મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટને મળી બોમ્બની ધમકી, પરિસરમાં અફરાતફરી

18 June, 2026 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai`s Esplanade Court receives bomb threat e-mail: ગુરુવારે મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી; પોલીસ અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડને વિગતવાર તપાસ કામગીરી હાથ ધરી હતી પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નથી

ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai)ની ઐતિહાસિક એસ્પ્લેનેડ કોર્ટ (Esplanade Court)માં બોમ્બ હોવાની ધમકી મળતા વાતાવરણ ગંભીર થયું હતું. સદ્નસીબે સર્ચ ઓપરેશનમાં કંઈ મળ્યું નહોતું.

એસ્પ્લેનેડ કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી અફરાતફરી

મુંબઈની ઐતિહાસિક એસ્પ્લેનેડ કોર્ટ (જે `કિલ્લા કોર્ટ` તરીકે પણ જાણીતી છે)માં ગુરુવારે ઈમેલ દ્વારા બોમ્બ (Mumbai`s Esplanade Court receives bomb threat e-mail) હોવાની ધમકી મળતાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈમેલ બાદ મુંબઈ પોલીસ (Mumbai Police) અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Detection and Disposal Squad - BDDS), શ્વાન દળ (Dog Squad) અને સ્થાનિક પોલીસની ટીમોએ કોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ઈમેલ દ્વારા અપાઈ બોમ્બ વિસ્ફોટની ધમકી

સત્તાવાર માહિતી અનુસાર, ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલમાં દાવો કર્યો હતો કે કોર્ટ સંકુલની અંદર વિસ્ફોટક ઉપકરણ ગોઠવવામાં આવ્યું છે અને તે ટૂંક સમયમાં જ બ્લાસ્ટ થશે. આ ઈમેલ મળતાં જ કોર્ટ પ્રશાસને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન અને બોમ્બ સ્ક્વોડ (BDDS)ને જાણ કરી હતી.

ત્યારબાદ સુરક્ષાકર્મીઓ અને બોમ્બ નિકાલની ટીમોએ આખા કોર્ટ બિલ્ડિંગ અને તેની આસપાસના વિસ્તારો ખૂંદી વળ્યા હતા. જો કે, કલાકો સુધી ચાલેલી કડક તપાસ અને સઘન સર્ચ ઓપરેશનના અંતે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી, જેથી તંત્રએ અને ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તપાસ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત

ભલે આ ધમકી અફવા સાબિત થઈ હોય, પરંતુ સુરક્ષા એજન્સીઓએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. સાવચેતીના ભાગરૂપે કિલ્લા કોર્ટની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.

મુંબઈ પોલીસે આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેના માટે કોણ જવાબદાર છે, તે શોધવા માટે સાયબર સેલ (Cyber Cell)ની મદદથી ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાલુ તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈના મેયર રિતુ તાવડેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

ગત અઠવાડિયે, ૧૦ જુનના રોજ મુંબઈ મહાનગરપાલિકા (Brihanmumbai Municipal Corporation)ના મુખ્યાલયમાં મુંબઈના મેયર રિતુ તાવડે (Ritu Tawde)ને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો. આ ઈમેલમાં મેયરના સત્તાવાર વાહન અને તેમની ઓફિસની કેબિન પર બોમ્બ હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ધમકીના કારણે કાયદા અમલીકરણ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન મ્યુનિસિપલ બિલ્ડિંગમાં સુરક્ષા દેખરેખ કડક કરી દેવામાં આવી હતી. જો કે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટકો મળી આવ્યા નથી. મેયર અને પાલિકાના તમામ સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

bomb threat mumbai high court mumbai mumbai news mumbai police