મુંબઈ : પાલિકાની શિક્ષણ સમિતિ ફરી શિવસેના પાસે

06 October, 2020 11:37 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : પાલિકાની શિક્ષણ સમિતિ ફરી શિવસેના પાસે

ઉદ્ધવ ઠાકરે

મુંબઈ મહાનગરપાલિકાની ગઈ કાલે યોજાયેલી શિક્ષણ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીમાં શિવસેનાનાં સંધ્યા દોશી ચૂંટાયાં હતાં. આ ચૂંટણીમાં કૉન્ગ્રેસે ઉમેદવારી પાછી ખેંચીને તટસ્થ ભૂમિકા અપનાવી હતી. એનસીપી અને સમાજવાદી પક્ષના નગરસેવકોએ શિવસેનાને મત આપ્યો હતો. જોકે બીજેપીમાંથી બે નગરસેવિકાઓએ શિવસેનાનાં સંધ્યા દોશીની તરફેણમાં મતદાન કરતાં તેમના મત ગેરલાયક ઠર્યા હતા.

બીજેપીના હોદ્દેદારો બે નગરસેવકો ફૂટી ગયા હોવાના આરોપોની તપાસ કરીને કાર્યવાહી હાથ ધરશે એવું જાણવા મળ્યું હતું. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર સંગીતા હંડોરે અને બીજેપીનાં ઉમેદવાર સુરેખા પાટીલ હતાં. સમિતિમાં શિવસેનાના ૧૧, બીજેપીના ૯, કૉન્ગ્રેસના ૪, એનસીપીના ૧ અને સમાજવાદી પક્ષનો એક મળીને ૨૬ સભ્યો છે.

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ૨૬ મતો અપાયા હતા. તેમાં સંધ્યા દોશીને શિવસેનાના ૧૧, એનસીપીનો ૧ અને સમાજવાદી પક્ષનો ૧ મળીને ૧૩ મત પ્રાપ્ત થયા હતા. કૉન્ગ્રેસના ૪ સભ્યોએ તટસ્થ રહેતાં મતદાન કર્યું નહોતું. બીજેપીના ઉમેદવારને ૭ મત મળ્યા હતા. બીજેપીની નગરસેવિકાઓ બિંદુ ત્રિવેદી અને યોગિતા કોળીએ શિવસેનાને મત આપીને પાર્ટીના વ્હીપનો અનાદર કર્યાના આરોપસર બન્ને સામે પક્ષ તરફથી કાર્યવાહી હાથ ધરવાની શક્યતા છે.

જોકે બાદમાં બિંદુ ત્રિવેદીએ વિડિયોના માધ્યમથી કહ્યું હતું કે તે ૨૫ વર્ષથી બીજેપીની કાર્યકર છે અને કાયમ રહેશે. મતદાન વખતે તેમણે પોતાના પક્ષના ઉમેદવારને મત આપ્યો હોવા હાથ ઉપર કર્યો હોવાનું વિડિયો શૂટિંગમાં જોઈ શકાય છે. માસ્ક પહેરવાની સાથે ચશ્માં પર વરાળ છવાઈ જવાથી માત્ર એકને બદલે બીજા નામ પર સહી કરવામાં ભૂલ થઈ હતી.

mumbai mumbai news maharashtra shiv sena uddhav thackeray bharatiya janata party congress