મરાઠા અનામતના GRને છગન ભુજબળ હાઈ કોર્ટમાં પડકારશે

09 September, 2025 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામે મનોજ જરાંગેએ પણ બાંયો ચડાવી

મનોજ જરાંગે પાટીલ, છગન ભુજબળ

મરાઠા ક્રાન્તિ મોરચાના નેતા મનોજ જરાંગેએ મરાઠાઓને અનામત અપાવવા આઝાદ મેદાનમાં અનશન પર બેસીને હજારો કાર્યકરો અને સમર્થકો સાથે આંદોલન કર્યા બાદ રાજ્ય સરકારે હૈદરાબાદ ગૅઝેટ અનુસાર મરાઠવાડાના મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ આપવાનું નક્કી કરી એ માટે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડ્યું હતું. એ GRને હવે અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના નેતા છગન ભુજબળ બૉમ્બે હાઈ કોર્ટમાં એકાદ-બે દિવસમાં પડકારવાના છે.

છેલ્લા ચાર-પાંચ દિવસથી છગન ભુજબળે આ માટે અલગ-અલગ વકીલો સાથે બેઠકો કરી હતી. કોર્ટમાં આ સંદર્ભે અરજી કરવા OBC સમાજના અલગ-અલગ દસ્તાવેજો ભેગા કરવાની કવાયત એ પછી હાથ ધરવામાં આવી હતી. છગન ભુજબળે આ બાબતે કહ્યું હતું કે ‘સગાંસંબંધી, કુ‍‍ળ અને ગામના જે લોકોની કુણબી-મરાઠા, મરાઠા-કુણબી તરીકેની નોંધ થઈ હશે એ બધાને ‍OBC સર્ટિફિકેટ મળશે એવો નિર્ણય રાજ્ય સરકારે લીધો હોવાથી OBC ભાઈઓમાં અસંતોષ છે. સરકારના આ નિર્ણયથી અમને નક્કી જ ફટકો પડશે. શાસનનો આ નિર્ણય અમારા માટે અવરોધ પેદા કરશે એટલે અમારી બધી જ સંસ્થાઓ એકજૂટ થઈ છે અને એને કોર્ટમાં પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

  જોકે એ સામે હવે મનોજ જરાંગેએ પણ ફાઇટ આપવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું હતું કે અમને અપાયેલી અનામતમાં જો કોઈ ફાચર મારશે તો તેમને મહારાષ્ટ્રમાં આવવા નહીં દઈએ. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મરાઠાઓનો રોષ નહીં વહોરી લે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

હૈદરાબાદ ગૅઝેટ પ્રમાણે સરકાર સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનું ચાલુ કરે અને એ માટે પ્રશાસન સ્ટાફ ફાળવે, નહીં તો પછી નેતાઓને મહારાષ્ટ્રમાં ફરવા નહીં દઈએ એવી ચીમકી આપતાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે હૈદરાબાદ ગૅઝેટ પ્રમાણે સર્ટિફિકેટ આપવાનું ચાલુ કરો, નહીં તો પછી દશેરામેળામાં અમારે નાછૂટકે અલગ સ્ટૅન્ડ લેવું પડશે.

maratha reservation manoj jarange patil chhagan bhujbal maharashtra government news maharashtra maharashtra news mumbai political news mumbai news azad maidan bombay high court mumbai high court devendra fadnavis