રી વીતરાગવલ્લભ વિજયજી મ.સા. લાંબો વિહાર કરીને બોરીવલીની જાંબલી ગલીની આ શ્રાવકની ગુણાનુવાદ સભામાં હાજર રહ્યા હતા અને સભાને તેમના ગુણોનો પરિચય કરાવ્યો હતો.

આ સભામાં વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય અને નવા ચૂંટાયેલા કૉર્પોરેટરો ધવલ વોરા અને જિજ્ઞાસા શાહ તેમ જ ભૂતપૂર્વ કૉર્પોરેટર પ્રવીણ શાહે પ્રાસંગિક વક્તવ્યો કર્યાં હતાં.

કચ્છમાં રહીને તેમણે શ્રી વર્ધમાન પરિવાર દ્વારા પશુરક્ષાના મહાયજ્ઞમાં પાંચ વર્ષમાં લગભગ ૫૦ કરોડ રૂપિયાનું અનુદાન મેળવીને પશુઓને જીવતદાન અપાવ્યું હતું, જેમાં ગુજરાત સરકાર તરફથી ૨૦ કરોડ રૂપિયાની સબસિડી મળી હતી.

જિતુભાઈ સાધર્મિકના મસીહા હતા. ૧૦૦ જેટલા પરિવારની તેમણે એવી અનુપમ ભક્તિ કરેલી અને એમાંથી ૧૨ યુવાનોએ દીક્ષા લીધી છે અને ૧૫ યુવાનો હાલ ફૉરેનમાં સેટલ થયા છે. કોરોનાકાળમાં ૩૦૦૦ જેટલા પરિવારોને ખીચડીનાં પૅકેટ અને ૫૦૦૦ જેટલા પરિવારોને અનાજની કિટ પહોંચી હતી. રસ્તામાં તૃતીયપંથીને જોતાં તેમના આવાસમાં જઈને એક મહિના સુધીની ખાવા-પીવાની અને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલિતાણા ગિરિરાજ પર જે ગધેડાઓ માલ-સામાન ઉપર ચડાવે છે એ ગધેડાના આહાર અને તેમના માલિક તેમ જ પરિવાર માટે ખાવા-પીવાની ચિંતા દૂર કરવા માટે અથાગ મહેનત કરી હતી.

પોતાની આંખનું ઑપરેશન હતું, રસ્તામાં એક ગરીબ માજી મળ્યાં જેમને આંખની તકલીફ હતી તો પળનોય વિચાર કર્યા વગર તેમને પોતાની સાથે ગાડીમાં બેસાડીને પોતાની અપૉઇન્ટમેન્ટમાં તેમનું ઑપરેશન કરાવી દીધું હતું. રસ્તામાં મળતા બીમાર અને લાચાર ગરીબોના પડખે ઊભા રહીને તેમને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરીને તેમને દવા અને ખાવા-પીવાની બધી સગવડ પૂરી પાડતા હતા અને પોતાના ઘરેથી ટિફિન બનાવીને મહિનાઓ સુધી પહોંચાડતા હતા.

પોતાના ઘરમંદિરમાં શ્રી ધર્મનાથ પ્રભુની કાયમી અષ્ટપ્રકારી પૂજા સાથે અનુપમ ભક્તિ કરતા, ઉભયટંક એટલે કે સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા, પગમાં ચંપલ પણ નહોતા પહેરતા અને નિર્દોષચર્યાવાળું અહિંસક જીવન જીવતા હતા. હોટેલ અભક્ષના તેઓ કાયમી ત્યાગી હતા.

ભાટિયા હૉસ્પિટલમાં જ્યારે તેઓ ઍડ્‍મિટ હતા ત્યારે ત્યાંની નર્સો અને વૉર્ડબૉયના પરિવારોની તકલીફ પૂછીને તેમને મદદરૂપ થયા હતા. રસ્તામાં કોઈ પણ ગરીબ મળે કે દેરાસરમાં પૂજારી કે વૉચમૅન કે બહાર ધૂપ વેચતા લોકોને આર્થિક સહાય કરી હતી. ઘણા સાધર્મિકોએ પોતાના વિલમાં પોતાની જગ્યાનું દાન જિતુભાઈની સંસ્થાને કર્યું હતું. એક ભિક્ષુકે તો પોતે જ પોતાના કોથળા નીચેથી ૧૧,૦૦૦ રૂપિયા રોકડા કાઢીને જિતુભાઈને અનુકંપા કરવા માટે અર્પણ કર્યા હતા.

જિતુભાઈની ગુણાનુવાદ સભા ગયા અઠવાડિયે શ્રી જાંબલી ગલી જૈન સંઘમાં સાડાત્રણ કલાક ચાલી હતી જેમાં હકડેઠઠ મેદનીમાં અનેક સંસ્થાના પ્રતિનિધિઓએ પોતાનાં વક્તવ્યો રજૂ કર્યાં હતાં. 

મહાવીર શાહે પ્રસંગને અનુરૂપ સુંદર ભાવવાહી ગીતો રજૂ કર્યાં હતાં અને અંતમાં શ્રી જાંબલી ગલી જૈન સંઘે જિતુભાઈ દલીચંદ શાહને યુગપુરુષની પદવી એનાયત કરીને તેમનું મરણોત્તર સન્માન કર્યું હતું.

mumbai news mumbai jain community gujarati community news gujaratis of mumbai culture news