ઘાટકોપરનો વેપારી સાસુના ઘરે રોકાવા ગયો અને ઘરમાંથી બે લાખના દાગીના ચોરાયા

01 June, 2023 10:35 AM IST  |  Mumbai | Mehul Jethva

ઘટનાની ફરિયાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ઘાટકોપરમાં રહેતા વેપારીની પત્ની અને બાળકો પનવેલમાં રહેતાં સાસુના ઘરે રોકાવા ગયાં હતાં એટલે તેમને મળવા માટે વેપારી દુકાનેથી નીકળીને પનવેલ ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા ત્યારે તેમને ઘરમાં રાખેલા આશરે બે લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ ઘટનાની ફરિયાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ઘાટકોપર-વેસ્ટમાં કામા લેન વિસ્તારમાં નીલકંઠ દીપ સોસાયટીમાં રહેતા અને કુર્લા વિસ્તારમાં હૅપીહોમ નામે દુકાન ધરાવતા ૪૬ વર્ષના લલિત જૈને કરેલી ફરિયાદ અનુસાર ૨૬ મેએ પત્ની અને બાળકો પનવેલમાં રહેતાં સાસુના ઘરે રોકાવા ગયાં હતાં અને તેઓ દુકાને ગયા હતા. ૨૭ મેએ લલિતભાઈ પણ દુકાનેથી સાસુના ઘરે પનવેલ ગયા હતા. ૨૮ મેએ રાત્રે તેઓ ઘરે પાછા ફર્યા હતા. ઘરે આવ્યા ત્યારે ઘરની બારી ખુલ્લી જોવા મળતાં તેમણે તરત દરવાજો ખોલી અંદર જઈને જોયું તો બેડરૂમનું કબાટ ખુલ્લું હતું. વધુ તપાસ કરતાં એક કિલો ચાંદી સાથે ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ તથા અન્ય બીજા દાગીના એમ કુલ ૨,૦૮,૦૦૦ રૂપિયાની મતા ચોરાઈ હોવાની જાણ થઈ હતી. એ પછી આ ઘટનાની જાણ ઘાટકોપર પોલીસ સ્ટેશનને કરવામાં આવતાં પોલીસે અજ્ઞાત આરોપી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં આસપાસની સોસાયટીમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પરથી આરોપીને શોધવામાં આવી રહ્યો છે.’

mumbai mumbai news Crime News mumbai crime news mulund panvel mehul jethva