Maratha Quota Protest: ‘માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી મુંબઈ નહીં છોડીએ’ નોટિસ બાદ જરાંગે

02 September, 2025 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maratha Quota Protest: મનોજ જરાંગેએ નોટિસ બાદ જણાવ્યું હતું કે, "જો સરકાર સમુદાયની લાંબા સમયથી પડતર માંગણીઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો જ અમારું આંદોલન વધુ તીવ્ર બનશે." 

મનોજ જરાંગે

મુંબઈ પોલીસ દ્વારા નોટિસ જારી કરવામાં આવી પણ મરાઠા આરક્ષણ (Maratha Quota Protest) નેતા મનોજ જરાંગે પોતાની વાત અને માગ પર અડગ જ રહ્યા છે. તેઓએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તેઓની માગ પૂરી નહીં થાય ત્યાં સુધી તે મુંબઈ છોડવાના નથી, પછી ભલે ને એમની જાન જ કેમ ન જાય.

આજે મંગળવારે સવારે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોને અનુસરતાં મુંબઈ પોલીસે મરાઠા આરક્ષણ નેતા મનોજ જરાંગે પાટિલને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ ફટકારી હતી અને આંદોલનકારીઓને આઝાદ મેદાન સુદ્ધા ખાલી કરવાની અપીલ કરી હતી. મુંબઈ પોલીસ દ્વારા જે નોટિસ જારી કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે પોલીસે નેતા મનોજ જરાંગેએ મીડિયામાં આપેલા નિવેદનોની નોંધ લીધી છે અને નોટિસમાં તેને પણ સામેલ કર્યા છે. જોકે પ્રદર્શનકારીઓએ કહ્યું કે તેઓ પોલીસના નિર્ણયને કોર્ટમાં પડકાર આપશે.

મરાઠા આરક્ષણ (Maratha Quota Protest) નેતા મનોજ જરાંગેએ નોટિસ બાદ આઝાદ મેદાન ખાતે સમર્થકોને સંબોધતાં જણાવ્યું હતું કે, "જો સરકાર સમુદાયની લાંબા સમયથી પડતર માંગણીઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો જ અમારું આંદોલન વધુ તીવ્ર બનશે." 

તમને જણાવી દઈએ કે આજે તેમની અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પાંચમા દિવસમાં પ્રવેશી છે. જરાંગેએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મુંબઈ છોડવાના નથી. તેઓએ આગળ ઉમેર્યું કે, "જો સરકાર અમને દબાવવાનો પ્રયાસ કરશે તો પણ અમે મરાઠાઓના વંશજ છીએ. જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો આંદોલન વધુ મજબૂત બનાવીશું"

મનોજ જરાંગેએ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવાની અપીલ કરી હતી. સાથે જ તેઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ કહ્યું હતું કે જો સરકાર મરાઠા સમુદાય (Maratha Quota Protest)નું સન્માન કરશે તો તેઓ પણ સરકારનું સન્માન કરશે.

જરાંગેના એલાન પહેલાં પોલીસે જણાવ્યું હતું કે તેઓએ ગઈકાલે રાત્રે વિરોધ ચાલુ રાખવા માટે પોલીસની પરવાનગી લંબાવવા માટે અરજી કરી હતી. પણ, મંગળવારે સવારે પોલીસે આ માગણીને નકારી કાઢી હતી અને પ્રદર્શનકારીઓને રસ્તાઓ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. પ્રદર્શનકારીઓએ બોમ્બે હાઈકોર્ટમાં પોલીસની કાર્યવાહીને પડકારી છે. મરાઠા આરક્ષણ વતી વિરોધકર્તાનું પ્રતિનિધિત્વ કરતા વકીલ સતીશ માનેશિંદે કોર્ટમાં તેમનું પ્રતિનિધિત્વ કરશે, તેમ વિરોધ પ્રદર્શનના આયોજક વિરેન્દ્ર પવારે જણાવ્યું હતું.

જોકે, કાર્યકર્તાએ સત્તાને બળનો (Maratha Quota Protest) ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે જો તમે લાઠીચાર્જ વિશે વિચારશો તો તે અત્યંત જોખમી હશે. અમારું અપમાન ન કરશો. જો તમે અમારું સન્માન કરશો, તો આ ગરીબ પ્રજા તેનો ઉપકાર ક્યારેય નહીં ભૂલે. પણ, જો તમે અમારું અપમાન કરશો, તો અમારો ગુસ્સો વધશે" તેમણે ચેતવણી આપી હતી કે પ્રદર્શનકારીઓની ધરપકડ અથવા તેમને દબાવવાના પ્રયાસોથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. પોતાના સમર્થકોને શાંતિ જાળવવા હાકલ કરતાં જરાંગેએ તેમને વિનંતી કરી હતી કે જો તે પોતે વધુ બીમાર પડે અથવા મૃત્યુ પામે તો પણ શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખજો...... ન્યાયની દેવી અમારી સાથે છે. તે ન્યાય આપશે. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે મુંબઈ નહીં છોડીએ."

mumbai news mumbai maratha reservation manoj jarange patil azad maidan mumbai police Crime News mumbai crime news bombay high court devendra fadnavis maharashtra news maharashtra