12 June, 2026 07:05 AM IST | Mumbai | Rohit Parikh
ઈસ્ટ ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર ગણેશ શિંદે અને ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી રહેલા જૈન અગ્રણી અને નગરસેવક પ્રવીણ છેડા સાથે ઘાટકોપરના નાગેશ્વર ધામના ટ્રસ્ટી શૈલેશ શાહ (નાગેશ્વર) અને ઍડ્વોકેટ હિત શાહ.
ઘાટકોપર-વેસ્ટની કામા લેનની કૈલાસ ઍવન્યુ સોસાયટીમાં રહેતા મીડિયા-ઇન્ફ્લુએન્સર પ્રસાદ વેદપાઠક સામે ગુનો દાખલ કરવાની માગણી ગઈ કાલે જૈન અગ્રણી અને ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નગરસેવક પ્રવીણ છેડાએ ઘાટકોપરપોલીસ-સ્ટેશનમાં ઈસ્ટ ઝોન-2ના ડેપ્યુટી પોલીસ-કમિશનર ગણેશ શિંદે અને ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ જાધવને એક આવેદનપત્ર આપીને કરી હતી. પ્રસાદ વેદપાઠકે તેની સોસાયટીમાં કરવામાં આવેલા સફેદ પટ્ટાને જૈન જેહાદ કહીને જૈન ધર્મની બદનામી કરી છે એવો પ્રવીણ છેડાનો આરોપ છે. આ મુદ્દે આજે પ્રવીણ છેડા મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને પણ આવેદનપત્ર સુપરત કરીને પ્રસાદ વેદપાઠક સામે ગુનો દાખલ કરવાની માગણી કરશે.
સફેદ પટ્ટા શાને માટે?
જૈનો અનેક વર્ષોથી ચાતુર્માસ દરમ્યાન વરસાદને કારણે જમીન પર બાઝતી લીલથી બચીને જીવદયાનું પાલન કરીને ચાલી શકે એ માટે રસ્તા અને બિલ્ડિંગ-પરિસરમાં ઑઇલ-પેઇન્ટથી સફેદ પટ્ટા દોરે છે. જૈન સાધુઓ ખુલ્લા પગે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને વિહાર કરતા હોય છે. ગરમીમાં જમીન ગરમ થવાથી સફેદ પટ્ટા થોડીક રાહત આપે છે. ચોમાસામાં વરસાદને લીધે લીલ બાઝતી હોવાથી જીવહત્યા થાય છે એટલે સાધુઓ જીવદયા પાળીને તેમના અનુયાયીઓના ઘરે વહોરવા જઈ શકે અને પગલાં કરવા જઈ શકે એ આશયથી પણ તેમના અનુયાયીઓ પરિસરના અમુક ભાગમાં સફેદ પટ્ટા દોરે છે.
ગુજરાતી જૈનો જ શા માટે ટાર્ગેટ?
પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હમણાં-હમણાં મારે નાશિક-ત્ર્યંબકેશ્વર અને મહારાષ્ટ્રનાં અન્ય હિન્દુ મંદિરોમાં દર્શનાર્થે જવાનું થયું હતું. આ મંદિરોમાં પણ સાધુ-સંતોને ચાલવા અને ભાવિકો મંદિરની પ્રદક્ષિણા કરી શકે એ માટે સફેદ પટ્ટા દોરવામાં આવ્યા છે. પ્રસાદ વેદપાઠકે સફેદ પટ્ટાનો વિરોધ કરીને ફક્ત જૈનોની જ નહીં, હિન્દુઓની લાગણી પણ દૂભવી છે. પ્રસાદ વેદપાઠક આ મુદ્દે હોબાળો મચાવ્યા વગર સોસાયટીના સભ્યો સાથે બેસીને શાંતિથી આ બાબતે ચર્ચાવિચારણા કરીને સમાધાન કરી શક્યો હોત, પણ તેણે સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરીને ધાર્મિક વિવાદ છેડ્યો છે. અમે ગઈ કાલે ઘાટકોપરના સિનિયર ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપીને જે વ્યક્તિએ આ વિવાદ ઊભો કર્યો છે તેની માનસિક હાલત તપાસવાની માગણી કરી છે. આ સોસાયટીનો આંતરિક વિષય હોવાથી સોસાયટીની કમિટીમાં ચર્ચા કરીને ઉકેલ લાવી શકાયો હોત. કોઈ એક ધર્મને ટાર્ગેટ કરીને વિનાકારણ વિવાદ ઊભો કરવાથી શું ફાયદો?’
સામાન્ય વિષય વિકરાળ સ્વરૂપે
આ કોઈ ઉપદ્રવી વિષય નથી એમ જણાવતાં પ્રવીણ છેડાએ કહ્યું હતું કે ‘પ્રસાદ વેદપાઠકે વિનાકારણ અલગ-અલગ સોશ્યલ મીડિયા કે માધ્યમો પર આવીને સફેદ પટ્ટાના મુદ્દાને વિકરાળ સ્વરૂપ આપીને સ્થાનિક રહેવાસીઓને મીડિયા સામે કહ્યું હતું કે અમે લગ્નમાં ઢોલ-નગારાં વગાડીએ છીએ, ત્યાં બકરા કાપીએ તો ચાલશે? આવું કહીને જાણીજોઈને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. જૈન લોકો આપણા બધા હિન્દુ તહેવારોમાં સામેલ થાય છે, મહાપ્રસાદનું આયોજન કરે છે અને કોઈ ભેદભાવ રાખતા નથી. જૈનો ગણેશોત્સવ પણ ઊજવે છે છતાં તેણે સફેદ પટ્ટા દ્વારા જૈનો જેહાદ ફેલાવી રહ્યા છે એવો આક્ષેપ કર્યો છે એટલું જ નહીં, કદાચ આ વ્યક્તિને કોઈ ગણકારતું ન હોય એટલે માત્ર વટ બતાવવા ખાતર અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તેણે આ વિષય ઉઠાવ્યો હશે.’
ભારતીય ન્યાય સંહિતા અનુસાર ગુનો
જેમ-જેમ તેને મીડિયા તરફથી સહકાર મળતો ગયો એમ-એમ તે ભાન ભૂલીને કોઈ પણ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપતો હતો અને પટ્ટા પર ઊભો રહીને સફેદ પટ્ટાથી મારો પરિવાર ભયમાં મુકાઈ ગયો છે એમ કહેતો હતો એ સંદર્ભે પ્રવીણ છેડાએ કહ્યું હતું કે ‘સોસાયટીના પરિસરમાં બેસીને હું માંસાહારી ભોજન કરું કે બકરા કાપું તો ચાલશે? હું ગણપતિને માનતો નથી, તમે બધા દેશના કૅન્સર છો એવા પ્રકારની ધમકી આ વ્યક્તિ આપી રહ્યો છે. ભારતીય ન્યાય સંહિતા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિકોમાંથી કોઈ પણ વર્ગની ધાર્મિક ભાવનાઓ પર અત્યાચાર કરવાના પ્રયાસ કરશે, જાણીજોઈને દુષ્ટ હેતુથી બોલીને કે લખીને શબ્દો દ્વારા અથવા સંકેતો દ્વારા અથવા દેખાવો દ્વારા કે ઇલેક્ટ્રૉનિક માધ્યમથી અથવા અન્ય કોઈ પણ રીતે એ વર્ગના ધર્મ અથવા ધાર્મિક શ્રદ્ધાનું અપમાન કરે એ ગુનો બને છે.’
બનાવ શું બન્યો હતો?
ઘાટકોપર-વેસ્ટની કામા લેનમાં જૉલી જિમખાનાની સામે આવેલી કૈલાસ ઍવન્યુ સોસાયટીના રહેવાસીઓએ ચાતુર્માસ બેસતાં જ જૈન સાધુ-સંતો જીવદયા પાળીને તેમના અનુયાયીઓના ઘરે ગોચરી વહોરવા જઈ શકે એ ઉદ્દેશથી સોસાયટીના પરિસરમાં અમુક ભાગમાં સફેદ પટ્ટા દોર્યા હતા. આ જ સોસાયટીના રહેવાસી અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રસાદ વેદપાઠકે આ સફેદ પટ્ટાથી તેની અને તેના પરિવારજનોની લાગણી દુભાઈ છે એવો પ્રચાર કરતો એક વિડિયો ટ્વીટ કરીને પાંચમી જૂને વિવાદ છેડ્યો હતો. તેણે જૈનો પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે આ પટ્ટા મારી પરવાનગી વગર દોરવામાં આવ્યા છે, આ પટ્ટાથી જૈનો જેહાદ ચલાવી રહ્યા છે.