રિપોર્ટિંગ ઉદ્ધવને, રિપોર્ટ ફડણવીસને?

10 March, 2021 07:16 AM IST  |  Mumbai | Viral Shah

રિપોર્ટિંગ ઉદ્ધવને, રિપોર્ટ ફડણવીસને?

દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નવેમ્બર ૨૦૧૯માં રાજ્યની ધુરા હાથમાં લીધી ત્યારથી અત્યાર સુધીમાં જે પણ વિવાદાસ્પદ મુદ્દા તેમની સામે આવ્યા છે એમાંના મોટા ભાગના કેસમાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પાસે મહત્ત્વની માહિતી પહોંચી જતી હોવાથી આ કેવી રીતે શક્ય બને છે એ મંત્રાલયમાં જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે.

અત્યારે સીએમ (ચીફ મિનિસ્ટર)થી લઈને આખી સરકારે વિધાનભવનમાં જે મુદ્દા પર વિરોધ પક્ષના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે એ મનસુખ હિરણ મર્ડરકેસમાં પણ અત્યાર સુધી તપાસને લગતી મોટા ભાગની મહત્ત્વની માહિતી દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચી રહી છે. ગયા શુક્રવારે કળવાની ખાડી પાસેથી મનસુખ હિરણનો મૃતદેહ મળી આવ્યો એની સૌથી પહેલાં જાણકારી વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. નવાઈની વાત એ છે કે ત્યાં સુધી રાજ્યના મુખ્ય પ્રધાન કે ગૃહપ્રધાનને પણ આ વાતની જાણ નહોતી. વિરોધ પક્ષના નેતાએ આની જાહેરાત કર્યા બાદ ગૃહપ્રધાન અનિલ દેશમુખે માહિતી મેળવીને વિધાનસભાના સભ્યોને આખા મામલાથી અવગત કરાવ્યા હતા. વાત અહીં નથી અટકતી, ત્યાર બાદ અત્યાર સુધી રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એક પછી એક ખુલાસા કરવાનું ચાલુ જ રાખ્યું છે.

આ પહેલાં પણ મરાઠા આરક્ષણ કે મેટ્રોના મુદ્દા પર મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ દેવેન્દ્ર ફડણવીસ પાસે પહોંચી જતા હતા અને એને લીધે સરકારે ભોંઠા પડવું પડતું હતું. વાત અહીં નથી અટકતી, મેટ્રોના કારશેડના મુદ્દા પર તો વિક્રોલીની જે જગ્યા ઉદ્ધવ સરકારે ફાઇનલ કરી હતી એની જમીનની માલિકીને લઈને કોર્ટમાં કેસ ચાલુ છે એ વાતની જાણ સરકારને વિરોધ પક્ષે આ આરોપ કર્યા બાદ થઈ હતી. મરાઠા આરક્ષણના મુદ્દા પર પણ કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સિનિયર વકીલને હાજર થવા ન દેતાં આખા મામલાએ નવો વળાંક લીધો હતો અને આજે પણ મરાઠા નેતાઓ આરક્ષણના મુદ્દા પર સરકારને ધમકી આપતા રહે છે.

આ બાબતે પૉલિટિકલ ઍનલિસ્ટ અભય દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં પણ સરકારની મહત્ત્વની માહિતીઓ વિરોધ પક્ષ પાસે લીક થવાની ઘણી ઘટનાઓ બની છે, પણ આ સરકારમાં એકથી વધારે પાવર સેન્ટર હોવાથી તેમની વચ્ચેના મતભેદનો ફાયદો ઉઠાવીને મહત્ત્વની માહિતી વિરોધ પક્ષને આસાનીથી આપવામાં આવે છે. એ સિવાય દરેક સરકારના અમુક વિશ્વાસુ ઑફિસરો પણ હોય છે જે આવાં કામ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સિંગલ પાવર સેન્ટર હોય ત્યારે આવા બનાવ ઓછા બનતા હોય છે.’

જોકે અભય દેશપાંડેની વાત સાથે સહમત થતાં બીજા એક પૉલિટિકલ ઍનલિસ્ટે કહ્યું હતું કે ‘અત્યારના મુખ્ય પ્રધાનને બાબુઓ સાથે કામ કરવાનો અનુભવ ન હોવાથી આ બધું થઈ રહ્યું છે. બ્યુરોક્રૅટ્સ પર તેમની જોઈએ એવી પકડ નથી.’

uddhav thackeray devendra fadnavis shiv sena bharatiya janata party mumbai news maharashtra