ઘોડબંદર રોડ પરના આ ઍક્સિડન્ટે કરી આવી હાલત

28 September, 2021 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે રાત્રે એક ઑઇલ ટેન્કર ચાર વાહનો સાથે અથડાતાં થાણેથી મુંબઈ-અમદાવાદ હાઇવે તરફના રસ્તામાં કલાકો સુધી વાહનો થંભી ગયાં

ગાયમુખ પાસે રવિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે ઍક્સિડન્ટ થયો હતો

થાણેમાં આવેલા ઘોડબંદર રોડ પર ગાયમુખ પાસે રવિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે એક ઑઇલ ટેન્કરના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં ટેન્કર રસ્તાના ડિવાઇડરને તોડીને સામેથી આવી રહેલાં ચાર વાહનો સાથે ટકરાયું હતું. આ ઘટનામાં એક કારમાં બેસેલા ત્રણ પ્રવાસી ગંભીર રીતે ઘવાયા હતા. વાહનોને મેસન રોડ પરથી હટાવવામાં કલાકો લાગતાં થાણેથી મુંબઈ-અમદાવાદ તરફનો, થાણેના માજીવાડા જંક્શન અને ભીવંડી-નાશિક બાયપાસ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જૅમ સજાર્યો હતો. માજીવાડાથી ગાયમુખ સુધીના ૮ કિલોમીટર સુધી ગઈ કાલે સવારથી બપોર સુધી વાહનવ્યવહાર રીતસરનો થંભી ગયો હતો.

થાણે ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ રવિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે ઘોડબંદર રોડ પર ગાયમુખ પાસે ઑઇલ ભરેલા ટેન્કરના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટેન્કર રસ્તાનું ડિવાઇડર તોડીને સામેની બાજુએથી આવી રહેલી ત્રણ કાર અને એક ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કરના ડ્રાઇવરની કૅબિન ટેન્કરથી છૂટી પડી ગઈ હતી અને એ સામેથી આવી રહેલી એક કારની ઉપર પડી હતી. આથી આ કારમાં બેસેલા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને મીરા રોડની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા.

અકસ્માતને લીધે ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં ઑઇલ રસ્તા પર વહેવા લાગતાં ટ્રાફિક પોલીસે વાહનવ્યવહાર રોકી દીધો હતો. આને લીધે થાણેથી મુંબઈ-અમદાવાદ તરફના રસ્તામાં થાણેના માજીવાડા જંક્શન સુધી અને ભીવંડી-નાશિક બાયપાસ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જૅમ થયો હતો.

થાણે ટ્રાફિક પોલીસ કન્ટ્રોલના જણાવ્યા મુજબ બપોરે ૪ વાગ્યા પછી ઘોડબંદર રોડ પરનો વાહનવ્યવહાર ધીમે-ધીમે રાબેતા મુજબ થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે, જેમની સારવાર પ્રાઇવેટ હૉસ્પિટલમાં ચાલી રહી છે. કોઈ જાનહાનિ નથી થઈ. બીજી તરફનો રસ્તો સવારથી ઓપન થયો હતો.

mumbai mumbai news ghodbunder road thane ahmedabad western express highway