04 June, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ જૈન સંઘ સંગઠન વતી નીતિન વોરા, અતુલ વ્રજલાલ શાહ, સુધીર પટ્ટણી હાજર રહ્યા
રાજસ્થાનના પાલી ખાતે જૈનાચાર્ય પુંડરિક રત્નસૂરીશ્વરજી મહારાજસાહેબની સંભવિત હત્યાના વિરોધમાં સમગ્ર દેશભરમાં જૈનોમાં ઉગ્ર આક્રોશ છે ત્યારે આ સંદર્ભમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મંગલ પ્રભાત લોઢા સાથે જૈનોનું પ્રતિનિધિમંડળ ગવર્નર હાઉસ ખાતે મળ્યું હતું.
પ્રતિનિધિમંડળમાં મંગલ પ્રભાત લોઢા સાથે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન વતી નીતિન વોરા, અતુલ વ્રજલાલ શાહ, સુધીર પટ્ટણી હાજર રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યપાલને મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘છેલ્લાં દસેક વર્ષમાં અનેક સાધુભગવંતોની આ પ્રમાણે ઍક્સિડન્ટ દ્વારા કથિત હત્યાઓ કરવામાં આવી રહી છે, જેમાં રાજસ્થાનના અનુપ મંડળ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. રાજસ્થાન સરકારે એક SITની કમિટીની રચના કરી છે, પરંતુ આવા વિદ્વાન સાધુભગવંતોની હત્યા પાછળ કોનો હાથ છે એની પૂર્ણ તપાસ કરવી જોઈએ.’
જૈન સંઘના પ્રતિનિધિઓએ રાજ્યપાલને જણાવ્યું હતું કે ‘આચાર્ય હાલતી-ચાલતી લાઇબ્રેરી જેવા હતા અને તેઓ ૧૮ ભાષાના જાણકાર હતા. તેમના વિદ્વાન ગુરુભગવંત જંબુવિજયજી મહારાજસાહેબની પણ આ જ પ્રકારે ઍક્સિડન્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી.’
રાજ્યપાલે આ વાતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને પોતે સાથે રાજસ્થાન આવશે અને ત્યાંના મુખ્ય પ્રધાન અને રાજ્યપાલને મળીને આ વાતની રજૂઆત કરશે અને એ માટે મંગલ પ્રભાત લોઢાની આગેવાની હેઠળ જૈન સંઘોના પ્રતિનિધિમંડળને પણ સાથે લઈ જશે એવી બાંયધરી આપી હતી. જૈન સાધુઓ વિશ્વની એક અલૌકિક શક્તિ છે અને તેમની સુરક્ષા થવી જ જોઈએ તથા એ માટે ચાતુર્માસ પહેલાંના વિહારમાં તેમને પોલીસ-પ્રોટેક્શન આપવા માટે અને ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ દ્વારા તપાસ કરીને આ ષડ્યંત્રનાં મૂળ સુધી પહોંચવા માટે પોતે જાતે રાજસ્થાન સરકારને અવગત કરશે એવી બાંયધરી પણ રાજ્યપાલે આપી હતી.
જૈન સંઘ વતી રાજ્યપાલનું અભિવાદન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમનો હૃદયથી આભાર માનવામાં આવ્યો હતો.