મુંબઈમાં વરસાદનું જોર ઘટશે, મહરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ‘યલો એલર્ટ’

03 August, 2026 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Weather Updates: હવામાન વિભાગે આજે, ૩ ઓગસ્ટે કોંકણ, પશ્ચિમ ઘાટ અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે; જ્યારે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharshtra) માં સમગ્ર જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદ (Maharashtra Weather Updates) બાદ ઓગસ્ટના પ્રારંભથી વરસાદનું જોર ઘટ્યું છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) એ આજે એટલે કે, ૩ ઓગસ્ટે સોમવારે કોંકણ (Konkan) ના કેટલાક વિસ્તારો, પશ્ચિમ ઘાટ અને વિદર્ભ માટે ભારે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે, જ્યારે બાકીના મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંકણમાં ભારે વરસાદ બાદ હવે તીવ્રતામાં ઘટાડો થયો છે અને મોટાભાગના વિસ્તારોમાં હવામાન સુધરી રહ્યું છે. મહત્વનું છે કે મુંબઈ (Mumbai), થાણે (Thane) કે પાલઘર (Palghar) માટે કોઈ હવામાન ચેતવણી (એલર્ટ) જારી કરવામાં આવી નથી.

મુંબઈનું હવામાન અપડેટ

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મુંબઈ અને તેના ઉપનગરોમાં આજે દિવસ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. શહેરમાં વ્યાપક ધોરણે અતિભારે વરસાદની શક્યતા નથી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ જોરદાર પવનો સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદના તીવ્ર સ્પેલ દરમિયાન પવનની ઝડપ સામાન્ય રીતે ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો માટે હવામાનની આગાહી:

હવામાન વિભાગે આગામી દિવસો માટે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની નીચે મુજબની આગાહી કરી છે.

કોંકણ અને મુંબઈ ક્ષેત્ર

રત્નાગિરી અને રાયગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી `યલો એલર્ટ` જારી કરાયું છે. આગામી દિવસોમાં કોંકણમાં વરસાદ વધુ ઓછો થવાની ધારણા છે.

ઉત્તર મહારાષ્ટ્ર

નાસિકના ઘાટ વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે નાસિક શહેર, ધૂળે, નંદુરબાર અને જલગાંવ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

પશ્ચિમ મહારાષ્ટ્ર

પુણે અને સતારાના ઘાટ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરાયું છે. જોકે, કોલ્હાપુર, સતારા શહેર, સાંગલી અને સોલાપુરમાં કોઈ ચેતવણી નથી. ત્યાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે.

મરાઠવાડા

છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, હિંગોળી, નાંદેડ, લાતુર અને ધારાશિવ જિલ્લાઓ માટે કોઈ એલર્ટ નથી. અહીં ભેજવાળું વાતાવરણ અને હળવો વરસાદ રહેવાની સંભાવના છે.

વિદર્ભ

અકોલા, ભંડારા, ચંદ્રપુર, ગડચિરોલી, ગોંદિયા અને વર્ધા એમ છ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બુલઢાણા, નાગપુર અને યવતમાળમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડી શકે છે.

આવતીકાલથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધુ ઘટે તેવી શક્યતા છે, જેનાથી લોકોને સતત પડી રહેલા વરસાદમાંથી લોકોને રાહત મળશે.

Weather Update indian meteorological department mumbai rains mumbai monsoon maharashtra news maharashtra mumbai mumbai news thane palghar konkan raigad vidarbha