05 December, 2023 07:35 AM IST | Mumbai | Rohit Parikh
પાણીની અછતને લીધે ભરતડકામાં તેમનાં સગાંને ત્યાંથી સ્કૂટર પર પીવાનું પાણી ભરીને લઈ જઈ રહેલા યુવાનો
મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ માટે ડ્રિલિંગ દરમ્યાન અંધેરી-ઈસ્ટમાં સીપ્ઝના પ્રવેશદ્વાર પાસે પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું એને કારણે મુંબઈ મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગને વેરાવલી જળાશયની ૧૮૦૦ મિલીમીટરની પાઇપલાઇનનું રિપેરિંગ હાથ ધરવું પડ્યું હતું. અગાઉની જાહેરાત પ્રમાણે આ રિપેરિંગ શનિવારે સવારે ૮.૩૦ વાગ્યે શરૂ કરીને રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂર્ણ થવાની ધારણા હતી, પરંતુ આ રિપેરિંગ ગઈ કાલે બપોરે પૂરું થયું હતું. આથી આ કામને કારણે અસરગ્રસ્ત જોગેશ્વરી, અંધેરી-ઈસ્ટ, સાંતાક્રુઝ, ખાર, બાંદરા, ગોરેગામ, ભાંડુપ, કુર્લા અને ઘાટકોપરના વિસ્તારોના રહેવાસીઓને અંદાજે ૬૦ કલાક મહાનગરપાલિકાના પીવાના પાણી વગર રહેવાની નોબત આવી હતી. ઘાટકોપરમાં તો પીવાના પાણીની અછતને કારણે સ્લમ વિસ્તારોના રહેવાસીઓનાં રસોડાં પણ બંધ રહ્યાં હતાં, તો અનેક રહેવાસીઓએ પૅકેજ્ડ વૉટરની બૉટલ લાવીને તેમનાં રસોડાં ચલાવવાં પડ્યાં હતાં. એટલાથી તેમની સમસ્યાનો અંત આવ્યો નહોતો. આ રહેવાસીઓએ ટૉઇલેટમાં પણ પૅકેજ્ડ વૉટરનો ઉપયોગ કરવો પડ્યો હતો, તો અનેક રહેવાસીઓને પૅકેજ્ડ વૉટરને બદલે પૈસા આપીને પબ્લિક ટૉઇલેટનો ઉપયોગ કરવાનું મુનાસિબ લાગ્યું હતું.
અંધેરી-ઈસ્ટમાં સીપ્ઝના પ્રવેશદ્વાર પાસે ગુરુવારે રાતે પાઇપલાઇન ફાટતાં હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું. મહાનગરપાલિકાના એન્જિનિયરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી. જોકે લીકેજને તપાસવા અને એને સુધારવા માટે મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગને પીવાના પાણીની સપ્લાય બંધ કરવી પડી હતી. તેમની ધારણા રિપેરિંગ ૨૪ કલાક ચાલશે એવી હતી, પરંતુ આ કામ ૬૦ કલાકે પૂરું થયું હતું.
અમારા ઘરમાં પાણીની ટાંકી હોવા છતાં શનિવાર રાતથી પાણી બંધ થવાનું છે એવી અમારી પાસે કોઈ માહિતી નહોતી, એમ જણાવતાં ઘાટકોપર-વેસ્ટની પારસીવાડીનાં રહેવાસી ભાવનાબહેન વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો અમને પહેલાંથી મહાનગરપાલિકાએ કે અન્ય કોઈ રીતે ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેવાની ખબર પડી હોત તો અમે પાણી સ્ટોર કરવાની વ્યવસ્થા કરી લીધી હોત, પરંતુ અમને છેક શનિવારે સાંજે ખબર પડી કે મહાનગરપાલિકાનું પાણી ૨૪ કલાક મળવાનું નથી.’
મારા ઘરે વિરમગામથી મારી દીકરી ડિલિવરી બાદ આવી છે. તેનો દીકરો અઢી મહિનાનો છે. અમારે એ બાળકનાં બાળોતિયાં-કપડાં ધોવા માટે બહારથી પાણીની બૉટલ ખરીદવી પડી હતી એમ જણાવતાં ભાવનાબહેને કહ્યું કે ‘અમે શનિવારથી સોમવાર રાત સુધીમાં ૨૫૦૦ રૂપિયા પાણી માટે ખર્ચી નાખ્યા છે. બાકીનું પાણી અમે અને અમારા આડોશપાડોશના ઘરેથી અને અડધો કિલોમીટર દૂર આવેલા મહાનગરપાલિકાના પાણી ખાતામાંથી લાંબી લાઇનમાં ઊભાં રહીને લાવતાં હતાં. આ બે દિવસમાં અમે વ્યવસ્થિત રીતે નાહ્યાં પણ નથી.’
આ અછતમાં રવિવારે મારા ઘરે મારાં સાસરિયાં અને મારી નણંદના પરિવારજનો જમવા આવ્યા હતા. મહેમાનોને સાચવવા માટે અમે એક જ દિવસમાં પાણીની બૉટલના ૨૦૦૦ રૂપિયાથી વધુ ખર્ચવા પડ્યા હતા એવું કહેતાં પારસીવાડીનાં પ્રીતિબહેન સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે પાણી આવી જશે એવો અંદાજ હોવાથી અમે મહેમાનોને ના ન પાડી શક્યા. તેમને રવિવારે આવવાનું કહી દીધું. પાણી તો ન આવ્યું, પણ આવનાર મહેમાનોને કશી તકલીફ ન પડે એ માટે અમારે નછૂટકે પૅકેજ્ડ બૉટલ ખરીદવી પડતી હતી. હવે આજથી પાણી રેગ્યુલર થઈ જાય તો સારું. અમારા વિસ્તારમાં મોટા ભાગના લોકોનાં રસોડાં બંધ હતાં. તેઓ બહારથી મગાવીને ખાતા હતા, કેમ કે વાસણ ધોવા માટે લોકો પાસે પાણી નહોતું.’
અમારા પરિવારના સભ્યો અમારાં નજીકનાં સગાંસંબંધીના ઘરે નાહવા અને કપડાં ધોવા જતા હતા એવું જણાવતાં પારસીવાડીના ટેલર કિરીટ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરમાં ટૉઇલેટ જવા માટે પણ પાણી બચ્યું નહોતું. આવા સંજોગોમાં કોઈ જગ્યાએ તો જવાય નહીં. અમે ઘરના સભ્યો નજીક રહેતાં સગાંને ત્યાં નાહવા અને મારી પત્ની કપડાં ધોવા પિયર નજીક હોવાથી ત્યાં જતી હતી. મારી પુત્રવધૂ ઘાટકોપર-ઈસ્ટના તેના પિયરે દીકરીને લઈને નાહવા જતી હતી. રવિવારે રજાનો દિવસ હતો અને બધા ઘરે હતા એટલે થોડી તકલીફ પડી હતી.’
અમે છેલ્લા બે દિવસથી ઘરમાં વાસણ-કપડાં ધોયાં નથી, એમ જણાવતાં ઘાટકોપર-વેસ્ટના અમૃતનગરની રહેવાસી શોભા જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર ટંકથી અમે વડાંપાંઉ, મિસળ-પાંઉ જેવી વાનગીઓ બહારથી લાવીને જમીએ છીએ. પીવાનું પાણી હું જ્યાં કામ કરું છું એ શેઠાણીના ઘરેથી લઈ આવતી હતી.’
ઘાટકોપર-વેસ્ટની કલ્પતરુ ઓરા સોસાયટીમાં રસોઈ બનાવવા માટે જતી વૃષાલી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બે દિવસથી નાહ્યાં પણ નહોતાં. આખરે ગઈ કાલે જ્યારે ખબર પડી કે હજી મહાનગરપાલિકાનો પાણીપુરવઠો રાત સુધી મળવાનો નથી એટલે હું જેને ત્યાં કામ કરું છું તેમના ઘરેથી પાંચ-સાત પાણીનાં કૅન ભરીને રિક્ષામાં ઘરે લઈ ગઈ હતી. મારી આસપાસના રહેવાસીઓ તો ઘાટકોપર-ઈસ્ટમાં રહેતાં તેમનાં સગાંસંબંધીઓને ત્યાં બે દિવસથી નાહવા અને જમવા જતા હતા.’
અમે તો પે ઍન્ડ યુઝ ટૉઇલેટનો બે દિવસથી ઉપયોગ કરીએ છીએ, એમ જણાવતાં ઘાટકોપર-વેસ્ટના સુભાષનગરના રહેવાસી અમિત પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ઘરથી બે કિલોમીટર દૂર અમારા એક રિલેટિવને ત્યાંથી પાણીનાં કૅન જમવાનું બનાવવા અને પીવા માટે સ્કૂટર પર લઈ આવતા હતા.’