ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ

15 May, 2021 07:57 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડનાં ગુજરાતી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વૅક્સિન લેવા ન જઈ શક્યાં હોવા છતાં તેમને રસી મુકાવ્યાનું સર્ટિફિકેટ અને બીજા ડોઝની તારીખ પણ મળી

વૅક્સિન માટેની ઍપના ગોટાળાનો ભોગ બનેલાં મુલુંડનાં આરતી આઇયા.

મુંબઈમાં લોકો વૅક્સિન લેવા માટે આકાશપાતાળ એક કરી રહ્યા છે એવામાં મુલુંડમાં રહેતાં ગુજરાતી આરતી આઇયાને ૮ મેની વૅક્સિન લેવા માટે અપૉઇન્ટમેન્ટ મળી હતી, પણ કોઈ અગત્યનાં અંગત કારણોસર તેઓ વૅક્સિનેશન સેન્ટર પર રસી મુકાવવા નહોતાં જઈ શક્યાં. જોકે વાત અહીં પૂરી નથી થતી. તેમને એ જ દિવસે સાંજે સાત વાગ્યે ઈ-મેઇલ આવી કે તમને વૅક્સિનનો પહેલો ડોઝ મળી ગયો છે. આ મેઇલમાં સાથે સર્ટિફિકેટ પણ અટૅચ કરીને મોકલવામાં આવ્યું હતું અને બીજા ડોઝની તારીખ પણ આપવામાં આવી હતી.

નવાઈની વાત એ છે કે આરતીબહેને વૅક્સિન નહોતી લીધી એમ છતાં તેમના નામનું ‌સર્ટિફિકેટ બની ગયું. આને લીધે એવા પ્રશ્નો નિર્માણ થઈ રહ્યા છે કે તેમના નામે બીજા કોઈએ તો રસી નહીં મુકાવી દીધી હોયને?

આરતી ઐયાએ આ બાબતની સ્થાનિક વિધાનસભ્યને ફરિયાદ કરી છે અને તેમણે એની ફરિયાદ સુધરાઈના ઍડિશનલ કમિશનર (હેલ્થ) સુરેશ કાકાણીને કરી હોવાનું ‘મિડ-ડે’ને કહ્યું છે.

છેલ્લા થોડા દિવસમાં વૅક્સિનની શૉર્ટેજની સાથે એને લઈને થઈ રહેલા છબરડાઓ પણ બહાર આવી રહ્યા છે. પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી આપતાં આરતી ઐયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કો-વિન ઍપ પર મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મને વિક્રોલીની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં જઈને રસી મુકાવવા માટેની અપૉઇન્ટમેન્ટ મળી હતી. અગત્યના કામને લીધે હું ડોઝ લેવા માટે પહોંચી નહોતી શકી, પણ એ જ દિવસે સાત વાગ્યે મને ઈ-મેઇલ આવી કે મારો પહેલો ડોઝ લેવાઈ ગયો છે અને બીજા ડોઝ માટેની તારીખ પણ મને આપી દેવામાં આવી. આની સાથે મોકલવામાં આવેલા સર્ટિફિકેટને જોઈને હું ચિંતામાં પડી ગઈ હતી. હવે મને ડર એ વાતનો છે કે મને વૅક્સિનનો પહેલો ડોઝ મળશે કે નહીં? જો મળશે તો ક્યારે અને કેવી રીતે મળશે? મારા આ બધા સવાલનો અત્યારે તો કોઈ જવાબ નથી.’

આ સંદર્ભમાં સ્થાનિક વિધાનસભ્ય મિહિર કોટેચાનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિષયને મેં ગંભીરતાથી લઈને સુધરાઈના ઍડિશનલ કમિશનરને ફરિયાદ કરી છે. તેઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે. તપાસ પૂરી થયા બાદ આરતીબહેનને વૅક્સિનનો ડોઝ મળી જશે.’

mumbai mumbai news coronavirus covid vaccine covid19 mehul jethva mulund