હવે સ્કૂલના સ્ટુડન્ટ્સ ડ્રગ્સ માફિયાનો ટાર્ગેટ

25 September, 2022 11:02 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

દહિસર, બોરીવલી અને કાંદિવલીની સ્કૂલોની બહાર ગાંજો વેચતી એક મહિલાને પોલીસે પકડ્યા બાદ ખ્યાલ આવ્યો કે થોડા રૂપિયા કમાવાની લાલચમાં ૧૩-૧૪ વર્ષના કિશોરોને નશાના આદિ બનાવવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક સમયમાં ધ્યાનમાં આવ્યું છે કે યુવાનોને પહેલાં ફ્રી કે મામૂલી રકમમાં ડ્રગ્સ આપીને તેમને નશીલા પદાર્થના આદિ બનાવ્યા બાદ ડ્રગ્સ માફિયાઓ મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં ધંધો કરે છે. જોકે હવે ચોંકાવનારી માહિતી સામે આવી છે. ડ્રગ્સ પેડલરો યુવાનોની સાથે હવે સ્કૂલના સ્ટુડન્ટ્સને ટાર્ગેટ બનાવીને પોતાનો ધંધો વધારી રહ્યા હોવાનું સામે આવ્યું છે. બોરીવલીની એમએચબી કૉલોની પોલીસે દહિસર, બોરીવલી અને કાંદિવલીમાં આવેલી સ્કૂલોની બહાર ગાંજો વેચતી એક મહિલાની ધરપકડ કર્યા બાદ જણાયું છે કે યુવાનોની સાથે-સાથે હવે ૧૩-૧૪ વર્ષના સ્કૂલના સ્ટુડન્ટ્સને તેઓ ટાર્ગેટ બનાવી રહ્યા છે.

બોરીવલી-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલી એમએચબી કૉલોની પોલીસને માહિતી મળી હતી કે એક મહિલા બોરીવલીમાં એસ. વી. રોડ પર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજ પાસે સ્કૂલના સ્ટુડન્ટ્સને ગાંજો વેચે છે. આથી પોલીસે તપાસ હાથ ધરીને બિલ્કિસ રીમ શેખ નામની એક મહિલાની ધરપકડ કરી હતી અને તેના ઘરમાંથી ૨૩૫ ગ્રામ ગાંજો ત્રણ દિવસ પહેલાં જપ્ત કર્યો હતો. .

કેવી રીતે ખબર પડી?

પોલીસના જણાવ્યા મુજબ પાંચેક દિવસ પહેલાં બોરીવલીમાં મંડપેશ્વર ગુફા પાસેની એક સ્કૂલની બહાર ચાર સ્ટુડન્ટ્સ ગાંજો પીતા હોવાની જાણ થયા બાદ એક સ્થાનિક રહેવાસીએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક સ્ટુડન્ટ તેમના હાથમાં આવ્યો હતો. આ વિદ્યાર્થીનાં માતા-પિતાને બોલાવીને તેમનો દીકરો નશો કરી રહ્યો છે એની જાણ કરી હતી. સ્ટુડન્ટની માતાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી દીકરો વધુ પડતો ગુસ્સો કરવા માંડ્યો છે, પેટ ભરીને જમતો નથી અને ગમે ત્યારે ઊંઘી જાય છે. ગાંજો પીવાને લીધે તેની આવી હાલત થાય છે એની તેમને ખબર નહોતી. આ સ્ટુડન્ટે કહ્યું હતું કે સ્કૂલની બહાર એક આન્ટી ગાંજો વેચે છે તેની પાસેથી તેણે ખરીદ્યો હતો. આ જાણીને સ્થાનિક રહેવાસીઓેએ એમએચબી કૉલોની પોલીસને જાણ કરી હતી.

સ્કૂલ-સ્ટુડન્ટ્સ નિશાના પર

એમએચબી કૉલોની પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નશીલા પદાર્થની હેરાફેરી કરનારાઓ યુવાનોની સાથે હવે સ્કૂલના ૧૩-૧૪ વર્ષના કિશોરોને પણ ટાર્ગેટ બનાવી રહ્યા હોવાની વાત ચોંકાવનારી છે. આ લોકો દહિસર, બોરીવલી અને કાંદિવલીની સ્કૂલોની બહાર સ્ટુડન્ટ્સને નશીલા પદાર્થ વેચીને તેમને નશાના આદિ બનાવે છે. આ મહિલાએ ગાંજો કોની પાસેથી મેળવ્યો હતો અને તેના જેવા બીજા કેટલા ડ્રગ્સ પેડલર છે એની તપાસ અમે કરી રહ્યા છીએ. મહિલા આરોપીની કોર્ટમાંથી બે દિવસની પોલીસ-કસ્ટડી મેળવવામાં આવી છે.’

mumbai mumbai news borivali kandivli dahisar mumbai police prakash bambhrolia