૩ કલાક દરદીઓના જીવ રહ્યા અધ્ધરતાલ

12 April, 2021 08:50 AM IST  |  Mumbai | Mehul Jethva

થાણેમાં ઑક્સિજનનો પુરવઠો પૂરો થતા ૨૬ દરદીને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં ત્રણ કલાકનો સમય નીકળી ગયો

ઑક્સિજન પૂરો થતાં ઍમ્બ્યુલન્સમાં દરદીઓને બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

રાજ્યમાં કોરોનાનો ફેલાવો ખૂબ ઝડપથી વધી રહ્યો છે. રાજ્ય સરકાર પણ કોરોનાની વધતી જતી ઘટનાઓ સામે તમામ શક્ય પગલાં લઈ રહી છે. એમ છતાં જાણવા મળ્યું છે કે થાણેની પાર્કિંગ પ્લાઝા કોવિડ હૉસ્પિટલમાં ઑક્સિજનની અછતને કારણે શનિવારે ૨૬ દરદીઓને બીજી હૉસ્પિટલમાં ‌શિફ્ટ કરવામાં આવ્યા હતા. એ સાથે થાણે પાલિકાએ ઑક્સિજન માટે અનેક કંપનીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જોકે હાલમાં કોઈ કંપની પાસે મોટા પ્રમાણમાં ઑક્સિજન ન હોવાથી માત્ર એક સેન્ટરમાં ઑક્સિજનની વ્યવસ્થા હોવાથી દરદીઓને ત્યાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે સાંજે લગભગ પોણાઆઠ વાગ્યાની છે અને એક ઍમ્બ્યુલન્સમાં એક જ દરદીને શિફ્ટ કરાતો હોવાથી બધાને શિફ્ટ કરતા-કરતા લગભગ ત્રણ કલાકનો સમય નીકળી ગયો હતો. આમ પોણાઆઠથી લગભગ પોણાઅગિયાર વાગ્યા સુધી દરદી અને તેમના સગાંઓના જીવ અધ્ધરતાલ થઈ ગયા હતા.

એક તરફ દરદીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે ત્યારે અનેક દરદીઓ પાલિકા પાસે એવા આવી રહ્યા છે જેમને ઑક્સિજનની સખત જરૂર હોય છે. આઇસીયુમાં ઍડ્મિટ કરેલા દરેક દરદીને ઑક્સિજનની વધુ પ્રમાણમાં જરૂર પડતી હોય છે. થાણેના પાર્કિંગ પ્લાઝા કોવિડ હેલ્થ સેન્ટરમાં ઑક્સિજનની કમીને કારણે મ્યુનિસિપલ કૉર્પોરેશને ૨૬ દરદીઓને બીજી હૉસ્પિટલ એટલે કે પાલિકાની ગ્લોબલ કોવિડ સેન્ટરમાં ખસેડવા પડ્યા હતા. પાલિકાના ડૉક્ટરોએ જાણ કરતાં કે ઑક્સિજનનો પુરવઠો ઓછો થઈ જશે એટલે તરત જ તબીબો અને પાલિકાના આરોગ્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે અચાનક આ બાબતની અનુભૂતિથી મોટી દુર્ઘટના ટળી હતી.

પાલિકાના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને કોવિડ દરદીઓની સારવાર માટે બાલકુમ ખાતે ગ્લોબલ કોવિડ સેન્ટર અને ઈસ્ટર્ન એક્સપ્રેસવે પર એક પાર્કિંગ પ્લાઝા સેન્ટર સ્થાપ્યું છે. કોવિડના હજારો દરદીઓની સારવાર અત્યાધુનિક હૉસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ઑક્સિજનનો પુરવઠો ઓછો થઈ જશે એવી દહેશતથી સારવાર લઈ રહેલા તમામ દરદીઓને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સમયે તાત્કાલિક ૧૨થી ૧૪ ઍમ્બ્યુલન્સ મગાવવામાં આવી હતી અને દરદીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.’

ઑક્સિજનની ડિમાન્ડ કરાઇ

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સંદીપ માલવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેની કોવિડ હૉસ્પિટલને ઑક્સિજનની તીવ્ર જરૂર છે. આ ઑક્સિજન તળોજા અને અન્ય એક કંપની પૂરો પાડે છે. જોકે તળોજા ખાતે આવેલી કંપનીમાં કેટલીક ટેક્નિકલ ખામી હોવાથી થાણેના કોવિડ સેન્ટરમાં ઑક્સિજનનો સ્ટૉક્સ આવી શક્યો નહોતો. દરદીઓને કોઈ પ્રકારની પરેશાની ન થાય એ માટે અમે ઑક્સિજનવાળા દરદીઓને શિફ્ટ કર્યા હતા. હાલમાં અમે ઑક્સિજન પ્રોવાઇડ કરતી અનેક મોટી કંપનીઓને પત્ર લખીને તેઓ પાસે ઑક્સિજન પૂરો પાડવા માટેની માગણી કરી છે.’

coronavirus covid19 mumbai mumbai news thane mehul jethva