ઘાટકોપરનાં ગુજરાતી મહિલા ડેન્ટિસ્ટ સાથે જબરદસ્ત છેતરપિંડી

18 February, 2026 07:05 AM IST  |  Mumbai | Mehul Jethva

ફક્ત પાંચ હજાર રૂપિયાનો પ્રૉફિટ આપીને પડાવી લેવાયા ૩ કરોડ ૬૨ લાખ પંચાવન હજાર ૬૦૦ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-ઈસ્ટમાં રહેતાં ૬૯ વર્ષનાં નિવૃત્ત ગુજરાતી મહિલા ડૉક્ટર સાથે ઑનલાઇન ઇન્વેસ્ટમેન્ટના બહાને ૧૬,૦૦૦ રૂપિયાના પ્રારંભિક રોકાણ સામે ૫૦૦૦ રૂપિયાનો નફો બતાવીને વિશ્વાસ જીત્યા બાદ ૩,૬૨,૫૫,૬૦૦ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઈસ્ટર્ન સાઇબર સેલે સોમવારે ડૉક્ટર મહિલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ‘કુંજન પટેલ’ના નામે ઓળખ આપનાર મહિલાએ ટૂંક સમયમાં મોટો નફો અપાવવાની લાલચ આપીને ધીમે-ધીમે મોટી રકમ પડાવી લીધી હતી. તાજેતરમાં જ્યારે ડૉક્ટરે પોતાનું રોકાણ પાછું મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે વધુ રકમ ભરવાની માગણી કરવામાં આવી હતી. જોકે એ માટે તેમણે અમેરિકામાં રહેતા પોતાના દીકરા પાસે પૈસા માગ્યા ત્યારે સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ડૉક્ટરની રકમ ૪૬ અલગ-અલગ બૅન્ક-ખાતાંઓમાં જમા કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

શું હતો ઘટનાક્રમ?

નિવૃત્ત ડેન્ટિસ્ટને જાન્યુઆરીની શરૂઆતમાં ‘કુંજન પટેલ’ના નામે વૉટ્સઍપ-કૉલ કરીને ટ્રેડિંગ વિશે માર્ગદર્શન અને તાલીમ આપવાની વાત કરવામાં આવી હતી. કુંજન પટેલ ગુજરાતીમાં વાતો કરતી હોવાથી ડૉક્ટર મહિલા તેની સાથે વાતો કરી ટ્રેડિંગ વિશે માર્ગદર્શન લેવા તૈયાર થઈ હતી.

ત્યાર બાદ ડૉક્ટર પાસે ટેલિગ્રામ ઍપ ડાઉનલોડ કરાવીને ‘હુસેન સર મૅનેજર’ અને ‘અહમદ સર રિસ્ક મૅનેજર’ તરીકે ઓળખાતા લોકોએ ટ્રેડિંગનું માર્ગદર્શન આપ્યું હતું.

આ માર્ગદર્શનના આધારે મહિલાએ શરૂઆતમાં ૧૬,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હતું જેમાં તેમને આરોપીએ તૈયાર કરેલી વેબસાઇટ www.tradgrip.com પર ૫૦૦૦ રૂપિયાનો નફો આપવામાં આવ્યો હતો જે તેમના બૅન્ક-ખાતામાં સીધો જમા થયો હતો. એ પછી ડૉક્ટરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. 

ત્યાર બાદ આરોપીએ તૈયાર કરેલી વેબસાઇટ પર ડૉક્ટરે થોડા-થોડા કરીને કુલ ૩,૬૨,૫૫,૬૦૦ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હતું.

પોતાના પૈસા પાછા મેળવવા માટે મહિલાને અમુક રકમ ભરવાનું કહેતાં ૮ ફેબ્રુઆરીએ પૈસાની જરૂર જણાતાં ડૉક્ટરે અમેરિકામાં રહેતા પોતાના દીકરાનો સંપર્ક કર્યો ત્યારે દીકરાએ તપાસ કરતાં સમગ્ર છેતરપિંડી હોવાનું જાણવા મળ્યું હતું.

આ મામલે ડૉક્ટરે ૧૩ ફેબ્રુઆરીએ સાઇબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ૪૬ અલગ-અલગ બૅન્ક-ખાતાંઓની માહિતી ભેગી કરવાની શરૂઆત કરી છે.

mumbai news mumbai ghatkopar cyber crime Crime News mumbai crime news mumbai police maharashtra news crime branch gujaratis of mumbai gujarati community news