રાજ ઠાકરેની પાર્ટીએ કૉમેડિયન કપિલ શર્માને આ બાબતે આપી ચેતવણી-`શૉમાં મુંબઈને...`

11 September, 2025 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના એક નેતાએ કૉમેડિયન કપિલ શર્માને ચેતવણી આપી છે કે તેમના શોમાં મુંબઈનો ઉલ્લેખ બૉમ્બે તરીકે કરવાનું બંધ કરવામાં આવે.

રાજ ઠાકરે (ફાઈલ તસવીર)

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના એક નેતાએ કૉમેડિયન કપિલ શર્માને ચેતવણી આપી છે કે તેમના શોમાં મુંબઈનો ઉલ્લેખ બૉમ્બે તરીકે કરવાનું બંધ કરવામાં આવે.

મહારાષ્ટ્રમાં રાજનૈતિક શબ્દબાણ સતત એકબીજા પર ચલાવવામાં આવી રહ્યા છે. થોડાક જ સમય પછી રાજ્યમાં બીએમસીની પણ ચૂંટણી થવામાં છે. એવામાં બીએમસી ચૂંટણી પહેલા રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS/ મનસે)એ વધું એક પાસું ફેંક્યું છે. મનસેએ `બૉમ્બે vs મુંબઈ`નો નવો વિવાદ ખડો કર્યો છે. ફિલ્મી સિતારાઓ દ્વારા મુંબઈનો ઉલ્લેખ બૉમ્બે તરીકે કરવા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ભડકી ગઈ છે. પાર્ટીના એક નેતાએ આ વિશે કૉમેડિયન કપિલ શર્માને ચેતવણી પણ આપી દીધી છે.

મુંબઈને બોમ્બે કહેવાનું બંધ કરો - MNS
MNS એ હાસ્ય કલાકાર કપિલ શર્માને ચેતવણી આપી છે કે તેઓ તેમના શોમાં મુંબઈને બૉમ્બે કહેવાનું બંધ કરે. કપિલ શર્માને આ ચેતવણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ફિલ્મ વિંગના વડા અમેય ખોપકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટ્વિટ દ્વારા આપી હતી.

MNS નેતાએ શું કહ્યું?
અમેય ખોપકરે ટ્વીટમાં કહ્યું - "મુંબઈનું નામ બદલાયાને 30 વર્ષ થઈ ગયા છે. તેમ છતાં, એન્કર, સેલિબ્રિટી મહેમાનો, રાજ્યસભાના સાંસદો કપિલ શર્માના શોમાં મુંબઈને બૉમ્બે કહે છે. ઘણી હિન્દી ફિલ્મોમાં મુંબઈને સતત બૉમ્બે તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. 1995માં રાજ્ય સરકારે અને 1996માં કેન્દ્ર સરકારે મુંબઈને સત્તાવાર નામ તરીકે મંજૂરી આપી હતી. ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા પહેલા પણ બૉમ્બેનું નામ બદલીને મુંબઈ રાખવામાં આવ્યું હતું. અમે મુંબઈ નામનું સન્માન કરવા અપીલ અને ચેતવણી આપી રહ્યા છીએ."

MNS નેતાએ તેમના ટ્વીટમાં શોના તે ભાગને પોસ્ટ કર્યો છે જેમાં અભિનેત્રી હુમા કુરેશી મુંબઈને બૉમ્બે કહી રહી છે. ઉપરાંત, MNS `#BombayToMumbai` હૅશટેગ ટ્રેન્ડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધનીય છે કે, કપિલ શર્માને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ હવે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને મુંબઈ પોલીસે કપિલની સુરક્ષા વધારી છે. કૅનેડાના સરેમાં આવેલા કપિલ શર્માના ‘કૅપ્સ કૅફે’ પર અત્યાર સુધી બે વખત અટૅક થઈ ચૂક્યો છે. હાલમાં કપિલ પોતાના કૉમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ને લઈને ચર્ચામાં છે. આ શોની નવી સીઝનના પહેલા એપિસોડમાં સલમાન ખાન જોવા મળ્યો હતો. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના એક સભ્યએ ઑડિયો જાહેર કરીને ધમકી આપી હતી કે જેકોઈ સલમાન ખાન સાથે કામ કરશે તેને અમે મારી નાખીશું. માનવામાં આવે છે કે કપિલના કૅફે પર બીજી વખત હુમલો આ ચેતવણીના ભાગરૂપ જ કરવામાં આવ્યો હતો અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

mumbai news mumbai raj thackeray maharashtra navnirman sena the kapil sharma show kapil sharma maharashtra news national news