08 September, 2025 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ શનિવારે વાજતે-ગાજતે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં બનેલી અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૪ જણનાં ડૂબીને મોત થયાં હતાં, જ્યારે ૧૩ જણ મિસિંગ હતા. પુણે જિલ્લામાં કુલ ૩ ઘટનાઓમાં ૪ જણ તણાઈ ગયા હતા. બે જણ વાકી ખુર્દમાં ભામા નદીમાં તણાઈ ગયા હતા, જ્યારે એક જણ શેલ પિંપળગાવમાં ડૂબી ગયો હતો. પુણે ગ્રામીણના બિરવાડીમાં એક જણનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી તેનું મોત થયું હતું. આ ચારમાંથી બે જણના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે બાકીના બે જણની શોધ ચાલુ હતી. નાશિકના સિન્નરમાં આવી જ એક અન્ય દુર્ઘટના બની હતી. એમાં ૪ જણ તણાઈ ગયા હતા. એમાંથી એક જણનો જ મૃતદેહ મળી આવ્યો હતો. જળગાવ જિલ્લામાં ૩ જણ તણાઈ ગયા હતા. તેમને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. એ જ રીતે થાણેમાં પણ ૩ જણ તણાઈ ગયા હતા. એમાંથી એક જ જણનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ ઉપરાંત અમરાવતી પોલીસને શંકા છે કે એક મિસિંગ વ્યક્તિ વિસર્જન વખતે તણાઈ ગઈ હોવી જોઈએ. ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓમાં પાણીની સારી આવક થઈ છે અને મોટા ભાગની નદીઓ ફોર્સમાં વહી રહી છે. સાવચેતીની દૃષ્ટિએ અનેક જગ્યાએ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમ અને કેટલીક જગ્યાએ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમને તહેનાત કરવામાં આવી હતી.
વિરારમાં ૩ જણને રો-રો ફેરી સર્વિસની મદદથી બચાવવામાં આવ્યા
વિરારની નારંગી જેટી પાસે ચાલી રહેલા ગણેશમૂર્તિના વિસર્જન વખતે શનિવારે બપોરે ૩ વાગ્યે આ દુર્ઘટના બની હતી. પાલઘર ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે કહ્યું હતું કે ‘એક જણનો પગ લપસી જતાં તે ખાડીમાં પડ્યો હતો. તેને બચાવવા તેના બે મિત્રોએ ખાડીમાં ઝંપલાવ્યું હતું. એ લોકો ખાડીના પ્રવાહમાં જેટીથી દૂર ફેંકાઈ ગયા હતા. તરત જ આ બાબતે મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડના પોર્ટ ઇન્સ્પેક્ટર નવનીત નિજાઈને આ વિશે જાણ કરવામાં આવી હતી. તેમણે તરત જ વિરાર-સફાળે વચ્ચે ખાડીમાં ચાલતી રો-રો ફેરી બોટ સર્વિસનો સંપર્ક કરીને તેમને બચાવ અભિયાન ચલાવવા હાકલ કરી હતી. એથી તરત જ એ બોટ ઘટનાસ્થળે લઈ જવાઈ હતી અને બચવા માટે હવાતિયાં મારી રહેલા ૩ જણને બચાવીને બોટ પર લઈ લેવામાં આવ્યા હતા.’