માઘી ગણેશોત્સવથી વિસર્જનની રાહ જોતી બાપ્પાની ત્રણ મૂર્તિઓ હવે વિદાય લેવા તૈયાર

25 July, 2025 07:13 AM IST  |  Mumbai | Mehul Jethva

બૉમ્બે હાઈ કોર્ટનો ફેંસલો આવી ગયો : ૬ ફુટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું, એનાથી મોટીનું કુદરતી જળાશયમાં : બોરીવલી, ચારકોપ અને કાંદિવલીનાં મંડળો બીજી ઑગસ્ટે વાજતેગાજતે માર્વે બીચ પર વિસર્જન કરવાની તૈયારીમાં લાગી ગયાં છે

ચારકોપચા રાજા, કાંદિવલીચા શ્રી, કાર્ટર રોડચા રાજા

પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)માંથી બનેલી મૂર્તિઓના વિસર્જન વિશેના વિવાદનો આખરે ગઈ કાલે હાઈ કોર્ટના ચુકાદા બાદ અંત આવ્યો હતો. ૬ ફુટ સુધીની ગણેશમૂર્તિઓનું વિસર્જન જળાશયોમાં અને બાકીની મૂર્તિઓનું દરિયામાં કરવાની કોર્ટની પરવાનગી મળ્યા પછી મૂર્તિકારો અને ગણેશભક્તોને મોટી રાહત થઈ છે ત્યારે માઘી ગણેશોત્સવ દરમ્યાન ચર્ચાનો વિષય બનેલા કાંદિવલી, બોરીવલી અને ચારકોપ એમ ત્રણ મંડળોના ગણપતિબાપ્પાની મૂર્તિનું વિસર્જન બીજી ઑગસ્ટે ધામધૂમથી કરવાનો નિર્ણય મંડળોએ લીધો છે. PoP મૂર્તિ હોવાને કારણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તેમ જ પોલીસે હાઈ કોર્ટના આદેશનું પાલન કરીને ત્રણેત્રણ ગણેશમૂર્તિઓને કૃત્રિમ તળાવોમાં વિસર્જન માટેનો આગ્રહ મંડળને કર્યો હતો, પણ વિસર્જન કુદરતી જળાશયોમાં જ થવું જોઈએ એ અમારી પરંપરા છે એવો દાવો કરીને ત્રણેત્રણ મંડળો ગણેશમૂર્તિઓને પાછા મંડપમાં લઈ ગયાં હતાં.

ચારકોપચા રાજા માઘી ગણેશોત્સવ ટ્રસ્ટના પ્રમુખ નિખિલ ગુઢેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૭ વર્ષથી પારંપરિક રીતે ગણેશોત્સવનું આયોજન અમારા મંડળના કાર્યકરો કરે છે. મંડળની સ્થાપના ૨૦૦૬માં થઈ હતી. માઘી ગણેશોત્સવમાં અમે ૭ દિવસ માઘી ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ અમે પરંપરાગત રીતે બાપ્પાની મૂર્તિને વાજતેગાજતે લાવી ગણેશોત્સવનું આયોજન કર્યું હતું. જોકે એ સમયે BMC અથવા પોલીસ દ્વારા કોઈ વિરોધ નોંધાયો નહોતો, પણ જ્યારે અમે બાપ્પાની મૂર્તિના વિસર્જન માટે વાજતેગાજતે નીકળ્યા ત્યારે ચારકોપ ગણેશ ચોકથી બાપ્પાની મૂર્તિ વિસર્જન માટે પોલીસે આગળ નહોતી જવા દીધી. અમારી ૧૩ ફુટની મૂર્તિનું વિસર્જન કુદરતી જળાશયમાં કરવા માટેનો અમારો આગ્રહ હતો. જોકે અમારું મંડળ પરંપરાને માનતું હોવાથી અમે મૂર્તિને પાછી મંડળમાં લઈ જઈ કોર્ટના નિર્ણયની રાહ જોવાનું નક્કી કર્યું હતું. ગઈ કાલના કોર્ટના ઑર્ડર પછી અમે ત્રણેત્રણ મંડળોએ એકસાથે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. બીજી ઑગસ્ટે અમે વાજતેગાજતે બાપ્પાની મૂર્તિને વિસર્જન  માટે લઈ જઈશું.’

બોરીવલી-ઈસ્ટમાં કાર્ટર રોડચા રાજાનું છેલ્લાં ત્રણ વર્ષથી આયોજન કરતા નાશિક સેવા સમિતિના પ્રમુખ સોમનાથ શેળકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માઘી ગણેશોત્સવમાં દસમા દિવસે અમે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ. અમારા બાપ્પાની મૂર્તિ ૧૨ ફુટની હોય છે અને એની શરૂઆત જ પરંપરાથી થઈ છે, કારણ કે માઘી ગણેશોત્સવમાં ગણપતિબાપ્પાનો જન્મદિવસ હોય છે. આ વર્ષે અમને BMC અને પોલીસ બન્નેની પરવાનગી બાપ્પાના આગમન તેમ જ સ્થાપના માટે મળી હતી. જોકે દસમા દિવસે બાપ્પાની મૂર્તિ ગોરાઈ બીચ પર પહોંચી ત્યારે હાઈ કોર્ટના આદેશનું પાલન કરવા માટેની ફરજ પાડીને અમને બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા નહોતું દીધું. એ સમયે મંડળના કાર્યકરો બાપ્પાની મૂર્તિ પાછા લઈ આવ્યા હતા. ગઈ કાલના કોર્ટના ઑર્ડર પછી અમારા મંડળના કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફરી એક વાર અમે બાપ્પાની મૂર્તિને વાજતેગાજતે વિસર્જન માટે લઈ જઈશું જેમાં અમારી સાથે કાંદિવલી અને ચારકોપના બાપ્પા પણ હશે.’

કાંદિવલી-પશ્ચિમના મહાવીરનગરમાં કાંદિવલીચા શ્રીનું છેલ્લાં ૧૩ વર્ષથી આયોજન કરતા શિવ માઘી ગણેશ ઉત્સવ સેવા મંડળના ખજાનચી સાગર બામનોલીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMC અને પોલીસના આદેશ બાદ અમારા બાપ્પાની મૂર્તિ મહાવીરનગર સર્કલથી પાછી આવી હતી એ સમયે જ અમે નક્કી કરી લીધું હતું કે હાઈ કોર્ટમાં લડીશું પણ બાપ્પાની મૂર્તિનું કુદરતી જળાશયમાં જ વિસર્જન કરીશું. ગઈ કાલે આવેલો નિર્ણય તમામ ગણેશોત્સવ મંડળ માટે મહત્ત્વનો હશે. અમે મુંબઈ તેમ જ આસપાસનાં પરાંનાં મંડળોને અમારા બાપ્પાની મૂર્તિના વિસર્જનમાં આવવા માટેનું નિમંત્રણ મોકલીશું અને સાતથી આઠ ઢોલપથક અમારા બાપ્પાની મૂર્તિના વિસર્જન માટે રાખવામાં આવશે. અમે બધાં મંડળોએ ભેગાં મળીને બીજી ઑગસ્ટનો દિવસ નક્કી કર્યો છે. જોકે એ પહેલાં પોલીસ પરમિશન લેવામાં આવશે અને એ મળ્યા બાદ આગળનું બધું નક્કી થશે.’

mumbai ganesh chaturthi festivals news mumbai news borivali charkop kandivli mumbai high court brihanmumbai municipal corporation bombay high court