ખાડીમાં કૂદેલી વ્યક્તિને પોલીસે ગણતરીની મિનિટમાં જ બચાવી

30 November, 2022 11:33 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ભાઈંદર પાસેના બ્રિજ પરથી આત્મહત્યા કરવા પાણીમાં પડેલા નાલાસોપારાના આધેડના પેટમાં ભરાયેલું પાણી પોલીસે બોટમાં લાવીને કાઢતાં બાલ-બાલ બચ્યો

પાણીમાંથી બહાર કાઢીને બોટમાં પ્રદીપ ઉપાધ્યાયના પેટમાંથી પાણી કાઢી રહેલો કૉન્સ્ટેબલ

ભાઈંદરમાં જેસલ પાર્ક પાસેની ખાડીમાં રેલવેના બ્રિજ પરથી કૂદકો મારીને નાલાસોપારાની ૪૩ વર્ષની એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિને ખાડીમાં કૂદતી જોઈને ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા એક પ્રવાસીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આથી ભાઈંદરના નવઘર રોડ પોલીસની ટીમ સ્પીડ બોટમાં ડૂબી રહેલી વ્યક્તિ પાસે પહોંચી હતી અને તેને ઊંચકીને બોટમાં ખેંચી લીધી હતી. પોલીસ થોડી મોડી પહોંચી હોત તો આ વ્યક્તિ ડૂબી જાત. પાણીમાંથી બેભાન હાલતમાં બહાર કાઢ્યા બાદ પોલીસે બોટમાં સૂવડાવીને આ વ્યક્તિના પેટમાંથી ડૉક્ટરો કાઢે છે એવી રીતે છાતીમાં હાથથી પ્રેશર આપી પાણી કાઢીને બચાવી હતી. આ માણસ છ વર્ષથી બેકાર હોવાથી ઘરનાં મહેણાંટોણાં સાંભળીને હતાશ હતો એટલે તે નાલાસોપારાથી ટ્રેન પકડીને ભાઈંદર પહોંચ્યો હતો અને અહીંની ખાડીમાં જીવન ટૂંકાવવા પડતું મૂક્યું હતું. આ સ્થળે જ શ્રદ્ધા વાલકરના હત્યારા આફતાબે મોબાઇલ સહિતની વસ્તુઓ ખાડીમાં ફેંકી હોવાનું કહેતાં દિલ્હી અને સ્થાનિક પોલીસે બે દિવસ શોધખોળ કરી હતી.

રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યે ભાઈંદરમાં એક ખૂબ જ નાટ્યાત્મક ઘટના બની હતી. ભાઈંદર પાસેની ખાડી પરના રેલવે બ્રિજ પરથી એક વ્યક્તિએ કૂદકો માર્યો હોવાનો કૉલ પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો હતો. કન્ટ્રોલ રૂમે નવઘર પોલીસને આ ઘટનાની માહિતી આપતાં નવઘર પોલીસના સુરેશ કોયાંડે અને સંદીપ સિરસાટ નામના બે કૉન્સ્ટેબલ જેસલ પાર્ક પાસેની જેટીથી બોટ લઈને ખાડીમાં ગયા હતા. ભાઈંદર નજીક ખાડીના કિનારે જ પેલી વ્યક્તિએ કૂદકો માર્યો હતો એટલે ગણતરીની મિનિટમાં જ પોલીસની બોટ તેના સુધી પહોંચી ગઈ હતી અને તેને પાણીમાંથી ખેંચીને બોટમાં સૂવડાવ્યો હતો.

થોડું મોડું થયું હોત તો...
નવઘર પોલીસના કૉન્સ્ટેબલ સંદીપ સિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાણીમાં કૂદેલા માણસ પાસે અમે થોડા મોડા પહોંચ્યા હોત તો તે ડૂબી જાત. અમે તેની પાસે પહોંચ્યા હતા ત્યારે તે પાણીમાં હાથ-પગ મારતો હતો. આમ છતાં તેના પેટમાં ઘણું પાણી જતું રહ્યું હતું એટલે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. અમે તેને પાણીમાંથી ખેંચીને બોટમાં સૂવડાવ્યો હતો. આ સમયે તે લગભગ બેહોશ થઈ ગયો હતો. ફર્સ્ટ એઇડની સાથે પેટમાંથી પાણી કાઢવા માટેની પ્રક્રિયા કર્યા બાદ તે બરાબર શ્વાસ લેવા માંડ્યો હતો. તેને કૂદતો જોઈને એક રેલવે પ્રવાસીએ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી એટલે અમે સમયસર અહીં પહોંચી શક્યા હતા.’

છ વર્ષથી બેકાર હોવાથી હતાશ
નવઘર પોલીસના જણાવ્યા મુજબ પાણીમાંથી બહાર કાઢ્યા બાદ પેલી વ્યક્તિને નવઘર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. પૂછપરછમાં જણાયું હતું કે તેનું નામ પ્રદીશ ઉદયરાજ ઉપાધ્યાય છે અને તે નાલાસોપારા-પૂર્વમાં આવેલા અલકાપુરી વિસ્તારમાં રહે છે. તે છ વર્ષથી બેકાર છે એટલે પરિવારજનો તેને નકામો હોવાનું કહીને મહેણાંટોણાં મારતા હતા એટલે હતાશામાં આવી જઈને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. બપોર બાદ તેણે નાલાસોપારાથી લોકલ ટ્રેન પકડી હતી અને ભાઈંદર પહોંચ્યો હતો. ભાઈંદરમાં ઊતરીને તે ખાડી પરના બ્રિજ તરફ ગયો હતો અને અહીંથી તેણે ખાડીમાં કૂદકો માર્યો હતો.

આવું પગલું ન ભરવા સમજાવ્યો
નવઘર પોલીસે આ બનાવની જાણ પ્રદીપના ભાઈ રૂપેશને કરી હતી તેમ જ કોઈ પણ પરિસ્થિતિમાં આત્મહત્યા કરવી એ મોટું પાપ છે અને એમ કરવાથી છુટકારો નથી મળતો એમ કહીને તેને સમજાવ્યો હતો. એને બદલે કોઈ નાનું-મોટું કામ કરીને સન્માનજનક જીવન જીવવું જોઈએ એવી સમજણ પણ આપી હતી અને બાદમાં તેને ભાઈ સાથે ઘરે જવા દીધો હતો.

કોસ્ટલ પૅટ્રોલિંગ કામ લાગ્યું
મહારાષ્ટ્ર પોલીસ દ્વારા દરિયાઈ કિનારે પૅટ્રોલિંગ કરવામાં આવે છે. આ માટે દરેક કિનારા પર કે જેટી પર એક સ્પીડ બોટ પૅટ્રોલિંગ માટે તહેનાત કરવામાં આવી છે. ભાઈંદરમાં જેસલ પાર્ક ખાડી પાસે આવી જ જેટી પરથી પોલીસ બોટમાં બેસીને રેલવે બ્રિજ અને આસપાસના ભાગમાં પોલીસ પૅટ્રોલિંગ કરે છે. કન્ટ્રોલ રૂમને કોઈ પાણીમાં ડૂબી રહ્યું હોવાની માહિતી મળ્યા બાદ પૅટ્રોલિંગ ટીમના બે કૉન્સ્ટેબલ ઘટનાસ્થળે ઝડપથી પહોંચ્યા હતા અને તેમણે પ્રદીપ ઉપાધ્યાયનો જીવ બચાવ્યો હતો.

mumbai mumbai news bhayander nalasopara mumbai police prakash bambhrolia