મુંબઈ : ઈડીની ઑફિસમાં જવાને બદલે પ્રતાપ સરનાઇક ક્વૉરન્ટીન થયા

26 November, 2020 12:07 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : ઈડીની ઑફિસમાં જવાને બદલે પ્રતાપ સરનાઇક ક્વૉરન્ટીન થયા

પ્રતાપ સરનાઇક

મની લોન્ડરિંગ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મંગળવારે દરોડા પાડ્યા બાદ શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકને ગઈ કાલે ૧૧ વાગ્યે ઈડીની ઑફિસમાં હાજર થવાના સમન્સ મોકલાયા હતા. જોકે તપાસમાં સહયોગ કરવાને બદલે પોતે ક્વૉરન્ટીન થયા હતા અને તપાસ માટે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો. તેમના આ વર્તનથી વિરોધીઓ તેમના પર તૂટી પડ્યા હતા.

થાણેના ઓવળા-માજીવાડા વિસ્તારના ત્રણ વખતના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકનાં ૧૦ સ્થળે મંગળવારે ઈડીએ દરોડા પાડ્યા હતા ત્યારે તેઓ દિલ્હીમાં હતા. ઈડીની ટીમે તેમના નાના પુત્ર વિહંગને તાબામાં લીધો હતો અને ઈડીની દક્ષિણ મુંબઈમાં આવેલી ઑફિસમાં લઈ જઈને તેની છ કલાક પૂછપરછ કરીને છોડ્યો હતો.

સાંજે પ્રતાપ સરનાઇક ઈડીની ઑફિસે જવાને બદલે ‘સામના’ની ઑફિસે ગયા હતા. તેમણે સંજય રાઉત સાથે દોઢ કલાક ચર્ચા કરી હતી અને બહાર આવીને મીડિયાને ઈડીએ શા માટે દરોડા પાડ્યા છે એની પોતાને ખબર નથી અને કાનૂની લડાઈ લડવાની વાત કરી હતી.

ઈડીએ પ્રતાપ સરનાઇકને ૧૧ વાગ્યે ઈડીની ઑફિસમાં હાજર થવાના સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેમણે પોતે દિલ્હીથી આવ્યા હોવાથી કોવિડના નિયમ મુજબ ક્વૉરન્ટીન થયા છે અને પુત્ર વિહંગની પત્નીની તબિયત ખરાબ થતાં તેને હૉસ્પિટલમાં અૅડ્મિટ કરાયાં હોવાનું બહાનું કાઢીને અઠવાડિયા બાદ તપાસ માટે પુત્ર સાથે હાજર થવાનું કહ્યું હતું. પોતે તપાસમાં પૂરતો સહયોગ કરશે એવું આશ્વાસન પણ તેમણે ઈડીને આપ્યું હોવાનું કહેવાય છે.

પ્રતાપ સરનાઇકની બહાનાબાજી સામે વિરોધીઓએ તેમને નિશાન પર લીધા હતા. તેઓ તપાસમાં સહયોગ કરવા ન માગતા હોવાની સાથે તેઓ ડરી રહ્યા હોવાથી આવું કહી રહ્યા છે એમ ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું. અહીં સવાલ એ છે કે ઈડી જેવી તપાસ એજન્સી ગુપ્ત બાતમીને આધારે કાર્યવાહી કરતી હોય છે. આરોપીઓને સમય અપાય તો તેઓ પુરાવા નષ્ટ કરી શકે છે એટલે કોઈને પણ તપાસમાં સમય નથી અપાતો તો પ્રતાપ સરનાઇક આવી માગણી કેવી રીતે કરી શકે?

thane mumbai mumbai news maharashtra shiv sena