પ્રૉપર્ટી ટૅક્સની વસૂલાત માટે ઘાટકોપર, મુલુંડ અને બોરીવલીમાં સુધરાઈની જોરદાર કાર્યવાહી

17 March, 2021 10:31 AM IST  |  Mumbai | Pratik Ghogare

પાણીનું કનેક્શન કપાવાના અને કાર જપ્ત થઈ જવાના ડરે ઘણા લોકોએ પૈસા ભરી દીધા

બીએમસી

મુંબઈ મહાનગરપાલિકાની આવકના મુખ્ય સ્રોતમાં ગણતરી પામતા પ્રૉપર્ટી ટૅક્સની રકમ ઘણી સોસાયટીઓ અને કમર્શિયલ પ્રિમાઇસિસ દ્વારા કોઈ ને કોઈ કારણસર ભરવામાં આવતી નહોતી અને એ રકમ પેન્ડિંગ રહેતી હતી. હવે પાલિકાની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે અને આવનારા સમયમાં વિકાસનાં અનેક કામો હાથ ધરવાનાં છે ત્યારે આવક વધારવા પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાનું ખાસ અભિયાન પાલિકાએ હાથ ધર્યું છે. એ માટે સિંગલ પાર્ટી હોય તો તેની વૈભવી કાર અટૅચ કરાઈ રહી છે, જ્યારે સોસાયટી હોય તો એનું પાણીનું કનેક્શન કાપવામાં આવશે એવી કડક ચીમકી આપવામાં આવી રહી છે. એથી એ કડક કાર્યવાહી ટાળવા હવે બાકી રહેલો પ્રૉપર્ટી ટૅક્સ ફટાફટ ભરવામાં આવી રહ્યો છે. હાલમાં જ પાલિકાએ બોરીવલી, ઘાટકોપર, મુલુંડ અને વરલીમાં આ સંદર્ભે કાર્યવાહી કરીને નોટિસ ફટકારતાં પેન્ડિંગ પ્રૉપર્ટી ટૅક્સની ફટાફટ ચુકવણી કરી દેવાઈ હતી. ચાલુ વર્ષથી પાલિકા દ્વારા પેન્ડિંગ પ્રૉપર્ટી ટૅક્સ પર દર મહિને બે ટકાના દરે દંડની રકમ પણ વસૂલ કરશે.

નાગરિકો પ્રૉપર્ટી ટૅક્સની ચુકવણી સમયસર કરે એ માટે પાલિકા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે, પણ જે લોકો સમયસર ટૅક્સ નથી ભરતા તેમની સામે પાલિકાએ કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે. ઍડિશનલ કમિશનર પી. વેલારાસુની દોરવણી હેઠળ એ માટે અભિયાન ચાલી રહ્યું છે. વરલીમાં ૬ કમર્શિયલ ગાળા ધરાવતી નૅશનલ કૉટન પ્રોડક્ટ કંપની ૨૧ વર્ષથી પ્રૉપર્ટી ટૅક્સ ભરતી નહોતી. પાલિકા દ્વારા કડક કાર્યવાહીની ચીમકી અપાતાં જ કંપનીએ પ્રૉપર્ટી ટૅક્સનો ૩.૨૨ કરોડનો ચેક પાલિકાને આપ્યો હતો. 

બોરીવલી (ઈસ્ટ)ની કૃપાધામ સોસાયટીએ ૧૬.૨૪ લાખ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ ચૂકવ્યો નહોતો. એટલું જ નહીં, એના પર ૧.૫૬ લાખની દંડની રકમ પણ ચડી ગઈ હતી. પાલિકાએ ત્યાર બાદ સોસાયટીને જો હવે પ્રૉપર્ટી ટૅક્સ નહીં ભરો તો પાણીનું કનેક્શન કાપી નાખીશું એવી ચીમકી આપતાં જ સોસાયટીએ ૧૪.૬૭ લાખનો ટૅક્સ અને ૧.૫૬ લાખનો દંડ એમ કુલ મળી ૧૬.૨૪ લાખની રકમ ચૂકવી દીધી હતી.

પાણીનાં કનેક્શન કાપ્યાં
મુલુંડના વર્ધન હૉલ પાસેથી ૯૫.૭૮ લાખ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ આવવાનો બાકી હોવાથી મહાનગરપાલિકાએ એનું પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે. એ જ રીતે ઘાટકોપરમાં દીપ્તિ સૉલિટેર અને શ્રીપાલ કૉમ્પ્લેક્સની કમર્શિયલ પ્રૉપર્ટીનો અનુક્રમે ૧૭.૩૯ લાખ અને ૪૯.૨૨ લાખ રૂપિયાનો ટૅક્સ બાકી હતો. એથી તેમનાં પણ પાણીનાં કનેક્શન કાપી નખાયાં છે. આમ પાલિકા દ્વારા આ સંદર્ભે કરાતી કડક કાર્યવાહીને કારણે પ્રૉપર્ટી ટૅક્સની રકમ પાલિકા પાસે જમા થઈ રહી છે. પાલિકાએ ૨૦૨૦-’૨૧માં ૫૨૦૦ કરોડનો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. એ સામે અત્યાર સુધીમાં ૩,૭૦૪ કરોડની રકમ જમા થઈ છે.

mumbai mumbai news ghatkopar borivali mulund brihanmumbai municipal corporation