સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

27 September, 2020 07:29 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય-મુખ્ય પ્રવક્તા સંજય રાઉત વચ્ચે ગઈ કાલે બપોરે દોઢથી બે કલાક સુધી બેઠક થઈ હોવાનું જાણવા મળ્યું છે. બન્ને નેતાઓ વચ્ચે લાંબા સમય સુધી ચર્ચા થઈ હોવાનું ધ્યાનમાં આવતાં રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ફડણવીસ-રાઉતની બેઠક બાબતે મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિરોધી પક્ષના નેતા પ્રવીણ દરેકરે રાજ્યના રાજકારણમાં ક્યારેય કંઈ પણ થઈ શકે છે એવી પ્રતિક્રિયા આપી હતી. જોકે બન્ને નેતાઓની અત્યારની બેઠકમાં શું વાતચીત થઈ હતી એ વિશે કશું કહી ન શકાય. હયાત હોટેલમાં બન્ને નેતાઓ વચ્ચેની બેઠકમાં બે કલાક ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.

૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મહાયુતિના પક્ષમાં આવતાં બીજેપી-શિવસેનાના સાથીપક્ષો સાથે સરકાર બનવાની હતી, પરંતુ મુખ્ય પ્રધાનપદ બાબતે બીજેપી-શિવસેનામાં મતભેદ ઊભા થતાં શિવસેનાએ બીજેપી સાથેનો છેડો ફાડીને કૉન્ગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી હતી. ત્રણેય પક્ષ મળીને મહાવિ કાસ આઘાડીની સ્થાપના થઈ હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા હતા. એ સમયે પણ શિવસેના વતી સંજય રાઉતે શરદ પવારથી માંડીને અન્ય નેતાઓ સાથે બેઠકો કરીને સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે જ્યારે સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગુપ્ત બેઠક થઈ છે એટલે આ મુલાકાત બન્ને પક્ષ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાનું સૂચવે છે.

બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે બેઠક વિશે કહ્યું હતું કે ‘શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આકરી ટીકા કરી છે. શિવસેના સાથેના અમારા રાજકીય સંબંધ પૂરા થવાની સાથે એ અમારા મનમાંથી પણ ઊતરી ગઈ છે. આથી બન્ને નેતાઓ વચ્ચેની બેઠક સત્તા મેળવવા માટેની હોય એવું લાગતું નથી. બીજેપીના કોઈ કાર્યકરને આવું ગમશે નહીં. શિવસેના સાથે હવે સરકાર બનાવવાનું અમને ગમશે નહીં.’

ફડણવીસ-રાઉતની બેઠક બાબતે મહારાષ્ટ્ર બીજેપીના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે ટ્વીટ કરી હતી કે ‘શિવસેનાના નેતા સંજય રાઉતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પક્ષના મુખપત્ર ‘સામના’માં ઇન્ટરવ્યુ લેવાની ઇચ્છા દર્શાવી હતી. આ ઇન્ટરવ્યુ માટે એક વખત મળવાનું બન્નેએ નક્કી કરેલું. પોતાનો ઇન્ટરવ્યુ કટ કર્યા વિના પ્રકાશિત થાય એવી ફડણવીસની ઇચ્છા હતી એટલે આ બાબતે તેઓ મળ્યા હતા. બિહારની ચૂંટણી બાદ ઇન્ટરવ્યુ આપવાનું ફડણવીસે સંજય રાઉતને કહ્યું હતું એથી બન્ને વચ્ચેની આ મુલાકાતમાં કોઈ રાજકારણનો સંદર્ભ નથી.’

બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્તદાદા પાટીલે મુલાકાત વિશે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતની મુલાકાત થઈ હોવાની મને જાણ નથી. દેવેન્દ્ર ફડણવીસ મારી સાથે એક વેબિનારમાં હતા. રાજકીય પક્ષોમાં આવી મુલાકાતો થતી રહે છે એમાં સમાચાર જેવું કાંઈ નથી. છેલ્લા ૯ મહિના દેવેન્દ્ર ફડણવીસ કે મેં ક્યારેય અમે ફરી સરકાર બનાવીશું એવું કહ્યું નથી. આ સરકાર એના અંદર-અંદરના વિરોધને લીધે તૂટી પડશે એમ અમે કહ્યું છે. અમે આ સરકાર પાડીશું નહીં, અમારામાં આવા સંસ્કાર નથી.’

અમારી મુલાકાત ગુપ્ત નહોતી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જેવા મોટા નેતાઓના ઇન્ટરવ્યુ ‘સામના’માં કર્યા બાદ મેં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને રાહુલ ગાંધીના ઇન્ટરવ્યુ કરીશ. શું ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મળીને ચર્ચા કરવી એ ગુનો છે?
- સંજય રાઉત

mumbai maharashtra sanjay raut devendra fadnavis rahul gandhi congress bharatiya janata party narendra modi shiv sena uddhav thackeray