14 August, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દાદરના કબૂતરખાનાનો વિવાદ હવે જૈન વિરુદ્ધ મરાઠીનો બની રહ્યો છે. એને પગલે ગઈ કાલે કબૂતરખાનાને કાયમી ધોરણે બંધ રાખવાની માગણી સાથે મરાઠી એકીકરણ સમિતિએ કરેલા આંદોલન સમયે નજીકના વર્ષો જૂના શાંતિનાથ જૈન દેરાસરના મુખ્ય દરવાજાને બંધ રાખવાની નોબત આવી હતી એટલું જ નહીં, આ આંદોલન સમયે કોઈ અણબનાવ બને નહીં એને ધ્યાનમાં રાખીને પોલીસની સૂચનાથી કબૂતરખાનાની આસપાસની દુકાનો પણ બપોરે એક વાગ્યા સુધી બંધ રહી હતી.
આ બાબતની માહિતી આપતાં શાંતિનાથ જૈન દેરાસર સંઘના એક સંચાલકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું દેરાસર ૮૦ વર્ષથી વધુ જૂનું છે. અમારા દેરાસરમાં કચ્છી, ગુજરાતી અને મારવાડી સમાજના હજારો લોકો રોજ દર્શન અને પૂજાસેવા કરવા માટે આવે છે. આટલાં વર્ષોમાં કોવિડકાળને બાદ કરતાં અમે અમારા દેરાસરના મેઇન ગેટને ક્યારેય પણ બંધ રાખ્યો નથી. જોકે દેરાસર નજીક આવેલા કબૂતરખાનાને મુંબઈ મહાનગરપાલિકાએ બંધ કરવાથી કબૂતરખાનું ખોલવા માટે જીવદયાપ્રેમીઓએ છઠ્ઠી ઑગસ્ટે આંદોનલ કર્યું. એ દિવસથી વાતવરણમાં ગરમાવો આવી ગયો હતો. ગઈ કાલે આ કબૂતરખાનું ખૂલે નહીં એ માગણી સાથે મરાઠી એકીકરણ સમિતિના હજારો લોકો રોડ પર ઊતરી આવ્યા હતા. અમને મંગળવારે જ પોલીસ તરફથી દેરાસરનો દરવાજો બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી, જેને કારણે અમે ગઈ કાલે બપોર સુધી અમારા દેરાસરના દરવાજાને બંધ રાખ્યો હતો. જોકે ભગવાનનાં દર્શન અને સેવાપૂજા બંધ રાખવામાં આવ્યાં નહોતાં. આ સમય દરમ્યાન દરવાજાની બહાર પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આમ છતાં બહારના તોફાની માહોલને જોતાં ભયભીત થયેલા અનેક ભાવિકોએ ગઈ કાલે દેરાસરમાં સુરક્ષાના આશયથી આવવાનું ટાળ્યું હતું.’
દેરાસરની સાથે અમને પણ પોલીસ તરફથી બપોરે એક વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી એમ જણાવતાં એક દુકાનદારે ‘મિડ-ડે’ને કહ્યુ હતું કે ‘છેલ્લા થોડા દિવસથી કબૂતરખાના વિસ્તારમાં પોલીસ-બંદોબસ્ત હોવા છતાં માહોલ ગરમ રહે છે. એને ધ્યાનમાં રાખીને ગઈ કાલે બપોરે એક વાગ્યા સુધી અમે દુકાનો બંધ રાખી હતી. કોઈ અઘટિત ઘટના બને નહીં એ માટે આ સમય દરમ્યાન પોલીસે કબૂતરખાના અને દેરાસરની પાસે જોરદાર બંદોબસ્ત રાખ્યો હતો.’