રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના પાવન સાંનિધ્યમાં ‘ઇમોશનલ ફિટનેસ’ યુવા શિબિર યોજાઈ

11 August, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાગણીઓ પર નિયંત્રણ ન હોવું એ ઇમોશનલ વિકનેસ છે; સમસ્યાનો સામનો કરવો એ જ ઇમોશનલ ફિટનેસ છે - નમ્રમુનિ

આરાધ્ય ભક્તિ પાર્ક ખાતે ‘ઇમોશનલ ફિટનેસ - ટ્રેઇન યૉર માઇન્ડ’ યુવા શિબિર સેંકડો યુવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના પાવન સાંનિધ્યમાં રવિવારે આરાધ્ય ભક્તિ પાર્ક ખાતે ‘ઇમોશનલ ફિટનેસ - ટ્રેઇન યૉર માઇન્ડ’ યુવા શિબિર સેંકડો યુવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ઓવરથિન્કિંગ, ચિંતા, ભાવનાત્મક નબળાઈ, સંબંધો અને મનની સ્થિરતા વિશે પરમ ગુરુદેવે આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે જ્યારે જે પરિસ્થિતિ બદલી ન શકાય ત્યારે અેને સ્વીકારીને પરિસ્થિતિ નહીં, પરંતુ અેના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો એ ઇમોશનલ ફિટનેસ છે. સમસ્યાનો સામનો કરી ઉકેલ શોધવો એ ઇમોશનલ ફિટનેસનું લક્ષણ છે, જ્યારે સમસ્યા સામે રડીને બેસી રહેવું ઇમોશનલ વીકનેસ છે.

સમસ્યાને ઝૂમ-ઇન નહીં,  ઝૂમ-આઉટ કરો
શિબિરમાં મહાસતીજીએ પ્રયોગ દ્વારા સમજાવ્યું કે આપણે ઘણી વાર એક જ સમસ્યાને વારંવાર વિચારતાં અેને મનમાં મોટી બનાવી દઈએ છીએ. અેના બદલે સમસ્યાને ઝૂમ-આઉટ કરીને સકારાત્મક પાસાં જોવાની અને નાની સમસ્યાઓના ઉકેલથી મોટી સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવી જોઈએ.

જનરેશન-ગૅપથી મનની સ્પેસ સુધી
પ્રશ્નોત્તરીમાં યુવાનો અને માતા-પિતા વચ્ચેના વધતા જનરેશન-ગૅપ વિશે પરમ ગુરુદેવે કહ્યું હતું કે ‘માતા-પિતાએ પોતાના વિચારો સંતાનો પર થોપવા નહીં અને સંતાનોએ પણ માતા-પિતાની લાગણીને સમજવી જોઈએ.’ તેમણે દરેક માતા-પિતાને સંતાનોને ડિપેન્ડન્ટ નહીં, પરંતુ ઇન્ડિપેન્ડન્ટ બનાવવાની શીખ આપી હતી. મોબાઇલના ઉપયોગના અતિરેક વિશે તેમણે કહ્યું, મનને રેસ્ટની નહીં, સ્પેસની જરૂર છે. મનને નકારાત્મક વિચારોનું ડમ્પિંગ ગ્રાઉન્ડ ન બનાવવાની સલાહ સાથે ઓવરથિન્કિંગ સામે ધ્યાન, આત્મચિંતન, સંયમિત આહાર, ચોવિહાર અને ઉપવાસ જેવી જૈન જીવનશૈલીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો.

સમાજ ઉત્કર્ષનો સંકલ્પ
શિબિરમાં ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહના જન્મદિવસે નવી સ્મશાનભૂમિના નિર્માણકાર્યના શુભારંભ સાથે ઘાટકોપરવાસીઓને પોતાની શક્તિ પ્રમાણે સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. પરમ ગુરુદેવે પશુ-પક્ષીઓ માટેની હાલની ૩૦૦ ફુટની અૅનિમલ હૉસ્પિટલને ૩૦૦૦ ફુટ સુધી વિસ્તૃત કરવાના પરાગભાઈના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.
શિબિરનો સાર વ્યક્ત કરતાં પરમ ગુરુદેવે સમજાવ્યું કે ઇમોશનલ ફિટનેસ એટલે લાગણીઓથી મુક્ત થવું નહીં, પરંતુ લાગણીઓ પર સંયમ મેળવવો; સમસ્યાથી ભાગવું નહીં, એનો સામનો કરવો અને પરિસ્થિતિને બદલી ન શકાય ત્યારે પોતાના દૃષ્ટિકોણને બદલવો. 

mumbai news mumbai namramuni maharajsaheb jain community gujaratis of mumbai gujarati community news culture news