નવી મુંબઈના દુકાનદારોમાં અને એપીએમસીના વેપારીઓમાં ફફડાટ

12 April, 2021 09:21 AM IST  |  Mumbai | Rohit Parikh

સુધરાઈએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને કોવિડના નિયમનું પાલન ન કરનાર પાસેથી દંડ વસૂલ કરવાની કરી શરૂઆત

તુર્ભેના એક દુકાનદાર પાસેથી નવી મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ કાલે વસૂલ કરેલા દંડની રસીદ

કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા દુકાનદારોની દુકાનો સીલ કરવાની કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાની કડક કાર્યવાહી બાદ નવી મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડના નિયમોનું પાલન ન કરનાર દુકાનદારો પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવાની શરૂઆત કરતાં નવી મુંબઈના દુકાનદારો અને એપીએમસીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ બનાવ તુર્ભેના એક જનરલ સ્ટોરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય કોવિડના નિયમોનું પાલન ન કરી રહેલા સ્ટોરના ૧૦ કર્મચારીઓ પર મહાનગરપાલિકાએ ગુરુવાર ૮ માર્ચે દંડાત્મક કાર્યવાહી કર્યા બાદ પ્રકાશમાં આવ્યો હતો. મહાનગરપાલિકાની સ્ક્વૉડે આ દુકાનદાર પાસેથી એક વ્યક્તિના ૧૦૦૦ રૂપિયા લેખે ૧૦ વ્યક્તિના ૧૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કર્યો ૈહતો.  ‍

અમે કોવિડના નિયમો અને કરફ્યુના નિયમોનું કડક પાલન નહીં કરતા લોકો પર દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે એમ જણાવીને નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અભિજિત બાંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવી મુંબઈમાં કોરોનાના કેસમાં જબરો વધારો થઈ રહ્યો છે. આજે પણ સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો ખુલ્લેઆમ કરફ્યુના નિયમો અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેથી અત્યારના ગંભીર સમયને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા કોવિડ ઍક્ટ મુજબ અમારી સ્ક્વૉડ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. આ દંડાત્મક કાર્યવાહીમાંથી જીવનાવશ્યક વસ્તુઓની દુકાનોને પણ બાકાત રાખવામાં આવશે નહીં.’ 

ગયા અઠવાડિયે કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાએ કલ્યાણની ૩૦થી વધુ દુકાનોને કોવિડના નિયમોનું પાલન ન કરવા બદલ સીલ કરી છે.

મહાનગરપાલિકા અને સરકારની આ દંડાત્મક કાર્યવાહીથી નવી મુંબઈના દુકાનદારો બહુ મોટી આર્થિક મુસીબતમાં મુકાઈ જશે અને દુકાનના કર્મચારીઓ સ્થળાંતર કરી જશે, એવો ભય વ્યક્ત કરતાં સ્થાનિક દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક દુકાનમાં પાંચથી વધુ કર્મચારીઓ એ એક સામાન્ય બાબત છે. દુકાનમાં પાંચથી વધુ માણસો પર જ મહાનગરપાલિકા દંડાત્મક કાર્યવાહી કરશે તો પહેલાં તો દુકાનદારોએ તેમના કર્મચારીઓમાં ઘટાડો કરવા માટે કર્મચારીઓને બરતરફ કરવા પડશે. આ પહેલાં પ્રથમ લૉકડાઉનમાં જ અનેક લોકોએ તેમની નોકરી ગુમાવી છે. હવે તેમને નોકરી મળતી નથી. તેઓ બેરોજગાર બની ગયા છે.’

દર વખતે વેપારીઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે એવો આક્રોશ વ્યક્ત કરતાં આ દુકાનદારોએ કહ્યું હતું કે ‘આજે પણ મૉડર્ન રીટેલ સ્ટોરમાં અનાજ અને જનરલ આઇટમ ખરીદવા માટે લોકોની ભીડ જામે છે. આ સ્ટોર પર મહાનગરપાલિકા કોઈ જ દંડાત્મક કાર્યવાહી કરતી નથી. ત્યાં કોવિડના બધા જ નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં આવા સ્ટોર બિન્દાસ કોઈના ડર વિના અત્યારે ધમધમી રહ્યા છે. શું કાયદો ફક્ત નાના દુકાનદારો માટે જ સરકારે બનાવ્યો છે. ઑલરેડી અમે પહેલા લૉકડાઉનમાં જ આર્થિક ભીંસમાં આવી ગયા છીએ અનેક ભાડાની દુકાનોમાં બિઝનેસ કરી રહેલા વેપારીઓ તો મુંબઈ છોડીને જતા રહ્યા છે. આમ જ ચાલશે તો દુકાનદારો તેમનો બિઝનેસ કેવી રીતે ચલાવશે. ખેડૂતો પછી હવે નાના દુકાનદારો આત્મહત્યા તરફ વળશે એવો ભય લાગી રહ્યો છે.

સરકારે આવા નિયમ ઘડતાં પહેલાં વ્યાપારી અસોસિએશનોને વિશ્વાસમાં લેવાં જોઈએ એ સંદર્ભે દુકાનદારોએ કહ્યું હતું કે ‘સરકારી અધિકારી બધા જ કાયદા મનસ્વી રીતે બનાવે છે અને સરકાર એને આમજનતા પર ઠોકી દે છે એ સરાસર વેપારીઓ પર અન્યાય છે. સરકારની તિજોરી વેપારીઓ ટૅક્સ વસૂલ કરીને ભરી આપે છે, પણ એ જ વેપારીઓની બદતર હાલત વખતે એકેય રાજકીય પાર્ટી તેમના પડખે ઊભી રહેતી નથી.’

coronavirus covid19 mumbai mumbai news navi mumbai apmc market rohit parikh