દેવદિવાળીએ થઈ વેપારીઓની દિવાળી

20 November, 2021 07:44 AM IST  |  Mumbai | Rohit Parikh

નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરતાં એપીએમસીના વેપારીઓમાં ફેલાયું હર્ષોલ્લાસનું વાતાવરણ : બિઝનેસ ઘટવાના અને વેપારનો મૃત્યુઘંટ વાગવાના ડરને બદલે ફરી વેપાર વધવાની જાગી આશા

કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી ગઈ કાલે ગાઝિયાબાદમાં ફટાકડા ફોડી રહેલા ખેડૂતો.   એ.એફ.પી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ મહિના પછી ગઈ કાલે દેવદિવાળીએ ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત કરતાં જ નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના વેપારીઓમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. આ વેપારીઓને આ કાયદો પાછો ખેંચવાથી ફરીથી તેમના વેપારમાં વધારો થશે એવી એક આશા જન્મી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ૬ જૂન ૨૦૨૦માં બહાર પાડવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા કિસાનોની સાથે એપીએમસીના વેપારીઓમાં પણ વિવાદિત રહ્યા હતા. આ કાયદાથી કિસાનો એપીએમસી માર્કેટની બહાર પણ તેમનો માલ વેચી શકે એવી છૂટ મળી હતી. એપીએમસી માર્કેટમાં એપીએમસી સેસ અને એપીએમસીના અન્ય ખર્ચા લાગતા હોવાથી આ માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓના માલની કિંમત વધી જતી હતી. કિસાનો માર્કેટની બહાર સીધો માલ વેચવાથી એપીએમસીના માલના ભાવ અને માર્કેટની બહારના માલના ભાવમાં બહુ મોટી અસમાનતા રહેતી હતી જેને પરિણામે એપીએમસીના વેપારીઓનો બિઝનેસ ૫૦ ટકાથી વધુ ઘટી ગયો હતો. એને કારણે એપીએમસીના વેપારીઓના વેપારનો મૃત્યુઘંટ વાગશે અને આ વેપારીઓની સાથે સંકળાયેલા અન્ય ઘટકોએ બેકારીનો સામનો કરવો પડશે એવો ભય જોવા મળ્યો હતો. આથી કેન્દ્ર સરકારે આવાં ગંભીર પરિણામો સર્જી શકે એવા કાનૂનો એની જીદ અને ઘમંડ છોડીને પાછા ખેંચી લેવા જોઈએ એવો એપીએમસીના દેશભરના વેપારીઓનો મત હતો. 
આ બાબતની જાણકારી આપતાં ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)ના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓમાં ફેલાયેલા તેમના અસ્તિત્વના જોખમના ભયને લક્ષમાં રાખીને અનાજના વેપારીઓની સૌથી જૂની સંસ્થા ગ્રોમાના પદાધિકારીઓએ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સહિત અનેક રાજનેતાઓને આવેદનપત્ર આપીને આ કૃષિ કાયદાનાં ત્રણેય બિલો સામે વિરોધ દર્શાવ્યો હતો. જોકે વેપારીઓને રાજકીય નેતાઓનાં ઠાલાં આશ્વાસનોથી વધુ કંઈ જ મળ્યું નહોતું. એનાથી વેપારીઓ વધુ મૂંઝાયેલા હતા.’ 
ગઈ કાલે કેન્દ્ર સરકારે દેશના કિસાનો અને વેપારીઓની ભાવનાઓનું સન્માન કરીને કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરતા એનાથી એપીએમસી માર્કેટના વેપારીઓને તેમનો વેપાર વધવાના ઊજળા સંજોગો સર્જાતા દેખાયા છે એમ જણાવીને ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘આ પહેલાંની સરકારને પણ આવો કાયદો લાવીને પછી રદ કરવાની ફરજ પડી હતી. કેન્દ્ર સરકારે બિલ પાછાં ખેંચવાના લીધેલા નિર્ણયથી માર્કેટના વેપારીઓમાં ખુશાલી ફેલાઈ છે. એનાથી આ માર્કેટ સાથે જોડાયેલાં અન્ય પરિબળોને પણ આનો લાભ મળશે અને રોજગાર સલામત રહેશે એ જાણતાં જ એ ઘટકો અને પરિબળોમાં પણ હર્ષોલ્લાસ ફેલાયો છે.’  
અમે એપીએમસી માર્કેટના વેપારીઓ ઍગ્રી પ્રોડક્ટ્સના વેપાર સાથે જોડાયેલા અભિગમો સાથે સરકાર સાથે ચર્ચાવિચારણા કરવા તૈયાર છીએ એમ જણાવતાં ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘સરકાર જો વેપારીઓ સાથે વિચારવિનિમય કરીને કોઈ પણ કાયદા ઘડે તો એ લાંબા સમય માટે કાર્યવંત રહી શકે છે. એનાથી વેપારીઓને, કિસાનોને, સમાજને અને દેશને બધાને લાભ મળશે.’

 આ પહેલાંની સરકારને પણ આવો કાયદો લાવીને પછી રદ કરવાની ફરજ પડી હતી. કેન્દ્ર સરકારે બિલ પાછાં ખેંચવાના લીધેલા નિર્ણયથી માર્કેટના વેપારીઓમાં ખુશી ફેલાઈ છે.
ભીમજી ભાનુશાલી, 
ગ્રોમાના સેક્રેટરી

Mumbai mumbai news rohit parikh narendra modi apmc market