હિંમત હોય તો સરકારને ઊથલાવો

27 July, 2020 02:03 PM IST  |  Mumbai Desk | Agencies

હિંમત હોય તો સરકારને ઊથલાવો

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિરોધ પક્ષને તેમની સરકાર ઉથલાવવાનો પડકાર ફેંક્યો છે અને જણાવ્યું છે કે આ ‘થ્રી-વ્હીલર’ સરકાર હોવા છતાં એના સ્ટિયરિંગ વ્હીલ પર મારું મજબૂત નિયંત્રણ છે.
ઠાકરેએ જણાવ્યું હતું કે તેમના ગઠબંધનના પક્ષો – એનસીપી અને કૉન્ગ્રેસ ‘હકારાત્મક’ છે અને મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારને તેમના અનુભવનો લાભ મળી રહ્યો છે.
મુખ્ય પ્રધાને કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે એને સ્થાને અમે રાજ્યના પાટનગર અને નાગપુર વચ્ચે આવી હાઈ સ્પીડ લિન્ક ઊભી કરવાનું પસંદ કરીશું.
મારી સરકારનું ભવિષ્ય વિરોધ પક્ષના હાથમાં નથી. સ્ટિયરિંગ મારા હાથમાં છે. થ્રી-વ્હીલર (રિક્ષા) ગરીબ લોકોનું વાહન છે. બાકીનાં બે પૈડાં પાછળ છે, એમ ઠાકરેએ સોમવારે તેમની ૬૦મી વર્ષગાંઠ અગાઉ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં રવિવારે પ્રકાશિત થયેલા તેમના ઇન્ટરવ્યુના દ્વિતીય અને છેલ્લા ભાગમાં જણાવ્યું હતું.
સપ્ટેમ્બર-ઑક્ટોબરની રાહ શા માટે જુઓ છો? અત્યારે જ સરકારને ઊથલાવી પાડો, કારણ કે સત્તા ગબડાવવામાં તમને આનંદ મળે છે. કેટલાક લોકોને રચનાત્મક કામગીરી કરીને આનંદ મળે છે, જ્યારે કેટલાક લોકો વિનાશ વેરીને ખુશ થાય છે. જો તમને વિનાશ વેરવામાં આનંદ મળતો હોય તો આગળ વધો, એમ તેમણે જણાવ્યું હતું.
તમે કહો છો કે એમવીએ સરકાર લોકશાહી સિદ્ધાંતો વિરુદ્ધ રચાઈ છે, પણ જ્યારે તમે સત્તા ઊથલાવી પાડો છો ત્યારે એ શું લોકશાહી છે? એવો સવાલ ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ એમવીએ ગઠબંધનને થ્રી-વ્હીલર ઑટોરિક્ષા સાથે સરખાવ્યું હતું અને એના ટકવા સામે શંકા વ્યક્ત કરી હતી.

uddhav thackeray national news shiv sena maharashtra mumbai news mumbai