ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચ દુબઈના સ્ટેડિયમમાં જોવાનો ગોલ્ડન મોકો મિસ ન કરાય

24 October, 2021 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યસ, આવું કહેવું છે ખાસ મુંબઈના બોરીવલી, કાંદિવલી, વિલે પાર્લે અને મુલુંડથી દુબઈ આજનો સુપર મુકાબલો જોવા પહોંચેલા નવ ગુજરાતી મિત્રોનું

નવ ગુજરાતી મિત્રો

‘ક્યારે સન્ડે આવે અને અમે બધા ફ્રેન્ડ્સ સ્ટેડિયમનો ગેટ ખૂલે એ પહેલાં જ સ્ટેડિયમ પર પહોંચી જઈએ એટલો ઇન્તેજાર, ઉત્સાહ અને એક્સાઇટમેન્ટ અમારામાં છે. ભારત–પાકિસ્તાન વચ્ચે મુકાબલો હોય તો જોવો તો પડે જને. એમાં પણ સ્ટેડિયમમાં બેસીને મૅચ જોવાનો રોમાંચ અલગ જ હોય છે,’  આવું કહેવું છે પોતાના આઠ દોસ્તો સાથે ખાસ મૅચ જોવા મુંબઈથી દુબઈ પહોંચેલા હેમાંગ શાહનું.

આજે દુબઈના દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટી૨૦ વર્લ્ડ કપની મૅચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો યોજાશે ત્યારે આ એક્સાઇટિંગ મૅચને સ્ટેડિયમમાં બેસીને નજરોનજર નિહાળવા માટે  બોરીવલી, કાંદિવલી, મુલુંડ અને વિલે પાર્લેના નવ મિત્રો હેમાંગ  આશિષ પંચાલ, બંકિમ દોશી, કૌશલ શાહ, રાકેશ છેડા, ધર્મેશ શાહ, મિહિર વોરા, નિખિલ દોશી અને વિશાલ મેરવાણા દુબઈ ગયા છે.

હેમાંગ શાહે વધુમાં કહ્યું હતું કે ‘ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મૅચ રમાવાની હોય ત્યારે આ ગોલ્ડન મોકો મિસ કરાય એમ નથી એટલે અમે નવ મિત્રો ખાસ આ મૅચ જોવા માટે દુબઈ આવ્યા છીએ.’

ક્રિકેટક્રેઝી દોસ્તો સાથે ક્રિકેટ રમ્યા અને સાથે સુપર એક્સાઇટિંગ મુકાબલો જોશે

આજે દુબઈના દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટી૨૦ વર્લ્ડ કપની મૅચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો યોજાશે ત્યારે આ એક્સાઇટિંગ મૅચને સ્ટેડિયમમાં બેસીને નજરોનજર નિહાળવા માટે મિત્રો સાથે મુંબઈથી દુબઈ પહોંચેલા દોસ્તોનો ઉત્સાહ સમાતો નથી.

દુનિયામાં ક્યાંય પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની હોય તો આખા દેશની નજર એના પર જ મંડાયેલી હોય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાનારી ટી૨૦ મૅચ જોવા માટે મુંબઈના કાંદિવલી, બોરીવલી અને મુલુંડથી આઠ મિત્રો દુબઈ પહોંચ્યા છે. આ બધા જ મિત્રો આજે પણ સાથે ક્રિકેટ રમે છે અને હવે એકસાથે સ્ટેડિયમમાં બેસીને ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મોસ્ટ એક્સાઇટમેન્ટ મુકાબલાની મોજ માણશે. સાથે ક્રિકેટ રમતા હોવાથી તેમણે ટી૨૦ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મૅચ જોવા માટે પ્લાનિંગ કર્યું અને આ મુંબઈકરો અત્યારે મુંબઈથી દુબઈ પહોંચી ગયા છે.

છેક દુબઈ જઈને ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મૅચ જોવા માટેની વાત કરતાં હેમાંગ શાહ કહે છે, ‘હું ક્રિકેટનો ફુલ-ઑન ફૅન છું. હું પોતે ક્રિકેટ રમું છું. અમારી યુથ ક્રિકેટ ક્લબ છે જેમાં ૧૫૦ જેટલા સભ્યો છે. અમે લોકલ લેવલે ક્રિકેટ રમીએ છીએ. હું ઑલરાઉન્ડર તરીકે રમું છું. મૅચ જોવા જવા પાછળનું કારણ એ છે કે ભારતમાં તો પાકિસ્તાન સાથે હમણાં કોઈ મૅચ યોજાય એવી શક્યતા દેખાતી નથી અને દુબઈમાં મૅચ છે તો ઑપોર્ચ્યુનિટી મળી છે અને તેય પાછી વર્લ્ડ કપની મૅચ છે એટલે આવી તક કેવી રીતે મિસ કરાય? મને ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ સ્ટેડિયમમાં જોવાનો મોકો મળ્યો નથી અને આ પહેલી વાર તક મળી છે એટલે હું જાઉં છું. ભારત-પાકિસ્તાન વચ્ચે સુપર એક્સાઇટિંગ મૅચ છે એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે સન્ડે આવે અને સ્ટેડિયમના દરવાજા ખૂલે એ પહેલાં જ અમે સ્ટેડિયમ પર પહોંચી જઈશું. આટલો ઉત્સાહ અમારામાં છે.’

મિત્રો સાથે બેસીને ક્રિકેટ મૅચ જોવાની મોજ માણીશું એવી વાત કરતાં હેમાંગ શાહ કહે છે, ‘આ વર્લ્ડ કપની ભારતીય ટીમના બધા જ ક્રિકેટરો મારા ફેવરિટ છે, પણ સૌથી વધુ રોહિત શર્મા મારો સૌથી ફેવરિટ ક્રિકેટર છે. કે. એલ. રાહુલ પણ ફૉર્મમાં છે. વિરાટ કોહલી ફૉર્મમાં નથી, પણ તેય મારો ફેવરિટ ખેલાડી છે.’

વિશાલ મેરવાણાએ તેમના હાથ પર ચિતરાવેલું ક્રિકેટના સ્લોગનનું ટૅટૂ

હાલમાં કોરોનાની મુશ્કેલી ચાલી રહી છે તો વિદેશ જતાં ચિંતા નથી થતી એમ પૂછતાં શૅરબજારનું કામકાજ કરતા હેમાંગ શાહ કહે છે, ‘ના, એવી કોઈ ચિંતા એટલા માટે નથી કે અમે આરટીપીસીઆર કરાવી લીધી છે. ત્યાં પણ કેસ ઓછા છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતના જે નૉર્મ્સ છે એને ફૉલો કરવાના છીએ એટલે એવી કોઈ ચિંતા નથી.’

દેશ-વિદેશમાં ક્લબ ક્રિકેટ રમતા વિલે પાર્લેના વિશાલ મેરવાણા ભારત-પાકિસ્તાનની મૅચને લઈને ખૂબ જ ઉત્સાહી છે. તેઓ કહે છે, ‘લાઇફમાં હું પહેલી વાર ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાનારી મૅચ જોવા જઈશ. દુબઈમાં મેં નૉર્મલ મૅચ જોઈ છે, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મૅચ પહેલી વાર જોઈશ. આ મારો પહેલો અનુભવ બની રહેશે. હું છેલ્લાં ૨૭ વર્ષથી ક્રિકેટ રમું છું. ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા, દુબઈ સહિતના દેશોમાં હું ક્લબ ક્રિકેટ રમી આવ્યો છું. અમારી જેએનએસ ક્લબ છે એમાં અમે ક્રિકેટ રમીએ છીએ. હું ઑલરાઉન્ડર તરીકે ક્રિકેટ મૅચ રમું છું અને લેફ્ટ હૅન્ડર સ્પિનર છું એટલે સ્પોર્ટ્સને એન્જૉય કરું છું. ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચ હોય અને એ પણ વર્લ્ડ કપની મૅચ હોય એટલે ક્રિકેટ રમતા હોય તે દરેક ખેલાડીનું ભારત-પાકિસ્તાનની મૅચ જોવાનું ડ્રીમ હોય. આમ પણ હું માનું છું કે બન્ને દેશો વચ્ચે ભારત કે પાકિસ્તાનમાં મૅચ યોજાય એવા ચાન્સ નથી, પણ અહીં વર્લ્ડ કપની મૅચ છે એટલે બન્ને દેશો એકબીજા સામે મૅચ રમશે. આપણી પહેલી મૅચ છે એટલે એની મજા અલગ રહેશે.’

ક્રિકેટના આ ક્રેઝી ફૅને પોતાના હાથ પર ટૅટૂ પણ કરાવ્યું છે ત્યારે ટીમ ઇન્ડિયાના યંગસ્ટર્સ ક્રિકેટરની વાત કરતાં વિશાલ મેરવાણા કહે છે, ‘આપણી ટીમના રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કે. એલ. રાહુલ અને વિરાટ કોહલી મારા ફેવરિટ ક્રિકેટર છે, પણ જો આ વર્લ્ડ કપમાં મારે ચિયર કરવું હોય તેમ જ બાજી આપણી તરફેણમાં લાવી શકે એવો ખેલાડી હોય તો તે મારા મતે ઈશાન કિશન છે. આ છોકરો રમે તો તેની રમત જોવાની અલગ મજા છે. સૂર્યકુમાર યાદવ જેવા યંગસ્ટર્સને પણ રમતા જોવાની મજા આવશે.’

પોતાના મિત્રો સાથે મૅચ જોવા નહીં જઈ શકવાનો જેમને થોડો રંજ છે તે સચિન શેઠ કહે છે, ‘મારા ફ્રેન્ડ્સ મૅચ જોવા જવાના છે, પરંતુ હું મિત્રો સાથે સ્ટેડિયમમાં બેસીને ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ જોવાનું મિસ કરીશ. જોકે ઘરે રહીને ફૅમિલી સાથે હું ટીવી પર આ મૅચ જોવાનો છું. હું પણ ઑલરાઉન્ડર તરીકે રમું છું. અમારા મિત્રોનું ગ્રુપ છે. અમે નિયમિત આજે પણ ક્રિકેટ રમીએ છીએ.’

mumbai mumbai news borivali kandivli vile parle mulund dubai india pakistan wt20 world t20