હનુમાન ચાલીસાનું આહ‍્વાન કરનાર ઘરમાં, જ્યારે સેંકડો કાર્યકરો જેલમાં

08 May, 2022 10:56 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

રાજ ઠાકરેની ધરપકડ કરવામાં સરકારને ડર લાગે છે કે શું એવી છે સોશ્યલ મીડિયામાં ચર્ચા

પ્રતીકાત્મક તસવીર

રાજ ઠાકરેની ધરપકડ કરવામાં સરકારને ડર લાગે છે કે શું એવી છે સોશ્યલ મીડિયામાં ચર્ચા : મસ્જિદ પરના લાઉડસ્પીકર સામે હનુમાન ચાલીસા વગાડવાનું આહ‍્વાન કરનારા એમએનએસના અધ્યક્ષને પોલીસે હાથ નથી અડાડ્યો, જ્યારે મુંબઈ અને થાણે સહિત રાજ્યભરમાં એમએનએસના સેંકડો કાર્યકરો જેલમાં અને હજારો તડીપાર

મસ્જિદોમાં દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર પર અઝાન પોકારવાથી ધ્વનિપ્રદૂષણ થતું હોવાથી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ લાઉડસ્પીકર ઉતારવામાં નહીં આવે તો મસ્જિદોની સામે ડબલ અવાજે લાઉડસ્પીકરોમાં હનુમાન ચાલીસા વગાડવાનું આહ‍્વાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ કર્યા બાદ મુંબઈ અને થાણે સહિત રાજ્યભરમાં સેંકડો લોકોની પોલીસે ધરપકડ કરી હોવાનું તેમ જ મુંબઈના ૧૦૦૦ જેટલા એમએનએસના પદાધિકારીઓ અને કાર્યકરોને પંદર દિવસ મુંબઈમાં પ્રવેશ ન કરવાની નોટિસ આપવામાં આવી છે. જોકે પોલીસે આ મામલે રાજ ઠાકરેને એક નોટિસ આપવા સિવાય કોઈ કાર્યવાહી નથી કરી એટલે સોશ્યલ મીડિયામાં ચર્ચા છે કે જેમણે આહ્વાન કર્યું છે તે ઘરમાં છે અને કાર્યકરો જેલમાં છે. આવું કેમ? શું મુંબઈ પોલીસ રાજ ઠાકરેની ધરપકડ કરતાં ડરે છે?

એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ બીજી એપ્રિલે ગૂડી પડવાના દિવસે શિવાજી પાર્કમાં આયોજિત જાહેર સભામાં મસ્જિદોમાં અઝાન પોકારવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને જો આ લાઉડસ્પીકર બંધ નહીં થાય અથવા તો ઉતારી નહીં લેવાય તો એની સામે ડબલ અવાજથી હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. રાજ ઠાકરેના આ વલણથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. વિરોધીઓ રાજ ઠાકરે પર તૂટી પડ્યા હતા. એ પછી રાજ ઠાકરેએ થાણેમાં એમએનએસ દ્વારા આયોજિત કરવામાં આવેલી ઉત્તર સભામાં પણ લાઉડસ્પીકરની વાત દોહરાવી હતી. ત્યાર બાદ તાજેતરમાં જ ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ ફરી લાઉડસ્પીકરના મુદ્દે રમજાન ઈદ બાદ રાજ્યભરમાં આંદોલન છેડવાનું એલાન કર્યું હતું. ત્રીજી મેએ તેમણે ઓપન લેટર દ્વારા આ મામલે પોતાની વાત પર મક્કમ હોવાનું અને જ્યાં સુધી મસ્જિદો પરનાં લાઉડસ્પીકરો ઉતારવામાં નહીં આવે ત્યાં સુધી એમએનએસના કાર્યકરો સહિત તમામ હિન્દુઓને આંદોલન ચાલુ રાખવાનું કહ્યું હતું.

સોશ્યલ મીડિયામાં ચર્ચા
રાજ ઠાકરેના આહ‍્વાન બાદ મુંબઈ અને થાણે સહિત રાજ્યભરમાં અસંખ્ય જગ્યાએ મસ્જિદોની બહાર હનુમાન ચાલીસા વગાડવામાં આવતાં પોલીસે એમએનએસના કાર્યકરો સામે કાર્યવાહી શરૂ કરી છે. પરવાનગી વિના મસ્જિદો કે એમએનએસની તેમ જ હિન્દુત્વવાદી સંગઠનની ઑફિસની બહાર લાઉડસ્પીકર વગાડનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આવા સમયે રાજ ઠાકરે તેમના શિવાજી પાર્ક ખાતેના નિવાસસ્થાન શિવતીર્થની ગૅલરીમાં આરામથી હરતા-ફરતા જોવા મળી રહ્યા છે. તેમના ઘરની સુરક્ષા રાજ્ય સરકારે જ વધારી દીધી છે. જેમણે લોકોને આહ‍્વાન કર્યું છે તેને પોલીસ હાથ નથી લગાડતી અને તેમના કહેવાથી રસ્તામાં ઊતરી આવનારાઓને પોલીસ પકડી રહી છે. આવું કેમ? સોશ્યલ મીડિયામાં આની જ ચર્ચા થઈ રહી છે. શું

૧૦૦૦ તડીપાર
મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ‘૩૦ એપ્રિલથી અત્યાર સુધી મુંબઈમાં પાંચસોથી વધુ લોકોની લાઉડસ્પીકરના મામલે ધરપકડ કરવામાં આવી છે અને એમએનએસ સહિત અન્ય હિન્દુવાદી સંગઠનના ૧૦૦૦ લોકોને પંદર દિવસ સુધી મુંબઈમાં પ્રવેશ ન કરવાની નોટિસો આપવામાં આવી છે.’ 

દરેક શાખાના પાંચ-પાંચ પદાધિકારી તડીપાર
એમએનએસની મુંબઈમાં દરેક વૉર્ડમાં એટલે કે ૨૨૭ શાખા છે. એમએનએસના એક પદાધિકારીએ આપેલી માહિતી મુજબ રાજ ઠાકરેએ મસ્જિદ સામે હનુમાન ચાલીસા વગાડવાનું આહ‍્વાન આપ્યા બાદ મુંબઈમાં મોટા ભાગે આવું આંદોલન થવાની શક્યતા હતી. આથી પોલીસે દરેક શાખાના પાંચ જેટલા પદાધિકારી અને કાર્યકરોને તડીપાર કરવાની શરૂઆત ૨૭ એપ્રિલથી કરી દીધી હતી. આ બધા અત્યારે થાણે, નવી મુંબઈ કે આસપાસના વિસ્તારોમાં છે. પંદરમી બાદ પક્ષના પદાધિકારીઓ મુંબઈમાં પાછા ફરશે ત્યારે ફરીથી વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે.

વેપારીઓમાં ફફડાટ
રાજ ઠાકરેએ મસ્જિદો પરના લાઉડસ્પીકરના મુદ્દે હિન્દુઓને હનુમાન ચાલીસા વગાડવાનું આહ્વાન પહેલી મેએ કર્યું હતું. તેમના આ વલણથી મુંબઈ સહિત રાજ્યભરમાં હિન્દુ-મુસ્લિમો સામસામે આવી જશે તો? એવો સવાલ બધાને થયો હતો. ત્રીજી મેએ રમજાન ઈદની સાથે અખાત્રીજ હતી. આ દિવસે મુંબઈના અનેક વિસ્તારોમાં કંઈક અજુગતું થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બધું સૂમસામ થઈ ગયું હતું. મુંબઈમાં ભૂતકાળમાં આવી પરિસ્થિતિ મુંબઈગરાઓએ જોઈ છે. આથી વેપારીઓ પણ ફફડી ઊઠ્યા હતા. જોકે રાજ્ય સરકારે ચાંપતો પોલીસ બંદોબસ્ત કરવાની સાથે બન્ને ધર્મના લોકોએ સંયમ જાળવી રાખ્યો છે એટલે જેનો ડર હતો એવું કંઈ નથી થયું.

૪૩ મંદિર, ૧૦૬૫ મસ્જિદને પરવાનગી
ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર વગાડવા માટે પોલીસની મંજૂરી લેવી જરૂરી છે. આ મુદ્દો ગરમાયા બાદ મુંબઈમાં ૨૦ એપ્રિલથી મંદિર અને મસ્જિદના સંચાલકોએ પરવાનગી માટેની અરજીઓ કરવાની શરૂઆત કરી દીધી હતી. ૨૦ એપ્રિલથી અત્યાર સુધીમાં મુંબઈ પોલીસને ૬૫ મંદિર અને ૧૦૭૯ મસ્જિદ તરફથી લાઉડસ્પીકરની મંજૂરી માટેની અરજી મળી છે. આમાંથી ૪૩ મંદિર અને ૧૦૬૫ મસ્જિદની અરજી મંજૂર કરવામાં આવી છે. ૩ મંદિર અને ૧૩ મસ્જિદની અરજી નામંજૂર કરાઈ છે અને ૧૯ મંદિર અને એક મસ્જિદની અરજી વિચારણાધીન છે. 

પોલીસે મસ્જિદો સામે કાર્યવાહી શરૂ કરી
સુપ્રીમ કોર્ટે નિર્ધારિત કરેલા ડેસિબલથી મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવા બદલ મુંબઈ પોલીસે મસ્જિદો સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બાંદરામાં આવેલી નૂરાની મસ્જિદ અને સાંતાક્રુઝમાં કબ્રસ્તાન મસ્જિદના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું હતું. મસ્જિદ સહિતનાં તમામ ધાર્મિક સ્થળોએ સવારે ૬ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી નક્કી કરાયેલા ડેસિબલ સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાય છે. આ બન્ને મસ્જિદોમાંથી ધ્વનિપ્રદૂષણ ફેલાવાતું હોવાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે એના ટ્રસ્ટીઓ સામે આઇપીસીની કલમ ૧૮૮ અને મહારાષ્ટ્ર પોલીસની કલમ ૩૭(૧), (૩) અને ૧૩૫ મુજબ તેમ જ ધ્વનિનિયંત્રણ કાયદાની કલમ ૩૩ (આર)(૩) અંતર્ગત ફરિયાદ નોંધી હોવાનું પોલીસે 
જણાવ્યું હતું.

mumbai mumbai news maharashtra navnirman sena raj thackeray mumbai police prakash bambhrolia