અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં ૨૧ જૂનથી શરૂ થશે પૂજાસેવા

07 June, 2023 10:49 AM IST  |  Mumbai | Rohit Parikh

જૈનો માટે ગુડ ન્યુઝ : સુપ્રીમ કોર્ટના ૨૨ ફેબ્રુઆરીના આદેશ પછી માર્ગ મોકળો થયો હતો : શ્વેતાંબરો અને દિગંબરો આ તીર્થમાં અગાઉ નિર્ણય લેવાયા પ્રમાણે પોતપોતાના સમયે પૂજાસેવા કરી શકશે : જોકે આ દરમિયાન બંને પંથોના ભાવિકો દર્શનનો લાભ લઈ શકશે

અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થ

મહારાષ્ટ્રના આકોલા પાસેના શિરપુર ગામમાં જૈનોના અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચેના માલિકીના વિવાદને કારણે ૪૨ વર્ષથી પાર્શ્વનાથ ભગવાનની પૂજાસેવા બંધ કરી દેવામાં આવી હતી અને દેરાસરને તાળાં લાગી ગયા હતા. જોકે ૨૨ ફેબ્રુઆરીના સુપ્રીમ કોર્ટના આદેશથી આ તીર્થમાં ભાવિકો માટે પૂજાસેવાનો માર્ગ મોકળો થયો હતો. ભગવાનની પ્રતિમાના બે લેપ પૂરા થઈ જતાં હવે જૈન ભાવિકો ૨૧ જૂનથી ફરી એક વાર અંતરીક્ષ પાર્શ્વનાથની પૂજાસેવા કરી શકશે. શ્વેતાંબર અને દિગંબર સમુદાયના ભાવિકો અગાઉ જે રીતે પૂજાસેવા કરતા હતા એ જ રીતે પોતપોતાના સમયે પૂજાસેવા કરી શકશે. પૂજાસેવાના સમયે બંને પંથોના ભાવિકો દર્શનનો લાભ લઈ શકશે. શ્વેતાંબરો તરફથી મંગળવાર, ૨૦ જૂનથી તીર્થમાં ‌િત્રદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવાર, ૨૧ જૂને  પૂજાસેવા શરૂ કરતાં પહેલાં શ્વેતાંબરો તરફથી અંતરીક્ષજી પાર્શ્વનાથની મૂર્તિ પર અઢાર અભિષેક કરવામાં આવશે. જૈન સમાજમાં આ સમાચાર પ્રસરતાં જ ભાવિકોમાં હર્ષોલ્લાસ ફેલાયો છે. ચલો અંતરીક્ષજીના નારા સાથે દેશભરના જૈનો અંતરીક્ષજી તીર્થમાં પૂજાસેવા કરવાનો લાભ લેવા માટે આતુર થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અત્યારે અંતરીક્ષજી તીર્થનો વહીવટ શ્વેતાંબર જૈનો સંભાળી રહ્યા છે. 

અંતરીક્ષ તીર્થની વિશેષતા શું છે?
શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષજી તીર્થમાં ૧૧,૮૦,૦૦૦ વર્ષ જૂની ૪૨ ઇંચની શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ છે. આ મૂર્તિ માટી અને ગાયના છાણમાંથી બનાવવામાં આવી હતી. આ મૂર્તિને દેવલોકના દેવ દ્વારા કરવામાં આવી હતી, કોઈ મનુષ્ય દ્વારા નહીં. એ જમીનથી સાત આંગળ ઊંચી રહે છે. એ કોઈ પણ આધાર વિના હવામાં જમીનને સ્પર્શ્યા વગર રહે છે. એની નીચેથી કપડું પસાર થઈ શકે છે.  

કોર્ટનો આદેશ શું છે?
સુપ્રીમ કોર્ટના આદેશ પછી જૈનોના અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થનું મૅનેજમેન્ટ અને મૂર્તિ શ્વેતાંબર પાસે રહેશે એમ જણાવીને શ્વેતાંબર જૈન સમુદાયના ઍડ્વોકેટ હર્ષ સુરાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંતરીક્ષ તીર્થના શ્વેતાંબર અને દિગંબર જૈન સમાજ વચ્ચે ૨૦૦૭ની સાલથી કોર્ટમાં ચાલી રહેલા વિવાદ પર ત્રણ મહિના સુધી સતત સુનાવણી ચાલી હતી. એમાં દિગંબર જૈન સમાજના કોર્ટમાં હાજર રહેલા ત્રણ વકીલોએ કોર્ટ કમિશનરની નિમણૂક કરી સુનાવણીને મોકૂફ રાખીને સમય આપવાની માગણી કરી હતી. જોકે કોર્ટ તરફથી તેમની આ માગણી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ શ્વેતાંબર જૈન સમાજ તરફથી કોર્ટને પૂરેપૂરી જાણકારી આપવામાં આવી હતી. એની સામે સુપ્રીમ કોર્ટે ૨૨ ફેબ્રુઆરીએ આપેલા વચગાળાના આદેશમાં કહ્યું હતું કે અંતરીક્ષજી પાર્શ્વનાથ જૈન તીર્થનું મૅનેજમેન્ટ અને મૂર્તિ શ્વેતાંબરોની રહેશે તેમ જ દિગંબર જૈનો શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચે ૧૯૦૫ના કરાર મુજબ મૂર્તિમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર પૂજા કરી શકશે.’

કોર્ટના આદેશ પછી લેપની શરૂઆત થઈ
કોર્ટના આદેશથી શ્વેતાંબર સમુદાય દ્વારા ગુરુવાર, ૨૩ માર્ચની સવારના શુભ મુહૂર્તથી જીર્ણ થયેલા ભગવાન અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પર લેપની પ્રક્રિયા એટલે કે પ્લાસ્ટરની શરૂઆત થઈ ગઈ હતી. આ પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ ચાલી રહી છે. કોર્ટે જરૂરી લેપની પ્રક્રિયા શ્વતાંબર સુમદાયને તેમની રીતે કરવાની છૂટ આપી હતી. આ લેપની પ્રક્રિયા સ્થાનિક પ્રશાસનના નિરીક્ષણ હેઠળ બે મહિનામાં પૂરી કરવામાં આવી હતી. 

હવે પૂજાસેવાની શરૂઆત
પૂજાસેવાની શરૂઆત ૨૧ જૂને ભગવાનના અઢાર અભિષેકથી કરવામાં આવશે એમ જણાવીને મુંબઈ સમગ્ર જૈન સંઘ સંગઠનના અગ્રણી કાર્યકર અતુલ વ્રજલાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્વેતાંબરો ૧૮ એપ્રિલ ૧૯૮૧થી શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પરમાત્માની પૂજા કરી શકતા નહોતા. હવે તેમના વર્ષો જૂના પૂજાસેવા કરવાના મનોરથ પૂરા થશે. અષાઠી મેઘ અંતરીક્ષમાં વરસશે ત્યારે અંતરીક્ષ પાર્શ્વનાથ દાદાના અઢાર અભિષક થશે. બુધવાર, ૨૧ જૂન ૨૦૨૩ અમારા માટે એક ઐતિહાસિક ક્ષણ બની જશે જ્યારે પરમાત્માની અંગપૂજાનો પ્રારંભ અઢાર અભિષકથી કરવામાં આવશે. પૂજાના પ્રારંભના દિવસે શ્વેતાંબરો તથા દિગંબર પંથના ભાવિકો અગાઉની રીતે જ તેમના સમયે પૂજાસેવા કરશે. એક પંથના પૂજાના સમયે બીજા પંથના અનુયાયીઓ માટે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્વેતાંબર સમુદાય દ્વારા ‌િત્રદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ૨૦ જૂને પાર્શ્વનાથ પ્રભુની પંચકલ્યાણક પૂજા અને ભવ્ય સંધ્યાભક્તિ અને મહાઆરતી, બીજા દિવસે એટલે કે પૂજા પ્રારંભના દિવસે ૨૧ જૂને અઢાર અભિષેક, શાંતિ વિધાન તથા કેસરચંદન વિલેપન વિધાન અને સાંજે મહાઆરતી સાથે સંધ્યાભક્તિ, ત્રીજા દિવસે ગુરુવારે અષ્ટોત્તરી અભિષેક વિધાન, સત્તરભેદી પૂજા, અંગરચના વિધાન, સંધ્યાભક્તિ અને મહાઆરતી યોજાશે.’

સંપર્ક કરો
વ્યવસ્થા બાબતની વધુ માહિતી અને જાણકારી માટે ભાવિકો અંતરીક્ષ પાર્શ્વનાથ સુગમતા પેઢીનો 9049824999 અને 9067546999 નંબર પર સંપર્ક કરી શકશે.

jain community supreme court akola maharashtra mumbai mumbai news rohit parikh