આને કહેવાય ખરી હિંમત : હૉસ્પિટલોએ ના પાડી તો ઘરે 99 વર્ષનાં બાને સાજાં કર્યાં

12 May, 2021 07:44 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપરનાં નીલમ ભટ્ટને ૯૯ વર્ષનાં કોરોનાગ્રસ્ત સાસુને હૉસ્પિટલ એકલાં મૂકવા નહોતાં અને હૉસ્પિટલ તેમને સાથે રાખવા તૈયાર નહોતી. અધૂરા પૂરું દીકરાને પણ કોરોના થયો. નીલમબહેને હિંમત હાર્યા વિના બંનેની સારવાર ઘરે જ કરાવી અને આજે બંને કોરોના-મુક્ત છે

ઘાટકોપરનાં કોરોનાને મહાત કરવામાં સફળ રહેલાં નિર્મળાબહેન ભટ્ટ તેમના પુત્ર મહેશ ભટ્ટ, પુત્રવધૂ નીલમ ભટ્ટ, તેમની પૌત્રી કોમલ અને ચાર મહિનાની દોહિત્રી સાથે.

મુંબઈમાં સેકન્ડ વેવમાં બહુ ઓછા સમયમાં કોરાનાના કેસ વધી રહ્યા હતા. ચારે બાજુ હૉસ્પિટલોમાં કોરાનાના પેશન્ટોને બેડ મળતા નહોતા. લોકો ભયભીત બની ગયા હતા. આવા સંજોગોમાં અનેક હૉસ્પિટલોની રઝળપાટ પછી હૉસ્પિટલમાં ઍડ્મિશન ન મળતાં ઘાટકોપર (વેસ્ટ)ના માણેકલાલ એસ્ટેટની એક પુત્રવધૂએ હિંમત કરીને પરિવારજનોની સંમતિથી તેમનાં ૯૯ વર્ષનાં સાસુ નિર્મળાબહેન ભટ્ટને હોમ-ક્વૉરન્ટીન કરીને કોરોનામુક્ત કરવામાં સફળતા મેળવી હતી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે બે બેડરૂમ હૉલ કિચનના ફ્લૅટમાં બે પૉઝિટિવ પેશન્ટોની વચ્ચે આ પુત્રવધૂની એક પુત્રીની ચાર મહિના પહેલાં જ ડિલિવરી થઈ હતી, જે તેની પુત્રી સાથે મમ્મીને ત્યાં જ હતી. આમ છતાં પરિવારજનોના સાથ-સહકારને કારણે પુત્રવધૂ સાસુને કોરાનામાંથી મુક્ત કરવાની લડત આપવામાં સફળ રહી હતી. સાસુને તો કોરોના હતા ત્યાં તેમના દીકરા મહેશભાઈને પણ કોવિડ થયો હતો. નિર્મળાબહેનનો આવી રહેલી ૨૬ જૂને ૧૦૦મા વર્ષમાં પ્રવેશ થશે.

નિર્મળાબહેન ભટ્ટની ૧૩ એપ્રિલના ગુડી પાડવાના દિવસે તબિયત બગડી હતી. તેમને ડાયેરિયા થયો હતો. તેમનું ઑક્સિજન લેવલ ૮૫ થઈ ગયું હતું. ત્યાર પછી તેમને કોવિડ પૉઝિટિવ ડિટેક્ટ થયું હતું. એટલે તેમનાં પુત્રવધૂ નીલમ મહેશ ભટ્ટ તેમ જ પૌત્રો-પૌત્રી અને પ્રપૌત્રો નિર્મળાબહેનને હોસ્પિટલમાં દાખલ કરવા માટે એ દિવસે સવારથી જ ઍમ્બ્યુલન્સ અને પોતાના વાહન મારફત હીરાનંદાની, હિન્દુજા અને ક્રિટિકૅર હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં, પણ તેમને ઍડ્મિશન મળ્યું નહોતું. નિર્મળાબહેનને છ પુત્રો અને એક પુત્રી સાથે ૬૦ સભ્યોનો પરિવાર છે. તેમનાં બધાં જ પુત્રો અને પુત્રી મુંબઈમાં જ રહે છે. આ બધા જ પરિવારના સભ્યો અલગ-અલગ ઉપનગરોમાં રહેતા હોવા છતાં જરૂરિયાતના સમયે તન, મન અને ધનથી એકબીજાની સાથે જ હોય છે.

આ બાબતની માહિતી આપતાં નિર્મળાબહેનનાં બીકૉમ ગ્રૅજ્યુએટ અને ગ્રાન્ટ રોડની એક કંપનીમાં નોકરી કરતાં પુત્રવધૂ નીલમ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ભાગદોડ દરમ્યાન મારા એક દિયરની ઓળખાણથી અમને અંધેરીની ક્રિટિકૅર હૉસ્પિટલમાં ઍડ્મિશન મળી ગયું હતું, પરંતુ હૉસ્પિટલના કાયદા પ્રમાણે મને મારી સાસુ સાથે રહેવાની પરવાનગી આપવા તૈયાર નહોતા. મેં હૉસ્પિટલને કહ્યું કે હું તમારા બધા જ નિયમોનું પાલન કરવા તૈયાર છું, પણ મારાં સાસુ બીજાની કોઈ ભાષા નહીં સમજી શકે એટલે મારું તેમની સાથે રહેવું ખૂબ જ જરૂરી છે. હું પીપીઈ કિટ પહેરીને રહેવા પણ તૈયાર છું. જોકે હૉસ્પિટલવાળાએ મારાં સાસુ સાથે તેમની સારસંભાળ રહેવા મને રાખવાની પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અમારો પરિવાર મૂંઝવણમાં આવી ગયો હતો. અમે કોઈ સંજોગોમાં મારી સાસુને હૉસ્પિટલના સ્ટાફના ભરોસે રાખી શકીએ એમ નહોતા. મારી હાજરી તેમના માટે મૉરલ સપૉર્ટ સમાન હતી. તેમની કોઈ પણ બીમારી સમયે હું હંમેશાં તેમની સાથે સારવાર માટે રહેતી હતી. આથી તેમને મારું અટૅચમેન્ટ પણ વધારે હતું. મારે પણ તેમને એકલાં મૂકવા નહોતાં. આથી મેં મારા પરિવારજનોને કહ્યું કે આપણે તેમને ઘરે જ લઈ જઈએ, તેમને હોમ-ક્વૉરન્ટીન કરીને હું તેમની સેવા કરીશ અને તેમને કોરાનામુક્ત કરીશ.’ 

નિર્મળાબહેનના વિલ પાવર અને કસાયેલા શરીરના સંદર્ભમાં નીલમ ભટ્ટે કહ્યું હતું કે ‘મારાં સાસુ ૧૨ વર્ષની નાની ઉંમરે પરણીને આવ્યાં હતાં. ત્યારથી તેઓ ખેતીવાડી કરતાં હતાં. એની સાથે દિવસનું સુવાવડના સમયમાં પણ ૨૦ લિટર દૂધ દોહતાં હતાં. તેઓ અત્યાર સુધીમાં ફક્ત ત્રણ વાર નાની-મોટી બીમારીમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ થયાં છે. બાકી એકદમ તંદુરસ્ત છે.’ 

ભાભીનો આત્મવિશ્વાસ અને તેમની હિંમત ગજબની હતી એમ જણાવતાં તેમના દિયર અને ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પદાધિકારી ભરત ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાભીની આ સમયમાં મારાં મમ્મીને કારોના હોવા છતાં તેમની સેવા કરવાની તૈયારી જોઈને પરિવારે નિર્ણય લીધો કે ભાભીની સાથે મમ્મીની સેવા-ચાકરી માટે એક ખાનગી નર્સ રાખી લેવાની અને ડૉક્ટરને વિડિયો કૉન્ફરન્સથી કન્સલ્ટ કરવાના. અમે આ નિર્ણય લઈને મમ્મીને પાછાં મહેશભાઈના ઘરે માણેકલાલ એસ્ટેટમાં લઈ આવ્યા હતા. મમ્મીની સાથે મહેશભાઈ પણ કોરોના પૉઝિટિવ ડિટેક્ટ થયા હતા. અમે હિંમત કરીને મમ્મીને ઘરે તો લાવ્યા હતા, પરંતુ અમારા માટે બીજી એક સમસ્યા હતી. મારી ભત્રીજી એટલે કે ભાભીની માટુંગામાં રહેતી દીકરી કોમલ તેના સીમંત પછી ડિલિવરી માટે ભાભીના ઘરે આવી હતી. તેને ડિલિવરી થયાને ચાર મહિના જ થયા હતા. કોમલને ચાર મહિનાની પુત્રી છે. આ પરિસ્થિતિમાં ભાભી કેવી રીતે મમ્મીને અને ભાઈને સાચવશે? કેવી રીતે કોમલનું ધ્યાન રાખશે? જોકે નીલમભાભીનો આત્મવિશ્વાસ ઝાંસીની રાણી જેવો હતો. તેમણે કહ્યું કે સહેજ પણ ચિંતા નહીં કરતા, હું બધાને સાચવી લઈશ. એમાં ભાભી સફળ પણ રહ્યાં હતાં. સેવાની સાથે નીલમભાભી તેમના જૉબનું પણ ઑનલાઇન કામ કરતાં હતાં. મમ્મી ૧૪ દિવસ હોમ-ક્વૉરન્ટીન અને ૭ દિવસ આઇસોલેશનના પૂરા કરીને બુધવાર, પાંચ મેએ કોરાનામુક્ત બની ગયાં હતાં.’ 

આ મારી નહીં, આખા પરિવારજનોએ મમ્મીના સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે કરેલી પ્રાર્થના અને સાથ-સહકારનું પરિણામ છે એમ જણાવતાં હરખનાં આંસુ સાથે નીલમ ભટ્ટે કહ્યું હતું કે ‘અમારા પરિવારના સંપ અને સહકાર વગર આ શક્ય ન બન્યું હોત. મારી એકલીની હિંમત નહીં, આખા પરિવારની હિંમતને કારણે અમારાં મમ્મી આજે કોરાનામુક્ત બન્યાં છે. આ જ જુસ્સા સાથે મમ્મી ૨૬ જૂને સ્વસ્થ બનીને તેમના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરશે.’ 

નિર્મળાબહેન ભટ્ટની કોરાના સામેની લડત અને તેમના પરિવારજનોની સેવા સંબંધી માહિતી આપતાં નિર્મળાબહેનને કોરાનામાંથી મુક્ત કરનારાં અને સેવન હિલ્સના કોવિડ ડિપાર્ટમેન્ટ તથા અન્ય કોવિડ સેન્ટરો સાથે સંકળાયેલાં ઘાટકોપરનાં ડૉ. તન્વી ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમના સીટી સ્કૅન રિપોર્ટમાં માઇલ્ડ કો‌વિડ ઇન્ફેક્શન હતું, પરંતુ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને પરિવારજનો તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા માગતા હતા. જોકે ઍડ્મિશન ન મળતાં તેમણે મારો સંપર્ક કર્યો હતો. સારવાર દરમ્યાન તેમનું ઑક્સિજન લેવલ ક્યારેક વધઘટ થતું હતું. એક સમયે અમારે તેમને ઘરમાં જ રોજના ચાર લિટર ઑક્સિજન સપોર્ટ પર રાખવા પડ્યા હતા, પરંતુ તેમનો વિલ પાવર સ્ટ્રૉન્ગ હતો. મેં તેમની સેવામાં એક નર્સ આપી હતી જે ઇન્જેક્શન અને દવા આપવાનું કામ કરતી હતી. આજે કોરાનાના સમયમાં કોરાનાના દરદીથી બધા જ દૂર ભાગે છે ત્યારે નીલમ અને ભટ્ટ પરિવારજનોએ નીડર બનીને હિંમતભેર નિર્મળાબહેનને હોમ-ક્વૉરન્ટીન કરીને કોરાનામુક્ત કર્યાં એ ખરેખર દાદ આપવાને લાયક છે.’ 

mumbai mumbai news coronavirus covid vaccine covid19 vaccination drive ghatkopar rohit parikh