હું ૭ ઑગસ્ટ સુધી હાઈ કોર્ટના સકારાત્મક આદેશની રાહ જોઈશ, નહીંતર ૮ ઑગસ્ટથી દાદરના કબૂતરખાના પાસે અનશન શરૂ કરીશ

04 August, 2025 07:04 AM IST  |  Mumbai | Rohit Parikh

કબૂતરખાનાં બચાવવા આજે કોલાબા જૈન દેરાસરથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીની મહારૅલીની આગેવાની લેનારા કટ્ટર હિન્દુવાદી ગૌરક્ષક રાષ્ટ્રસંત પૂજ્ય મુનિ નીલેશચંદ્રજી મહારાજસાહેબ કહે છે...

રાષ્ટ્રસંત પૂજ્ય મુનિ નીલેશચંદ્રજી મહારાજસાહેબ

મુંબઈ મહાનગરપાલિકા કબૂતરખાનાં બંધ કરવા અને તોડવા માટે સક્રિય બની છે એનો વિરોધ કરવા રાજસ્થાની છત્તીસ કોમના લોકપ્રિય કટ્ટર હિન્દુવાદી ગૌરક્ષક રાષ્ટ્રસંત પૂજ્ય મુનિ નીલેશચંદ્રજી મહારાજસાહેબની આગેવાનીમાં આજે સવારે ૯ વાગ્યે કોલાબા જૈન મંદિરથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૅલી મહાવીર મિશન, કોલાબા સકળ જૈન સંઘ અને કોલાબા રાજસ્થાની છત્તીસ કોમના નેજા હેઠળ યોજાવાની છે. એમાં ૩૦૦૦ જેટલા જીવદયાપ્રેમીઓ જોડાય એવી સંભાવના છે. આ રૅલી પછી ૭ ઑગસ્ટે મુંબઈ હાઈ કોર્ટ અને મહારાષ્ટ્ર સરકાર કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નિષ્ફળ જશે તો મોહનખેડા તીર્થવાળા મુનિ નીલેશચંદ્રજી મહારાજસાહેબ દાદરના કબૂતરખાના પાસે અનશન પર ઊતરશે.

આ બાબતે મુનિ નીલેશચંદ્રજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું જીવદયાપ્રેમીઓ અને મહાવીરસ્વામીના સિદ્ધાંતો પર ચાલનારાં ભાઈ-બહેનોને અનુરોધ કરું છું કે કબૂતરખાનાં બચાવવા માટે સૌ એકજૂટ થઈને આગળ આવે. બેજુબાન કબૂતરોનો જીવ બચાવવા માટે સૌએ એકત્રિત થઈને મહાનગરપાલિકા દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધ સામે લડવા આગળ આવવાની જરૂર છે. અત્યારે લાખો કબૂતરોનો જીવ જોખમમાં છે એની સામે જીવદયા માટે સૌએ આ રૅલીમાં જોડાવું અત્યંત આવશ્યક છે. આ રૅલી કોલાબા જૈન મંદિરમાં દર્શન-ચૈત્યવંદન કરીને શરૂ કરવામાં આવશે, ત્યાંથી સામે આવેલા હનુમાન મંદિરમાં જશે જ્યાં હનુમાન ચાલીસાનું પઠન કરીને રૅલી રામચંદ્ર માર્ગ થઈને ગેટવે ઑફ ઇન્ડિયા જશે અને ત્યાં લોકોને સંબોધન કરવામાં આવશે. દરમ્યાન સૌ સાથે મળીને પ્રતિજ્ઞા કરશે કે કોર્ટ અને પ્રશાસન પશુ-પંખીઓને ન્યાય આપવામાં નિષ્ફળ જશે તો અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે કોઈ પણ સંજોગોમાં એમને ભૂખે મરવા દઈશું નહીં. હું ૭ ઑગસ્ટ સુધી હાઈ કોર્ટના સકારાત્મક આદેશની રાહ જોઈશ. જો એમ નહીં થાય તો હું ૮ ઑગસ્ટથી દાદરના કબૂતરખાના પાસે અનશન શરૂ કરીશ.’

એક હાકલ : જીવદયાપ્રેમી છો તો FIRથી ડરો નહીં

દાદરના જીવદયાપ્રેમીઓએ તેમની એક અપીલમાં લોકોને કહ્યું છે કે ‘મુંબઈના જીવદયાપ્રેમીઓ અને જીવદયા મંડળો, ક્યાં સૂઈ ગયાં છો? જો સાચા જીવદયાપ્રેમી છો તો ચણ નાખવાનું બંધ ન કરો. કોર્ટના આદેશ પ્રમાણે તમારી સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધાવા દો. કેસ લડો. કોઈ ફાંસી નથી આપવાનું. આજે મુંબઈમાં કબૂતરખાનાં બંધ કરવામાં આવી રહ્યાં છે, આવતી કાલે આખા ભારતમાં આ ઑર્ડર આવશે. હમણાં કબૂતરોને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે, કાલે ગૌમાતાને ટાર્ગેટ કરવામાં આવશે. બધા જીવદયાપ્રેમીઓ અને જૈન તથા હિન્દુ સંતો વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ તેમ જ ગૃહપ્રધાન અમિત શાહ સુધી તેમના સંદેશા મોકલીને કબૂતરોના બચાવ-અભિયાનને તમારો ટેકો જાહેર કરો. આજે મુંબઈમાં અનેક નશીલી ચીજો છે જે જાહેરમાં વેચાય છે અને જેનાથી દેશના લાખો લોકો કૅન્સર અને બીજી જીવલેણ બીમારીનો ભોગ બને છે. મુંબઈના પ્રદૂષણથી અનેક લોકો શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા છે એને માટે કોઈ કાયદો નથી; ફક્ત બેજુબાન કબૂતરો, પશુ-પંખીઓ માટે જ કાયદો છે. સેંકડો વર્ષથી કબૂતરો ચણ ખાતાં આવ્યાં છે. કબૂતરખાનાંની આસપાસ અનેક વસાહતો છે એમાંથી કેટલા લોકો કબૂતરને લીધે મર્યા છે? આજે લોકો મરઘાં પાળે છે એ પણ છૂટાં મેદાનમાં હોય છે એનાથી કોઈને તકલીફ નથી.’ 

mumbai dadar mumbai news jain community news maharashtra mumbai high court bombay high court maharashtra news brihanmumbai municipal corporation colaba gateway of india