Dussehra 2022: છેલ્લા ત્રણ વર્ષમાં દશેરા નિમિત્તે ૧૫૦ કરોડના ફાફડા-જલેબી ઝાપટી ગયા મુંબઈગરા

05 October, 2022 08:28 AM IST  |  Mumbai | Karan Negandhi

ફાફડા-જલેબીના વેચાણમાં ગુજરાત મુંબઈ કરતાં આગળ

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

દશેરા એટલે બુરાઇ પર ભલાઇના વિજયનું પર્વ. દશેરા સાથે સંકળાયેલી વાર્તાઓ અને માયથોલોજિકલ કથાઓ તો આપણને ખબર જ છે પણ દશેરાનો ખરો સાર તો ફાફડા-જલેબીમાં જ રહેલો છે. જો આ વિધાનનો વિરોધ કરવાનું વિચારતા હો તો એક વાર, માત્ર એક વાર ફાફડા જલેબી વેચતી ફરસાણની દુકાનો પર લાગેલી અધધધ લાંબી લાઇન પર નજર કરી લેવી. ઓહ જો કે એમ બને કે તમે આ લાઇનો જોવા ન જાવ કારણકે તમે પણ આ જ લાઇનનો હિસ્સો હો.

ફાફડા જલેબીની વકરાની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષનો સરવાળો કરીએ તો સ્વાદ રસિયાઓ અને તેમાં ય ખાસ કરીને ગુજરાતીઓનો મોટો ફાળો છે, મુંબઈગરા દશેરા નિમિત્તે ૧૫૦ કરોડના જલેબી-ફાફડા ઝાપટી ગયા છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ફેડરેશન ઑફ સ્વીટ્સ ઍન્ડ નમકીન મેન્યુફેક્ચરર્સના ડિરેક્ટર ફિરોઝ નકવીએ જણાવ્યું કે “દશેરાના દિવસે ગત વર્ષે મુંબઈ, મુંબઈ ઉપનગર અને આસપાસના વિસ્તારોમાં લગભગ ૫૦ કરોડના ફાફડા-જલેબી વેચાયા હતા. આ વર્ષે અમને આશા છે કે આ આંકડામાં ૧૦ ટકાનો વધારો જોવા મળશે.”

વર્ષ ૨૦૨૦માં લૉકડાઉન છતાં દશેરાના દિવસે ૪૫ કરોડના ફાફડા-જલેબી વેચાયા હતા. એટલે જો ત્રણ વર્ષના વેચાણનો સરવાળો કરીએ તો આ આંકડો ૧૫૦ કરોડનો છે. જ્યારે આખા મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો વર્ષ ૨૦૨૧માં આ આંકડો લગભગ ૭૦ કરોડ હોવાનું નકવીએ જણાવ્યું હતું.

ફાફડા-જલેબીના વેચાણમાં ગુજરાત મુંબઈ કરતાં આગળ

દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવામાં ગુજરાત પણ અગ્રેસર છે. નકવી કહે છે કે “ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં ૭૫ કરોડ રૂપિયાના ફાફડા-જલેબી વેચાયા હોવાનો અંદાજ છે. અહીં પણ આ વર્ષે કુલ વેચાણમાં ૧૦ ટકાનો વધારો અપેક્ષિત છે.” એટલે કહી શકાય કે ગુજરાતમાં ૨ વર્ષની દશેરાનો સરવાળો કરતા આ નિમિત્તે ૧૫૦ કરોડ કરતાં વધુ કિંમતના ફાફડા-જલેબી ગુજરાતીઓએ માણ્યા છે.

આ પણ વાંચો: મુંબઈમાં અહીં મળે છે બેસ્ટ ફાફડા જલેબી

mumbai mumbai news Gujarati food mumbai food indian food