જનઆસ્થાનો વિજય : કોર્ટે પાર્લાના જૈન મંદિરના સ્થળે કામચલાઉ શેડ બાંધવાની મંજૂરી આપી દીધી

19 May, 2025 06:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદની ઋતુ દરમ્યાન પૂજાસ્થળ સુરક્ષિત રહે અને ભક્તો માટે દર્શન સરળ બને એ માટે એક શેડ બનાવવામાં આવી રહ્યો છે. આ બાંધકામના સ્થળેથી ધાર્મિક કાર્યક્રમો નિયમિત ચાલુ રહી શકશે

પ્રતીકાત્મક તસવીર

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કોર્ટે વિલે પાર્લે-ઈસ્ટમાં જૈન સમુદાયના ધાર્મિક સ્થળ પર કામચલાઉ શેડ બનાવવાની મંજૂરી આપી છે. આ નિર્ણયને આ કેસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્‍નરૂપ માનવામાં આવે છે, જે શ્રદ્ધા અને કાનૂની માધ્યમો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શ્રદ્ધાળુઓ માટે આશાનું કિરણ છે.

આ આદેશ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના K-પૂર્વ વિભાગ દ્વારા શેડના બાંધકામ માટે તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું છે. વરસાદની ઋતુ દરમ્યાન પૂજાસ્થળ સુરક્ષિત રહે અને ભક્તો માટે દર્શન સરળ બને એ માટે એક શેડ બનાવવામાં આવી રહ્યો છે. આ બાંધકામના સ્થળેથી ધાર્મિક કાર્યક્રમો નિયમિત ચાલુ રહી શકશે. આ શેડ માત્ર એક રક્ષણાત્મક પગલું જ નહીં, જૈન સમુદાયની શ્રદ્ધા અને લાગણીઓનું રક્ષણ કરવાનો પણ એક મહત્ત્વપૂર્ણ ભાગ હશે. આ પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાના પ્રયાસો એમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના હસ્તક્ષેપ અને સતત ફૉલો-અપને કારણે જ જૈન સમુદાય માટે સકારાત્મક બાબતો બની રહી છે. થોડા દિવસ પહેલાં આ સ્થળે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, જેને કારણે સ્થાનિક જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે તેમણે શાંતિથી પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

મંગલ પ્રભાત લોઢાએ આ નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ‘આ ફક્ત ધાર્મિક શ્રદ્ધાનો મામલો નથી, પરંતુ જાહેર આસ્થાના વિજયની નિશાની છે. અમે જૈન ભાઈઓની લાગણીઓનો આદર કર્યો છે અને તેમના પડખે ઊભા રહ્યા છીએ. આ નિર્ણય તેમની શ્રદ્ધાને સમર્થન આપે છે.’

કોર્ટના આ નિર્ણયથી વિલે પાર્લે-ઈસ્ટના જૈન સમુદાય અને સ્થાનિક નાગરિકોમાં સંતોષની ભાવના આવી છે અને શ્રદ્ધા તથા ન્યાય વચ્ચે સંતુલન જાળવવાનું એક સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

૩ સામાજિક સંસ્થાઓએ એક વ્યંડળ સહિત ૪ મહિલાઓને ઈ-રિક્ષા આપી

સામાજિક ઉત્થાન અને પર્યાવરણની જાળવણી બદલ સભાનતા દર્શાવવાના પગલારૂપે થાણેની ત્રણ સામાજિક સંસ્થાઓએ પાંચ ઈ-રિક્ષા (ઇલેક્ટ્રિક રિક્ષા) મહિલાઓને આપી હતી, જેમાંથી એક વ્યંડળ છે. વ્યંડળો સમાજના પ્રવાહમાં ભળી શકે અને આત્મસન્માનથી આજીવિકા રળીને પોતાનું ભરણપોષણ કરી શકે એવા ઉમદા ઇરાદા સાથે આ પગલું લેવામાં આવ્યું હોવાનું સામાજિક સંસ્થાઓએ જણાવ્યું હતું. એની સાથે જ પર્યાવરણનું પણ નુકસાન ન થાય એ માટે ઈ-રિક્ષા આપવામાં આવી છે. સંસ્થા દ્વારા એ મહિલાઓને આ માટે ડ્રાઇવિંગની ટ્રેઇનિંગ આપવામાં આવશે. એની સાથે જ લાઇસન્સ અને પરમિટ મેળવવામાં પણ મદદ કરવામાં આવશે.

jain community vile parle mumbai high court religion religious places brihanmumbai municipal corporation news mumbai mumbai news monsoon news mumbai monsoon