09 September, 2025 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ અને થાણેનાં મુખ્ય રેલવે-સ્ટેશનો પર મુસાફરો પાસેથી પૈસા પડાવવા માટેનું મોટું રૅકેટ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ પકડ્યું છે, જેમાં સામેલ સિનિયર ઇન્સ્પેક્ટર સહિત ૧૩ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મુંબઈ સેન્ટ્રલ, દાદર, કુર્લા, બાંદરા ટર્મિનસ, બોરીવલી, થાણે, કલ્યાણ અને પનવેલ જેવા લાંબા અંતરની ટ્રેનોનાં સ્ટેશનો પર આવતા મુસાફરોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. આ મુસાફરો પાસે વધારે કીમતી અને ભારે સામાન હોવાથી તેઓ ફરિયાદ નોંધાવવાની માથાકૂટમાં પડે નહીં એથી આવા મુસાફરો પાસેથી જુદાં-જુદાં કારણોસર પૈસા પડાવવામાં આવતા હતા.
રેલવે પોલીસે આપેલી માહિતી મુજબ આ ટોળકી લગેજ ચેકિંગ પૉઇન્ટ પર મુસાફરોનો સામાન ચેક થતો હોય એ સમયે ધ્યાન રાખીને સામાનમાં કઈ વસ્તુઓ છે એનો તાગ મેળવી લેતી હતી. જે મુસાફરોના સામાનમાં વધુ રોકડ કે દાગીના મળી આવે તેને સિનિયર અધિકારીને મળવા માટે લઈ જવાનું કહીને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ન હોય એવી જગ્યાએ રેલવે પરિસરથી બહાર લઈ જવામાં આવતા હતા. ત્યાં દાગીના તે મુસાફરના જ છે એવી સાબિતી આપવાનું કહેવામાં આવતું હતું. કાયદાકીય તપાસના નામે મુસાફરોની માલમતા જપ્ત કરી લેવામાં આવતી હતી.
રાજસ્થાનથી આવેલા એક મુસાફરની બૅગમાંથી ૩૦,૦૦૦ આપવાનું કહેતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ૩ કૉન્સ્ટેબલની ધરપકડ થઈ હતી. વધુ પૂછપરછ કરતાં છેલ્લા પાંચ મહિનાથી ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.