09 April, 2025 07:35 AM IST | Mumbai | Darshini Vashi
ઊર્મિલા આશર
લોકોમાં ‘બા’ તરીકે પ્રખ્યાત એવાં ‘માસ્ટરશેફ ઇન્ડિયા 7’નાં સ્પર્ધક તેમ જ ‘ગુજ્જુબેનના નાસ્તા’ બ્રૅન્ડને લીધે વિશ્વભરમાં જાણીતાં બનેલાં ઊર્મિલા આશરનું સોમવારે રાતે ૮.૩૦ વાગ્યે હાર્ટ-અટૅક આવતાં નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ગઈ કાલે સવારે ૮ વાગ્યે મરીન લાઇન્સના ચંદનવાડીમાં કરવામાં આવ્યા હતા જેમાં ઘણા ઇન્ફ્લુએન્સર સહિત ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ની ટીમના કેટલાક સભ્યો અને અનેક ચાહકોએ હાજરી આપી હતી.
ઊર્મિલા આશરના પૌત્ર હર્ષ આશર ‘મિડ-ડે’ને કહે છે, ‘ઘટના સોમવારે રાતે બની હતી અને અંતિમ સંસ્કાર મંગળવારે વહેલી સવારે કરી લીધા હોવાથી ઘણા ચાહકો બાની અંતિમયાત્રામાં સામેલ થઈ શક્યા નહોતા. મને ઘણા મેસેજિસ આવ્યા હતા કે ‘અમારે આવવું છે’ પણ આટલા ટૂંકા સમયમાં તેઓ માટે આવવું શક્ય નહોતું બની શક્યું.’
અમદાવાદથી પાછાં ફર્યાં હતાં
દાદી સાથે વિતાવેલી છેલ્લી પળોને યાદ કરતાં હર્ષ આશર ‘મિડ-ડે’ને કહે છે, ‘બા રવિવારે જ અમદાવાદથી મુંબઈ પાછાં આવ્યાં હતાં. ત્યાં તેઓ ‘આશીર્વાદ આટા’ માટે શૂટિંગ કરવા ગયાં હતાં. ઘરે આવીને તેઓ તેમની એક ફ્રેન્ડના ઘરે હાઉઝી રમવા ગયાં હતાં. જોકે ત્યારે તેમને ક્યાં ખબર હતી કે તેઓ બીજા દિવસે એ સમયે આ દુનિયામાં જ નહીં હોય. બા છેલ્લે સુધી એકદમ સ્વસ્થ હતાં. છેલ્લે સુધી, એટલે એમ કહું તો ચાલે કે છેલ્લા શ્વાસ સુધી તેઓ વ્યસ્ત હતાં. અમે આજે પણ પ્રાર્થના સમાજની ચાલીમાં જ રહી છીએ, ત્યાં સોમવારે સાંજ સુધીમાં તો તેમણે ત્રણથી ચાર વખત ઉપર-નીચે કર્યું. છેલ્લે સાંજે તેઓ બાબુલનાથ તેમની એક ફ્રેન્ડના ઘરે ગયાં હતાં. ત્યાંથી તેમણે મને ફોન કર્યો અને કહ્યું કે ‘હર્ષ, મને લેવા આવજે, આજે થોડો થાક લાગે છે.’ હું તેમને લઈને ઘરે આવ્યો. તેમણે પાણી પીધું અને કહ્યું કે હવે મને સારું લાગે છે, થોડો આરામ કરી લઉં એટલે સવાર સુધીમાં સારું થઈ જશે. તેઓ પથારીમાં આડાં પડ્યાં ત્યાં તો તેમને જોર-જોરથી શ્વાસ ચડવા લાગ્યો. અમે તેમની પાસે ગયા અને તેમના માથા પર હાથ ફેરવ્યો, પાણી પીવડાવ્યું અને ડૉક્ટરને ફોન કર્યો. પાણી પીતાંની સાથે તેમને ઊલટી થઈ ગઈ. એ પછી તેઓ ફરી પથારીમાં આડાં પડ્યાં અને ઊંડો શ્વાસ લીધો. એ પછી તેમણે પાછો શ્વાસ લીધો જ નહીં. એટલામાં ડૉક્ટર આવી ગયા હતા. તરત તેમણે ચેક કરીને કહી દીધું, ‘બા ઇઝ નો મોર.’ અમને તો એકદમ જ ઝટકો લાગી ગયો. એક જ સેકન્ડમાં બધો ખેલ ખતમ થઈ ગયો. ડૉક્ટરનું કહેવું છે કે તેમને અટૅક જ આવ્યો હતો. જોકે તેમને અગાઉ પણ બે વખત હાર્ટ-અટૅક આવ્યો હતો. તેઓ આખી જિંદગી પરિવારને ઉધારવા માટે જીવ્યાં અને જ્યારે તેમનો ખરું જીવન જીવવાનો વારો આવ્યો ત્યારે તેમણે વિદાય લઈ લીધી. એક વાત કહેવી પડે કે બા મોતને પણ જીતી ગયાં. તેઓ હંમેશાં ઇચ્છતાં કે છેલ્લા શ્વાસ સુધી હું કામ કરી શકું.’
મલ્હાર ઠાકરે સોશ્યલ મીડિયા પર બા સાથેનો પોતાનો ફોટો શૅર કરીને આપી અંજલિ.
મંઝિલે આસાન નહીં થીં
૭૫ વર્ષની ઉંમર પછી કુકિંગના ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરનારાં ઊર્મિલા આશરનું સમગ્ર જીવન સરળ નહોતું રહ્યું. માત્ર ૧૭ વર્ષની ઉંમરે જમનાદાસ આશર સાથે પરણેલાં ઊર્મિલા આશરનાં ત્રણ બાળકો યુવાન વયે મૃત્યુ પામ્યાં હતાં. એટલે તેમનાં બાળકોનાં સંતાનોને ઉછેરવાની જવાબદારી પણ તેમના માથે આવી ગઈ હતી. જોકે તેઓ હિંમત હાર્યાં નહીં કે ડર્યાં પણ નહીં અને પોતાના પરિવારના જીવનનિર્વાહ માટે તેઓ ઘરે-ઘરે જઈને રસોઈ કરવા માંડ્યાં હતાં. તેમની રસોઈ એટલી સરસ બનતી કે તેમને વિદેશમાં રસોઈ બનાવવા માટે બોલાવવામાં આવ્યાં હતાં. આમ તેમણે પોતાની ત્રીજી પેઢીને ઉછેરીને મોટી કરી છે.
વિખ્યાત મૅગેઝિન ફૉર્બ્સ દ્વારા 50 ઓવર 50માં બાનો સમાવેશ.
કોરોનાકાળ દરમ્યાન તકદીરનો પલટો
કોરોનાકાળમાં અનેક લોકો બેકાર બન્યા, તો અનેક લોકો માટે નવી તકો પણ સર્જાઈ. ઊર્મિલા આશરના પૌત્ર હર્ષ આશરનો કોરોનાના સમય પહેલાં જબરદસ્ત ઍક્સિડન્ટ થયો હતો જેમાં તે માંડ બચ્યો હતો અને પોતાના બિઝનેસમાં પાછીપાની કરવાનો તેને વારો આવ્યો હતો. ત્યાર બાદ કોરોના આવ્યો એ સમય ઊર્મિલા આશર માટે કસોટીભર્યો સાબિત થયો હતો. ત્યારે તેમણે ફરી હાથમાં કડછી ઉપાડી લીધી અને રાંધણક્ષેત્રે નવો અધ્યાય લખવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં અથાણાંથી શરૂઆત કરી અને પછી જોતજોતાંમાં સોશ્યલ મીડિયા પર તેમને એટલીબધી લોકપ્રિયતા મળી કે તેમણે પૌત્ર હર્ષ આશરની સાથે ‘ગુજ્જુ બેનના નાસ્તા’ના બૅનર હેઠળ તેમના હાથના બનેલા નાસ્તા વેચવાની શરૂઆત કરી. તેમની લોકચાહના ધીમે-ધીમે વધતી ગઈ. તેઓ ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ની સાતમી સીઝનમાં પણ સામેલ થયાં, જ્યાં તેમણે પૂરણપોળી અને પાતરાં બનાવીને જજિઝની સાથોસાથ વ્યુઅર્સના હૃદયમાં પણ કાયમનું સ્થાન બનાવી લીધું હતું. ૭૮ વર્ષની ઉંમરે યુટ્યુબર બનેલાં ઊર્મિલા બહેનને હાલમાં ‘ફૉર્બ્સ 50 ઓવર 50’ની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ટૂંકમાં કહીએ તો જિંદગીએ તેમની કડકમાં કડક પરીક્ષા લીધી હોવા છતાં તેઓ ડગમગ્યાં કે નિરાશ નહોતાં થયાં, એક મજબૂત અને સશક્ત આત્મનિર્ભર મહિલા તરીકે પરિવાર માટે હંમેશાં ઢાલ બનીને ઊભાં રહ્યાં હતાં.
પરિવારનો સંદેશઃ બાની યાત્રા અહીં સમાપ્ત નથી જતી
૭૯ વર્ષની ઉંમરે બા હિંમત, આનંદ અને મોટી ઉંમરે સાકાર થતાં સ્વપ્નોનાં પ્રતીક બની ગયાં. તેમણે આપણને એ યાદ અપાવ્યું કે શરૂઆત કોઈ પણ ઉંમરે કરી શકાય, સ્મિત કરવા કે પ્રેરણા આપવા માટે ક્યારેય મોડું થતું નથી.
ચાલો આપણે તેમને આંસુઓથી નહીં પણ તેમણે આપણને બતાવેલી શક્તિથી યાદ કરીએ, નિર્ભય રહેવાની શક્તિ.
બાની યાત્રા અહીં સમાપ્ત થતી નથી. તેઓ એ દરેક વ્યક્તિમાં જીવંત છે જેના સંપર્કમાં તેઓ આવ્યાં હતાં અને જેના માટે તેઓ પ્રેરણારૂપ બન્યાં હતાં.
પાકિસ્તાન અને ઇઝરાયલથી પણ ફોન આવ્યા
કહેવાય છે કે કોઈ વ્યક્તિની લોકપ્રિયતા અને તેની પ્રસિદ્ધિની તેના મૃત્યુ બાદ જ ખબર પડે છે જે ઊર્મિલા આશરના અવસાન પછી જોવા મળ્યું હતું. ઊર્મિલાબહેનના મૃત્યુના સમાચાર જેમ-જેમ પ્રસરતા ગયા તેમ-તેમ એટલા બધા શોકસંદેશ અને ફોન આવવા માંડ્યા કે ઘરના લોકો સ્તબ્ધ બની ગયા. હર્ષ કહે છે, ‘ગુજરાતી ફિલ્મોના હીરો મલ્હાર ઠાકરે સૌથી પહેલાં ફોન કર્યો હતો અને તેઓ આ સમાચારથી ખૂબ દુખી થયા હતા. ત્યાર બાદ ઈશા ફાઉન્ડેશનમાંથી ફોન આવ્યો હતો. એ ઉપરાંત ટોચના ફિલ્મ અને સિરિયલના કલાકારો, માસ્ટરશેફ સાથે સંકળાયેલા લગભગ તમામ લોકોએ તરત અમારો કૉન્ટૅક્ટ કર્યો હતો. અહીં સુધી ઠીક; પાકિસ્તાન, ઇઝરાયલથી લઈને અમેરિકા અને અન્ય દેશોમાંથી પણ અમને તેમના ચાહકોના મેસેજ આવી રહ્યા છે. હવે ઘરમાં હું, મારી મમ્મી અને બાની યાદો એટલું જ બચ્યું છે. અમને આ આઘાતમાંથી બહાર આવતાં ઘણો સમય લાગશે. ઊર્મિલા આશરના ચાહકોના પ્રેમ બદલ અને પરિવારને માથે આવી પડેલા કરુણ સમયમાં સધિયારો આપવા બદલ હું ‘મિડ-ડે’ના માધ્યમ થકી સૌકોઈનો આભાર માનું છું.’
પ્રાર્થનાસભા આવતી કાલે
ઊર્મિલા આશરની પ્રાર્થનાસભા ગુરુવારે ૧૦ એપ્રિલે સાંજે ૬થી ૭ વાગ્યા દરમ્યાન મહાજનવાડી, ચીરાબજારમાં રાખવામાં આવી છે.