મહારાષ્ટ્રમાં દર્શકો વિના આઇપીએલની મૅચો રમાશેઃ ઉદ્ધવ કૅબિનેટની મંજૂરી

12 March, 2020 07:38 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં દર્શકો વિના આઇપીએલની મૅચો રમાશેઃ ઉદ્ધવ કૅબિનેટની મંજૂરી

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર કૅબિનેટે આવનારી આઇપીએલની ૧૩મી સીઝનની મૅચો માટે મંજૂરી આપી દીધી છે, પણ દર્શકો વિના. કોરોના વાઇરસને ફેલાવવાથી રોકવા માટે કૅબિનેટે આ નિર્ણય લીધો છે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મુંબઈમાં આઇપીએલની દરેક મૅચો દર્શકો વિના યોજાશે. આ પ્રપોઝલ પર સ્ટેટ મીટિંગની કૅબિનેટમાં ચર્ચા થઈ છે. આશા છે કે સરકાર ટૂંક સમયમાં તેને લઈને વિધાનસભામાં નિવેદન બહાર પાડશે. આઇપીએલની પહેલી મૅચ ૨૯ માર્ચના રોજ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.

મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ વાઇરસના દસ મામલાની પુષ્ટિ થઈ છે જેને લઈને સરકારે આઇપીએલને લઈ ચર્ચા કરી છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમે કોરોના વાઇરસને કારણે દરેક રીતની સાવચેતી રાખી રહ્યા છે. અમે નિર્ણય લીધો છે કે રાજ્યમાં હવેથી કોઈ પણ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. તેની સાથે જ અમારી લોકોને અપીલ છે કે તેઓ ભીડવાળી જગ્યાએ જાય નહીં.

કૅબિનેટ મીટિંગમાં આઇપીએલ બાબતે ચર્ચા થઈ અને સાથે જ નિર્ણય લેવામાં આવ્યો છે, આઇપીએલ ટૂર્નામેન્ટને ત્યારે જ પરવાનગી મળશે જ્યારે દર્શકોને ટિકિટ વેચવામાં આવશે નહીં.

આ પણ વાંચો: પુણે બાદ કોરોનાની મુંબઈમાં ઍન્ટ્રી : બે પેશન્ટના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ

વિધાનસભાનું અધિવેશન જલદી પૂરું કરાશે : ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર વતી કોરોના વાઇરસની આપત્તીનો સામનો કરવા માટેની તમામ તૈયારીઓ દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘પરદેશમાંથી આવનારા તમામની ચકાસણી કરવામાં આવી રહી છે. તમામ લોકપ્રતિનિધિઓને તેમના મતદાર વિભાગમાં જવા માટે જણાવ્યું છે. હાલમાં સ્કૂલોમાં રજા આપવાનો વિચાર નથી. જરૂર પડે તો જ રજા જાહેર કરવામાં આવશે. હાલમાં દસમાની પરીક્ષા ચાલી રહી છે એથી બે દિવસ રોકાયા બાદ જ સ્કૂલમાં રજાનો નિર્ણય લેવાશે. તમામ લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. ખાંસી-શરદી હોય તો રૂમાલ વાપરો. વિધાનસભાનું અધિવેશન હાલમાં ચાલુ છે એને ઝડપથી શનિ અથવા રવિવારે પૂરું કરવામાં આવશે.’

uddhav thackeray coronavirus indian premier league mumbai news maharashtra