24 February, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુધીર મારુ
કચ્છનાં ગામોમાં પહેડી કે ધજાના પ્રસંગ વખતે કાર્ડિયોલૉજિસ્ટની ટીમ સાથે મેડિકલ હેલ્થ ચેકઅપ કૅમ્પની અને સંપૂર્ણ સુવિધાથી સજ્જ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા હોવી જોઈએ. એવી માગણી ઊઠી છે. ગયા અઠવાડિયામાં કચ્છના અબડાસા જિલ્લાના ચિયાસર ગામમાં દેરાસરની ધજાના પ્રસંગે ડોમ્બિવલી-ઈસ્ટના ૬૦ વર્ષના વેપારી સુધીર મારુનું મેડિકલ સુવિધાના અભાવે મોત થયા પછી આ માગણીએ જોર પકડ્યું છે.
આ બાબતની માહિતી આપતાં સુધીર મારુના ભાઈ રમેશ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છમાં વારતહેવારે પહેડી અને દેરાસરની ધજાના પ્રસંગો ઊજવાતા રહે છે. એમાં મુંબઈથી અને અન્ય શહેરોમાંથી જૈનો મોટી સંખ્યામાં આવતા હોય છે. આવો જ એક ધાર્મિક ધજાનો પ્રસંગ ૧૯ ફેબ્રુઆરીએ અમારા ચિયાસર ગામમાં હતો. એમાં હાજરી આપવા અમારા પરિવારના સભ્યો મુંબઈ-ડોમ્બિવલીથી ૧૫ ફેબ્રુઆરીએ નીકળીને ચિયાસર ગયા હતા. આ પ્રસંગમાં સેંકડો લોકો હાજર રહ્યા હતા. પ્રસંગના પહેલા જ દિવસોમાં પ્રસંગમાં આવેલા બે વડીલોની તબિયત લથડી હતી. જોકે મારા નાના ભાઈ સુધીરે દોડાદોડી કરીને આ બન્ને વડીલો માટે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને દવા અને દુઆ કરીને તેમનો જીવ બચાવ્યો હતો.’
જોકે ૧૯ ફેબ્રુઆરીએ મારા ફિટ ઍન્ડ ફાઇન ભાઈ સુધીરની પોતાની તબિયત લથડી હતી એમ જણાવીને રમેશ મારુએ કહ્યું હતું કે ‘ગામમાં કોઈ ડૉક્ટર કે મેડિકલ સારવાર ન મળતાં અમારે સુધીરને સારવાર માટે ગામની બહાર લઈ જવાની નોબત આવી હતી. અમે ૧૦૮ નંબર પર કૉલ કરીને ઍમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ આ ઍમ્બ્યુલન્સ માટે સરકારી નિયમ અનુસાર મર્યાદા હોય છે. આ ઍમ્બ્યુલન્સ એના નિયમ પ્રમાણે અમુક મર્યાદિત હદ સુધીમાં આવેલી સરકારી હૉસ્પિટલ સુધી જ દરદીને સારવાર માટે લઈ જઈ શકે છે. એને કારણે અમે ઍમ્બ્યુલન્સમાં સુધીરને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે તેની રસ્તામાં તબિયત વધુ બગડતાં ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરે અને ડૉક્ટરે અમને રસ્તામાં આવતી સરકારી હૉસ્પિટલ પાસે જ ઉતારી દીધા હતા. અમારે સુધીરને ભુજ સુધી લઈ જવો હતો, પરંતુ અમને ત્યાંથી ન કોઈ સારા ડૉક્ટર મળ્યા કે ન તો ઍમ્બ્યુલન્સ મળી. અમે ૧૦૮ નંબરને માગે એ પૈસા આપવા તૈયાર હતા, પણ એને સરકારી નિયમ નડતો હતો.’
આથી મારુ પરિવાર સુધીરને તેમની કારમાં ભુજ તરફ લઈ જવા નીકળ્યો હતો એ વિશે ચિયાસર કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજનના ભૂતપૂર્વ ટ્રસ્ટી કાંતિભાઈ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોકે સમયસર સારવાર ન મળવાથી સુધીરનું કારમાં જ હાર્ટફેલ થવાથી મૃત્યુ થયું હતું. ત્યાંની સ્થાનિક આયુર્વેદિક હૉસ્પિટલે ડેથ-સર્ટિફિકેટ આપ્યું છે જે મુંબઈમાં વૅલિડ નથી. આથી પરિવાર વધુ મૂંઝવણમાં આવી ગયો છે. તેમના મૃતદેહને ડોમ્બિવલી લાવીને એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’
અમારા માટે તો ૧૦૮ નંબરના સરકારી નિયમો પણ જોરદાર ઝટકો આપે એવા હતા એમ જણાવતાં કાંતિભાઈ શાહે કહ્યું હતું કે ‘સુધીરના મેડિકલ સુવિધાના અભાવે થયેલા અકાળ અવસાનથી મારુ પરિવાર અને અમને સૌને એવું લાગે છે કે હવે સમાજમાં જાગૃતિ લાવવાની જરૂર છે. કચ્છમાં ચિયાસરમાં જ નહીં, અનેક ગામોમાં વારતહેવારે ધાર્મિક પ્રસંગો આવતા રહે છે જેમાં મુંબઈથી જ નહીં, દેશભરમાંથી અનેક ભાવિકો હાજરી આપે છે. આ ભાવિકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવાનો અને તેમને સમયસર સારવાર મળે એવી વ્યવસ્થા કરવાનો સમય આવી ગયો છે. હવે સમયસર નહીં જાગીએ તો સુધીર જેવા સક્રિય કાર્યકરો કે ભાવિકોને આપણે સમયે-સમયે મેડિકલ સુવિધાના અભાવે ગુમાવીશું. આથી બધાં જ ગામોએ સાથે વિચારવિમર્શ કરીને દેરાસરની ધજાનો પ્રસંગ હોય કે કુળદેવીની પહેડીનો મહોત્સવ હોય, કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટરોની ટીમની હાજરીમાં બૉડી ચેકઅપ કૅમ્પનું આયોજન કરવું જોઈએ એટલું જ નહીં, આધુનિક સુવિધાથી સજ્જ ઍમ્બ્યુલન્સ પણ હાજર રાખવી જોઈએ.’
ચિયાસરમાં અકાળ મૃત્યુ પામેલા સુધીર દેવરામ મારુની ગઈ કાલે ડોમ્બિવલી-વેસ્ટમાં પી. પી. ચેમ્બર્સમાં બપોરે ત્રણથી ૪.૩૦ વાગ્યા સુધી પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. એમાં જાહેરાત કરવામાં આવી હતી કે મેડિકલ સુવિધાના અભાવે કોઈનું અકાળ મૃત્યુ ન થાય એના માટે ચિયાસર ગામમાં દરરોજ ડૉક્ટર ઉપલબ્ધ રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે.