મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના પ્રચંડ બહુમતીથી ફરી અવ્વલ

24 May, 2019 09:49 AM IST  |  મુંબઈ

મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના પ્રચંડ બહુમતીથી ફરી અવ્વલ

માતોશ્રીમાં દેવેન્દ્ર ફડણવીસનું મોઢું મીઠું કરાવતા શિવસેનાના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરે. તસવીર : નિમેશ દવે

મહારાષ્ટ્રમાં ૨૦૧૪ની જેમ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં પણ વિરોધીઓને પરાસ્ત કરવાનો સિલસિલો બીજેપી-શિવસેનાની યુતિએ કાયમ રાખ્યો છે. રાજ્યની કુલ ૪૮ બેઠકમાંથી બીજેપી ૨૩, શિવસેના ૧૮, એનસીપી ૪, કૉંગ્રેસ ૧ તથા અન્યોએ ૨ બેઠકો મેળવી હતી. બીજેપી-સેનાને આ વખતે ૨૦૧૪ જેટલી સફળતા નહીં મળે એવો કયાસ લગાવાતો હતો, પરંતુ યુતિએ બધાને ખોટા સાબિત કરીને ફરી એક વખત રાજ્યમાં પ્રચંડ બહુમતી મેળવી છે.

મોડી રાત સુધી ચાલેલી મતગણતરી મુજબ યુતિ ૪૧ બેઠક પર આગળ હતી એની સામે કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન ૫ બેઠક, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ) ૧ બેઠક પર તથા ૧ અન્ય આગળ હતા.

નાગપુરમાંથી કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી અને ધુળેથી સુભાષ ભામરે પ્રચંડ મતથી વિજયી થયા હતા. બીજેપી અને શિવસેનાના અન્ય ઉમેદવારોએ પણ વિરોધીઓને પરાભૂત કર્યા હતા.

બીજી તરફ, કૉંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન સુશીલકુમાર શિંદે, પ્રદેશ અધ્યક્ષ અશોક ચવાણ, મુંબઈ અધ્યક્ષ મિલિંદ દેવરા સહિતનાં મોટાં માથાંઓ પણ મોદીની સુનામી સામે ટકી નહોતા શક્યા. અહમદનગરમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલે બીજેપીથી લડીને વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈની જનતાના પ્રશ્નોની રજૂઆત મારી પ્રાથમિકતા : મનોજ કોટક

મવાળમાં શરદ પવારના ભત્રીજા પાર્થ પવારને શિવસેનાના વર્તમાન સાંસદ શ્રીરંગ બરનેએ ૨ લાખથી વધુ મતથી પરાજિત કરીને શરદ પવાર પરિવારને જોરદાર ઝટકો આપ્યો હતો. આવી જ રીતે પવારના ગઢ એવા માઢામાં બીજેપીના રણજિસિંહ નાઈકે એનસીપીના સંજયમામા શિંદેને ૧ લાખના તફાવતની હરાવ્યા હતા. જોકે આશ્વાસનરૂપે શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સૂળે બારામતીમાંથી વિજયી થયાં હતાં.

uddhav thackeray shiv sena Lok Sabha Election 2019 mumbai news maharashtra