ચેઇન-સ્નૅચરને ઘાટકોપરનાં ૭૪ વર્ષનાં ગુજરાતી મહિલાએ પકડાવી દીધો

17 April, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાછળથી આવીને બદમાશે ધક્કો મારીને મહિલાને પાડી દીધાં અને ચેઇન આંચકી લીધી, પણ ઊભાં થઈને ગભરાયા વગર ચોર-ચોરની બૂમો પાડીને તેમણે નજીકમાં પૅટ્રોલિંગ કરતી પોલીસને અલર્ટ કરી

સિનિયર સિટિઝન મહિલાની હિંમત બાદ ધરપકડ કરવામાં આવેલો મોહમ્મદ અલી શૌકત અલી મિર્ઝા.

ઘાટકોપર-ઈસ્ટના પુષ્પાવિહાર જંક્શન નજીક ૭૪ વર્ષની ગુજરાતી મહિલાની ત્રણ તોલાની સોનાની ચેઇન ખેંચીને નાસી જવાનો પ્રયત્ન કરનાર ૧૯ વર્ષના મોહમદ અલી શૌકત અલી મિર્ઝાની પંતનગર પોલીસે બુધવારે ધરપકડ કરી હતી, જ્યારે તેના સાથીદારની શોધખોળ ચાલી રહી છે. ગારોડિયાનગરની એક સોસાયટીમાં રહેતાં ફરિયાદી મહિલાને બુધવારે સવારે એક જેણે ધક્કો મારીને તેમના ગળામાંથી સોનાની ચેઇન છીનવીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ ‘ચોર-ચોર’ની બૂમો પાડતાં પૅટ્રોલિંગ કરી રહેલી પોલીસનું ધ્યાન ગયું હતું અને એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી, જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે તિલકનગર અને ચેમ્બુર વિસ્તારમાં પણ ચેઇન-સ્નૅચિંગની બે ઘટના બની હતી એમાં આ જ આરોપીની સંડોવણી હોવાની શક્યતા છે. આમ ગુજરાતી મહિલાની હિંમતને કારણે પોલીસને રીઢા ગુનેગાર સુધી પહોંચવામાં મદદ મળી હોવાનું જણાવીને પોલીસે પણ સિનિયર સિટિઝન મહિલાના સાહસને બિરદાવ્યું હતું.

શું ઘટના બની હતી?
ઘાટકોપરના ગારોડિયાનગરની એક સોસાયટીમાં રહેતાં ગુજરાતી સિનિયર સિટિઝન મહિલાએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સવારે ૬.૩૫ વાગ્યે રોજની જેમ વૉક માટે નીકળી હતી ત્યારે પુષ્પાવિહાર જંક્શન નજીક એક યુવકે પાછળથી આવી મને ધક્કો મારીને મારા ગળામાંથી સોનાની ચેઇન છીનવી લીધી હતી. ત્યાર બાદ તે પોતાના સાથીદાર સાથે મોટરસાઇકલ પર બેસીને નાસવાનો પ્રયાસ કરવા માંડ્યો હતો, પરંતુ મેં તરત જ ઊભી થઈને ‘ચોર-ચોર’ની બૂમાબૂમ કરી મૂકી હતી જેને કારણે નજીક પૅટ્રોલિંગ કરી રહેલી પોલીસનું ધ્યાન ગયું હતું. પોલીસે તરત જ મોટરસાઇકલ પર ભાગી રહેલા આરોપીઓનો પીછો કર્યો હતો. આ દરમ્યાન એક આરોપીને પકડી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી મારી ત્રણ તોલાની સોનાની ચેઇન પણ મળી આવી છે. આ ઘટનામાં મને ગળામાં ઈજા થઈ હતી એથી પછીથી રાજાવાડી હૉસ્પિટલમાં મેં પ્રાથમિક સારવાર લીધી હતી.’

શું કહેવું છે પોલીસનું?
પંતનગર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુથારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિનિયર સિટિઝન મહિલાની જબરદસ્ત હિંમતથી અમારી ટીમે એક આરોપીને ઝડપી લીધો છે. આ કેસમાં અમે તેના સાથીદારને શોધી રહ્યા છીએ. બુધવારે સવારે તિલકનગર પોલીસ-સ્ટેશનની હદમાં પણ બે મહિલાઓની ચેઇન ખેંચાયાની ઘટનાઓ બન્યાની માહિતી આવી છે એના પગલે ધરપકડ થયેલા આરોપીની એમાં સંડોવણી હોવાની અમને શંકા છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai mumbai police ghatkopar gujarati community news gujaratis of mumbai