ફિટ હૈ તો હિટ હૈ

16 January, 2022 10:11 AM IST  |  Mumbai | Mehul Jethva

મિશન ફિટ અભિયાન હેઠળ ફિટનેસ ટ્રેઇનિંગ લેનારા ૧૦૦ પોલીસોને કોરોનાની ત્રીજી લહેરથી કોઈ અસર નહીં : ફિટનેસ પ્રોગ્રામથી પોલીસોની ઇમ્યુનિટીમાં પણ થયો વધારો

પોલીસ ટ્રેઇનિંગ સમયે યોગ કરી રહેલા અધિકારીઓની ફાઇલ તસવીર

કોરોના સામે લડવા પોલીસને ફિટ રાખવા મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ મિશન ફિટ નામનું એક અભિયાન ચલાવ્યું હતું. એના પહેલા તબક્કામાં પાંચ પોલીસ સ્ટેશનના મોટી બીમારીઓથી પીડાતા ૧૦૦ અધિકારીઓને ફિટનેસ ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. ટ્રેઇનિંગને ત્રણ મહિના પૂરા થતાં કોરોનાની ત્રીજી લહેરમાં આ ૧૦૦ અધિકારીઓ ફિટ હોવાથી આમાંના કોઈને પણ કોરોના થયો નથી.
મુંબઈ પોલીસના ગયા વર્ષે ૧૨૦ કરતાં વધુ અધિકારીઓનાં મૃત્યુ કોવિડને કારણે થયાં હતાં. આમાંના કેટલાક અધિકારીઓ અનફિટ હોવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવતાં મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ મિશન ફિટ નામનું એક અભિયાન જુલાઈ મહિનાથી શરૂ કર્યું હતું. ઘાટકોપર, ચિરાગનગર, પંતનગર, આરસીએફ, ટ્રૉમ્બે, શિવાજીનગર પોલીસ-સ્ટેશનના અનફિટ અધિકારીઓ મળીને કુલ ૧૦૦ અધિકારીઓને ફિટનેસની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. આ અધિકારીઓ ૪૫ વર્ષની ઉપરના હતા અને તેમને બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, હેવી વેઇટ જેવી બીમારીઓ હતી. આવા તમામ અધિકારીઓને ૯૦ દિવસની ફિટનેસ ટ્રેઇનિંગ ડ્યુટી ટાઇમ સાથે આપવામાં આવી હતી. હાલમાં તમામ અધિકારીઓ ફિટ થઈ જતાં કોરોનાની ત્રીજી લહેર આવતાં આમાંના એક પણ અધિકારીને કોરોના થયો નથી. બધા જ અધિકારીઓ પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવી ડાયટ-પ્લાન અને એક્સરસાઇઝની મદદથી ફિટ થઈ ગયા છે.
મુંબઈ પોલીસને ફિટનેસ ટ્રેઇનિંગ આપનાર ડૉક્ટર સાયલી ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પહેલાં ૧૦૦ અધિકારીઓના રોજના રૂટીનની સ્ટડી કરી હતી. એ પછી આ અધિકારીઓનો હેલ્થ-રિપોર્ટ તૈયાર કરીને તેમના માટે ડાયટ-પ્લાન તૈયાર કર્યો હતો. સાથે-સાથે ઘરે જ હલકી એક્સરસાઇઝ કરવાનું કહ્યું હતું. તેમની પાસે સમય ન હોવાનું અમને જણાતાં અમે એવી વસ્તુઓની તેમને ડાયટ આપી હતી જે તેમને ઈઝીલી ક્યાંયથી પણ મળી જાય. આ અધિકારીઓને અઠવાડિયામાં એક વાર મળવાનું થાય ત્યારે તેમના ડાયટ-પ્લાનમાં અને એક્સરસાઇઝમાં બદલાવ કરવામાં આવતો હતો જેથી આવતા દિવસોમાં તેમની રોગપ્રતિકારક શક્તિ વધી શકે. હાલમાં ભલે ટ્રેઇનિંગનો ભાગ પૂરો થઈ ગયો છે, પણ જરૂરી સૂચનાઓ અમે પોલીસ-અધિકારીઓને આપીને તેમને ફિટ બનાવી રહ્યા છીએ. અમે બે દિવસ પહેલાં તમામ અધિકારીઓનો સંપર્ક કરીને તેમને કોવિડ થયો છે કે નહીં એની માહિતી મેળવી હતી. એમાં ટ્રેઇનિંગ લીધેલા એક પણ અધિકારીને કોવિડ થયો નથી એવી માહિતી અમારી સામે આવી હતી.’
ફિટનેસ ટ્રેઇનિંગમાં ભાગ લેનાર કૉન્સ્ટેબલ અનિલ સાંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પોલીસ-સ્ટેશનમાંથી ૨૦ અધિકારીઓએ ટ્રેઇનિંગ લીધી હતી. એમાંના એક પણ અધિકારીને કોવિડની ત્રીજી લહેરે સ્પર્શ કર્યો નથી. કમિશનરસાહેબે અમારી ટ્રેઇનિંગ માટે આટલી તૈયારી દેખાડી ત્યારે અમારું પણ કર્તવ્ય છે કે હવે આગળ અમે અમારી ફિટનેસ બરોબર જાળવી રાખીએ. હું રોજ સવારે નિયમિત એક્સરસાઇઝ કરું છું અને સાથે-સાથે સમય પ્રમાણે ભોજન અને નાસ્તો પણ કરું છું તથા પ્રોટીન મળે એવી વસ્તુઓ પણ ખાઉં છું.’

coronavirus covid19 mumbai mumbai news mehul jethva mumbai police