20 July, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ થયેલા વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
બેસ્ટ (BEST) બસોના અકસ્માતો પર નિયંત્રણ આવે તે પહેલાં હજુ કેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડશે? તેવો પ્રશ્ન ફરીએકવાર ઉભો થયો છે. દાદર (Dadar)માં સર્જાયેલા દર્દનાક બેસ્ટ બસ અકસ્માત (BEST Accident)ના એક મહિનાથી પણ ઓછા સમયમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાતા મુંબઈ (Mumbai)માં મુસાફરો અને પગપાળા ચાલનારાઓની સુરક્ષા અંગે ચિંતા ફરી વધી ગઈ છે.
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, સોમવારે સવારે માનખુર્દ બ્રિજ (Mankhurd Bridge) પર બેસ્ટ બસની બ્રેક ફેઈલ થઈ જતાં તે પુલના રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૬૨ વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બસ ચાલક અને કંડક્ટર સહિત ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ટ્રાફિક કંટ્રોલ રૂમ, વડાલા (Traffic Control Room, Wadala)ના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે અંદાજે ૮.૩૦ વાગ્યે સર્જાયો હતો, જ્યારે કુરલા બસ સ્ટેશન, ઈસ્ટ (Kurla Bus Station, East)થી ઐરોલી (Airoli) તરફ જઈ રહેલી બેસ્ટ બસ રૂટ નં. ૫૦૧/૩૪ (બસ નં. MH-01 EM-3777) માનખુર્દ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી.
બસ ચાલકના નિવેદન અનુસાર, બસની બ્રેક ફેઈલ થઈ જતાં તેણે વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ બ્રિજની રેલિંગ સાથે જઈ અથડાઈ હતી. આ દરમિયાન બ્રિજ પાસે ઉભેલા એક વૃદ્ધ બસની લપેટમાં આવી ગયા હતા. મૃતકની ઓળખ ભાસ્કર રાવસાહેબ કાગડે (ઉંમર ૬૨ વર્ષ) તરીકે થઈ છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના પાર્થિવ દેહને રાજાવાડી હોસ્પિટલ (Rajawadi Hospital)માં ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટર સહિત ૧૦ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત મુસાફરો શિવમંગલ મૈતી (૪૨), ગણેશ પટેલ (૨૪), લતા વાઘેલા (૪૨), રાજેશ વરુગણીયા (૩૫), અંકિતા જાધવ (૨૨), રંજના ઘોરપડે (૫૩), શંકર સાઠે (૪૭) અને સંકેત નાક્તી (૨૫) ને સારવાર માટે શતાબ્દી હોસ્પિટલ (Shatabdi Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે બસ ચાલક બનવારીલાલ શર્મા (૪૯) અને કંડક્ટર વૈભવ સુખદેવ વાઘમારે (૪૧) ને રાજાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગણેશ પટેલ (૨૪) ની હાલત ગંભીર છે અને તેમને વધુ સારી સારવાર માટે સાયન હોસ્પિટલ (Sion Hospital)માં રિફર કરવાની સલાહ આપવામાં આવી છે.
પોલીસે તપાસના ભાગરૂપે ક્ષતિગ્રસ્ત બસને ક્રેન વડે ટોઈંગ કરીને માનખુર્દ પોલીસ સ્ટેશન, જકાત નાકા (Mankhurd Police Station, Jakat Naka) ખાતે ખસેડવાના નિર્દેશ આપ્યા છે.
ટ્રાફિક કંટ્રોલ રૂમ (Traffic Control Room)એ જણાવ્યું કે દેવનાર (Deonar), શિવાજીનગર (Shivajinagar) અને ઘાટકોપર (Ghatkopar) ડેપોના અધિકારીઓ અકસ્માત અધિકારી જાધવ (TO-21) સાથે આ કેસ પર નજર રાખી રહ્યા છે. માતેશ્વરી (Mateshwari) તરફથી પણ અધિકારી શિરોડકરને જરૂરી કાર્યવાહી માટે તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. બ્રેક ફેઈલ થવાનો દાવો માત્ર ડ્રાઈવરના નિવેદન પર આધારિત છે, તેથી અકસ્માતની આસપાસના તમામ સંજોગોની ચકાસણી કરવામાં આવી રહી છે.