18 August, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાલઘર (Palghar) ની એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી ૧૦ વર્ષની બાળકી સાથે તેના ઘરની અંદર જ ૫૦ વર્ષીય સગા કાકાએ યૌન શોષણ કર્યું હોવાનો ચોંકાવનારો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાથી માસૂમ બાળકી ભારે માનસિક આઘાતમાં સરી પડી હતી, જેના પગલે તેના પરિવારે ન્યાય માટે જાહેર ગુહાર લગાવી છે.
પાલઘરની (Palghar Crime News) એક કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની માસૂમ બાળકી સાથે તેના ૫૦ વર્ષીય સગા કાકાએ યૌન શોષણ (Palghar Sexual Assault Case) કર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે. પીડિતાના માતા-પિતાએ મુંબઈ પ્રેસ ક્લબ (Mumbai Press Club) ખાતે પત્રકાર પરિષદ યોજીને ગંભીર આરોપ લગાવ્યો છે કે વારંવારની રજૂઆતો છતાં પાલઘર પોલીસ (Palghar Police) એ એફઆઇઆર (FIR) નોંધવાનો ઇનકાર કર્યો હતો અને પરિવારને ધમકાવ્યો હતો.
પીડિતાના પિતા (જેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે) ના જણાવ્યા મુજબ, આ ઘટના ૨૧ જુલાઈના રોજ રાત્રે ૧૦:૨૦ વાગ્યા આસપાસ બની હતી. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર પરિવાર વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી ત્યારે ઉપરના માળે રહેતા અને સોની કામ કરતા આરોપી કાકાએ બાળકી સાથે છેડતી અને યૌન શોષણ કર્યું હતું.
આ ઘટના બાદ બાળકી ભારે માનસિક આઘાતમાં સરી પડી હતી. તેણે શાળાએ જવાનું બંધ કરી દીધું હતું, ઘરમાં પોતાને એકલી કરી દીધી હતી અને સતત તાવ આવવા સાથે ખોરાક લેવાનું પણ છોડી દીધું હતું. બાળકી પોતાની શાળાની પરીક્ષા પણ આપી શકી નહોતી.
તેના વર્તનમાં આવેલો મોટો બદલાવ જોઈને ૪ ઓગસ્ટના રોજ સવારે માતાએ બાળકીની પૂછપરછ કરી હતી. બાળકીએ રડતાં રડતાં પોતાની સાથે થયેલી સમગ્ર દુર્ઘટના માતાને જણાવી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારે જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ કાયદા (Protection of Children from Sexual Offences (POCSO) Act) હેઠળ ફરિયાદ નોંધાવવા માટે તાત્કાલિક પાલઘર પોલીસ (Palghar Police) સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જોકે, પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડી દેતાં પરિવારે ઇમરજન્સી નંબર (112) પર કોલ કરીને ઓનલાઇન ફરિયાદ દાખલ કરવી પડી હતી.
૪ ઓગસ્ટના રોજ બાળકીને તબીબી તપાસ માટે સ્થાનિક ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તબીબોએ પોલીસને મેડિકલ મેમો આપ્યો હતો. ૫ ઓગસ્ટના રોજ મેડિકલ મેમો સાથે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસે પીડિત બાળકીની કડક અને ડરામણી રીતે પૂછપરછ કરી હોવાનો આરોપ છે.
માતાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે જો તેઓ કેસ આગળ વધારશે તો બાળકીના પિતા સામે ખોટા કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી પોલીસ અધિકારીઓએ આપી હતી.
ન્યાયની આશા ગુમાવી ચૂકેલા પરિવારે મહારાષ્ટ્રના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને સત્તાવાર ફરિયાદ સુપ્રત કરી છે. તેમણે આરોપી કાકા સામે તાત્કાલિક FIR નોંધવાની, યોગ્ય તપાસ કરવાની અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે આ કેસ પાલઘર પોલીસ સ્ટેશન પાસેથી લઈને અન્ય એજન્સીને સોંપવાની માંગ કરી છે.
આ ગંભીર આરોપો અંગે પાલઘરના પોલીસ અધિક્ષક (SP) યતીશ દેશમુખે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની ઊંડાઈથી તપાસ કરવામાં આવશે અને તપાસના તારણોના આધારે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.