જૉગર્સ અને વૉકર્સને અટકાવવા માટે પોલીસે આખરે લીધું કાનૂનનું શરણ

01 May, 2021 10:29 AM IST  |  Mumbai | Gaurav Sarkar

લોખંડવાલા-ઓશિવરાના બૅક રોડ પર વૉક કરતા, દોડતા, સાઇક્લિંગ કરતા અને એક્સરસાઇઝ કરતા અટકાવવા માટે પોલીસે ભંગ કરનારા લોકોને સીઆરપીસીની કલમ ૧૪૯ હેઠળ ૧૫૦ કરતાં વધુ નોટિસો ફટકારી છે

પોલીસે ‘આ કરફ્યુ નથી, આ ક્યૉર (ઇલાજ) ફૉર યુ છે’ એવો સંદેશ ધરાવતું પોસ્ટર લગાવ્યું છે

સાંજના સમયે લોકોને લોખંડવાલા-ઓશિવરાના બૅક રોડ પર વૉક કરતા, દોડતા, સાઇક્લિંગ કરતા અને એક્સરસાઇઝ કરતા અટકાવવા માટે પોલીસે ભંગ કરનારા લોકોને સીઆરપીસીની કલમ ૧૪૯ હેઠળ ૧૫૦ કરતાં વધુ નોટિસો ફટકારી છે. ફિટનેસ પ્રત્યે સજાગ લોકો આ બીજા લૉકડાઉન દરમિયાન માર્ગો પર નીકળે નહીં એ માટે પોલીસ કેવા અવનવા ઉપાયો અજમાવે છે એ વિશે ‘મિડ-ડે’એ અગાઉ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

આ અઠવાડિયે પોલીસે અપીલ સાથે પોસ્ટર લગાવ્યું છે. પોસ્ટરમાં લખ્યું છે, ‘આ કરફ્યુ નથી, આ ક્યૉર (ઇલાજ) ફૉર યુ છે.’

ઓશિવરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ભેંડાલેએ જણાવ્યું હતું કે ‘મેં માર્ગની બન્ને બાજુએ સ્પોટર્સ રાખ્યા છે જેઓ લોકોને વાજબી કારણ વિના બહાર ફરતા અટકાવે છે. અમે છેલ્લાં બે અઠવાડિયાંમાં ૧૫૦ કરતાં વધુ નોટિસ ફટકારી છે. એના કારણે લોકોની અવરજવરમાં ઘટાડો નોંધાયો છે.’

સંજય ભેંડાલેએ ઉમેર્યું હતું કે ‘સાંજના સમયે બૅક રોડ પર બૅરિકૅડ્સ ગોઠવવામાં આવે છે. પોલીસ અધિકારીઓ સતત પૅટ્રોલિંગ કરે છે. અમે અગાઉ લાઉડસ્પીકરમાં જાહેરાત કરતા હતા, પણ હવે તેની સાથે નોટિસ આપીએ છીએ અને પોસ્ટર્સ લગાવ્યાં છે. બૅક રોડ પરવાનગી ધરાવતી તથા ઉચિત કારણ ધરાવતી કાર્સ માટે જ ખુલ્લો રખાયો છે, ઘરેથી કસરત કરવા બહાર નીકળવા ઇચ્છતા લોકો માટે નહીં.’

coronavirus covid19 mumbai mumbai news oshiwara andheri mumbai police gaurav sarkar