25 April, 2025 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવીધામ મોટા અંબાજી (બોરીવલી-ઈસ્ટ) મંદિરની સ્થાપનાને અખાત્રીજના રોજ ૭૫ વર્ષ પૂરાં થશે
ઉત્તર મુંબઈના સૌથી મોટા અને પ્રખ્યાત દેવીધામ મોટા અંબાજી (બોરીવલી-ઈસ્ટ) મંદિરની સ્થાપનાને અખાત્રીજના રોજ ૭૫ વર્ષ પૂરાં થશે. આ નિમિત્તે મંદિરના મૅનેજમેન્ટ દ્વારા પાંચ દિવસ સુધી માતાજીની નગરયાત્રા, નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, ડાયરો તેમ જ રક્તદાન શિબિર, દિવ્યાંગ બાળકોને ટ્રાઇસિકલનું વિતરણ, નિ:શુલ્ક મોતિયાનાં ઑપરેશન જેવા અનેક ધાર્મિક અને માનવસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શનિવારે ૨૬ એપ્રિલે સવારે ૮ વાગ્યે બોરીવલી-પૂર્વમાં મૅકડોનલ્ડ્સથી નગરયાત્રાનો આરંભ થશે જે ૧૧ વાગ્યા સુધી ચાલશે. સાંજે ૪ વાગ્યાથી અંબાજીધામ, બોરીવલી-વેસ્ટથી નગરયાત્રા નીકળશે જે રાતે ૮ વાગ્યા સુધી ચાલશે.
રવિવારે ૨૭ એપ્રિલે સવારે ૮ વાગ્યે બોરીવલી-ઈસ્ટમાં મોટા અંબાજી મંદિરથી નગરયાત્રાનો આરંભ થશે જે ૧૧ વાગ્યા સુધી ચાલશે. સાંજે ૪ વાગ્યાથી સાંઈ કેબલ ઑફિસ, ઠાકુર વિલેજથી નગરયાત્રા નીકળશે જે રાતે ૮ વાગ્યા સુધી ચાલશે. ઉપરાંત સવારે ૯ વાગ્યાથી ૬ વાગ્યા સુધી થૅલેસેમિયાથી પીડિતાં બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમવારે ૨૮ એપ્રિલે સવારે ૯.૩૦ વાગ્યે દિવ્યાંગો માટે ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવશે. સવારે ૧૦.૩૦ વાગ્યે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવશે. ત્યાર બાદ ૧૧ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મોતિયાના ઑપરેશન માટેની તપાસ અને રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આશરે ૧૦૦૦ દરદીઓનાં ૪ મેએ નિ:શુલ્ક ઑપરેશન કરાવી આપવામાં આવશે.
મંગળવારે ૨૯ એપ્રિલે સાંજે પાંચ વાગ્યાથી રાતે ૧૦.૩૦ વાગ્યા સુધી સંતવાણી અને ડાયરો તથા ગરબાનો કાર્યક્રમ થશે. કાર્યક્રમ પ્રફુલ જેઠવા, પ્રિયંકા બારોટ અને સંજય થાનકી જેવા પ્રખ્યાત લોકગાયકો રજૂ કરશે. એ બોરીવલી-ઈસ્ટમાં મોટા અંબાજી મંદિરની બાજુના મેદાનમાં યોજાશે.
બુધવારે ૩૦ એપ્રિલે સવારે ૭.૩૦ વાગ્યે નવચંડી યજ્ઞ થશે. શ્રીફળ હોમવાનો સમય ૧૧ વાગ્યાનો રહેશે અને ૧૧.૩૦ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. એ બોરીવલી-ઈસ્ટમાં મોટા અંબાજી મંદિરની બાજુના મેદાનમાં યોજાશે.