શેતાનિયતની પરાકાષ્ઠા

15 November, 2022 02:20 PM IST  |  Mumbai | Bakulesh Trivedi, Mehul Jethva

પહેલાં પ્રેમિકાની હત્યા કરી, ત્યાર બાદ તેના શરીરના ૩૫ ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા ને બે મહિના સુધી એક-એક કરીને એને જંગલમાં કર્યા સગેવગે

શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના શરીરના ટુકડા આફતાબ પૂનાવાલાએ નવું ફ્રિજ (જમણે) ખરીદીને એમાં રાખ્યા હતા.

દિલ્હીમાં મે મહિનામાં કરવામાં આવેલું આવું ભયાનક મર્ડર પીડિતના વસઈમાં રહેતા પપ્પાએ મિસિંગની ફરિયાદ કર્યા બાદ શરૂ થયેલી તપાસમાં છેક નવેમ્બર મહિનામાં બહાર આવ્યું. હવે પોલીસ સામે ચૅલેન્જ છે આવા નરાધમને આખા સમાજમાં દાખલો બેસે એવી સજા અપાવવાની

વસઈમાં રહેતા વિકાસ મદન વાલકરે જ્યારે તેમની ૨૭ વર્ષની દીકરી શ્રદ્ધાના મિસિંગની ફરિયાદ વસઈના માણિકપુર પોલીસ-સ્ટેશનમાં ૧૮ ઑક્ટોબરે કરી ત્યારે પોલીસે તપાસ શરૂ કરી અને તેના કૉલ-ડેટા ચેક કર્યા હતા અને એની ટેક્નિકલ માહિતી કઢાવતાં એનું છેલ્લું લોકેશન દિલ્હી જણાઈ આવતાં માણિકપુર પોલીસે દિલ્હી પોલીસને એ વિશે જાણ કરી હતી અને એણે તપાસ શરૂ કરીને તેના બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાનો મોબાઇલ નંબર સર્વેલન્સ પર મૂક્યો. ત્યાર બાદ તેને શોધીને પૂછપરછ શરૂ કરી. તેની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે આફતાબે જ તેની હત્યા કરી હતી અને ત્યાર બાદ ઠંડા કલેજે કરવતથી તેના મૃતદેહના ઘણાબધા ટુકડા કરી એને જંગલમાં ફેંકી દીધા હતા.

દિલ્હીના મહરૌલી પોલીસના સ્ટેશન હાઉસ ઑફિસર પી. સી. યાદવે ‘મિડ-ડે’ને આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘શ્રદ્ધાના પિતાએ ફરિયાદ કર્યા બાદ અમે આફતાબને શનિવારે તાબામાં લઈ પૂછપરછ શરૂ કરી હતી, જેમાં થોડી કરડાકી વાપર્યા બાદ તે ભાંગી પડ્યો હતો અને કબૂલી લીધું હતું કે તેણે જ તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાનું ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યાર બાદ કરવતથી તેના શરીરના ઘણાબધા ટુકડા કરી એને સાચવવા ફ્રિજ લઈ આવ્યો હતો અને એ પછી તેને થોડા-થોડા કરી છત્તરપુરના જંગલમાં ફેંકી દીધા હતા. અમે આફતાબ સામે ગુનો નોંધી તેને સાથે લઈ એ જંગલ વિસ્તાર ખૂંદી વળ્યા હતા અને શક્ય એટલા ટુકડા હસ્તગત કર્યા હતા, જે અમે ફૉરેન્સિક લૅબને તપાસ માટે આપીશું અને ડીએનએ ટેસ્ટ કરાવી એ ટુકડા શ્રદ્ધાના શરીરનો જ ભાગ છે એ જાણવાની કોશિશ કરીશું. આરોપી આફતાબને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ-કસ્ટડી આપી છે.’

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આફતાબ તો શ્રદ્ધાને પ્રેમ કરતો હતો તો તેમની વચ્ચે એવું તે શું બન્યું કે તેણે આવું ઘાતકી પગલું લીધું? ત્યારે પી. સી. યાદવે કહ્યું કે ‘આફતાબ અને શ્રદ્ધા બન્નેને શંકા હતી કે તે અન્ય સાથે પણ રિલેશન રાખે છે, એથી તેમની વચ્ચે ઝઘડા થતા હતા અને એમાં આફતાબે ઉશ્કેરાઈ જઈને હત્યા કરી હતી.’

શ્રદ્ધાના મિસિંગની જાણ કઈ રીતે થઈ એ વિશે માહિતી આપતાં પી. સી. યાદવે કહ્યું કે ‘શ્રદ્ધાનો એક મિત્ર જે તેની સાથે સંપર્કમાં હતો અને વૉટ્સઍપ પર પણ તેમની મેસેજિસની આપ-લે થતી હતી તેણે શ્રદ્ધાના પિતાને કહ્યું કે ઘણા વખતથી શ્રદ્ધાનો કૉન્ટૅક્ટ નથી, એથી શ્રદ્ધાના પિતાએ તપાસ શરૂ કરી અને આખરે પોલીસમાં શ્રદ્ધાના મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.’

ગઈ કાલે દિલ્હી પોલીસે આફતાબને કોર્ટમાં હાજર કરતાં તેને પાંચ દિવસની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી

વસઈના સંસ્કૃતિ બિલ્ડિંગમાં રહેતી અને પહેલાં એક મલ્ટિનૅશનલ કંપનીના કૉલ સેન્ટરમાં કામ કરતી ૨૭ વર્ષની શ્રદ્ધા વિકાસ વાલકર અને વસઈના જ દીવાનમાન વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષનો આફતાબ અમીન પૂનાવાલા ‍મલાડના અન્ય એક કૉલ સેન્ટરમાં સાથે જૉબ કરતાં હતાં ત્યારે બન્ને વચ્ચે ઓળખાણ થઈ હતી અને ત્યાર બાદ ફ્રેન્ડશિપ અને છેલ્લે પ્રેમ થયો. જોકે પરિવારમાં જણાવવા છતાં જ્યારે લગ્ન માટે બન્નેના પરિવારે ના પાડી દેતાં બન્નેએ આ વર્ષની શરૂઆતમાં ઘર છોડી પહેલાં હિમાચલ પ્રદેશ અને ત્યાંથી ઑનલાઇન જૉબ માટે અપ્લાય કરતાં દિલ્હીના કૉલ સેન્ટરમાં નોકરી મળતાં આખરે દિલ્હીના છત્તરપુરમાં ભાડેથી ઘર લઈને રહેવા લાગ્યાં હતાં. જોકે ત્યાર બાદ શ્રદ્ધા અને આફતાબ બન્નેને શંકા હતી કે તેમને અન્ય સાથે પણ સંબંધ હતા એથી તેમની વચ્ચે અવારનાવર ઝઘડા થવા માંડ્યા હતા. આવો જ એક ઝઘડો મે મહિનાની ૧૮મીએ થયો હતો ત્યારે આફતાબે ગુસ્સામાં આવી, ઉશ્કેરાઈ જઈ તેનું ગળું ઘોંટી દીધું. એટલું જ નહીં, એ પછી તેને ભાન થયું હતું કે તેણે શું કરી નાખ્યું. જોકે ત્યાર બાદ બહુ ઠંડા દિમાગથી તેણે વિચાર્યું અને શ્રદ્ધાના મૃતદેહને સગેવગે કરવા બહુ ક્રૂરતા આચરી. તેણે કરવતથી શ્રદ્ધાના શરીરના અંદાજે ૩૫ ટુકડા કર્યા હતા અને ફ્રિજમાં સાચવી રાખ્યા. એ પછી લગભગ ૧૮થી ૨૦ દિવસ સુધી રોજ મધરાત બાદ બે વાગ્યે કોઈને જાણ ન થાય એ રીતે ઘરમાંથી એકાદ-બે ટુકડા લઈ એ છત્તરપુરની આગળ આવેલા જંગલ વિસ્તારમાં જઈ બે કિલોમીટરના વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આ રીતે બે મહિનામાં તેણે બધા ટુકડાને ઠેકાણે પાડ્યા હોવાનું પોલીસનું કહેવું છે. 

આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા પોતે શેફ હોવાનો અનુભવ કામે લગાડ્યો

શ્રદ્ધા અને આફતાબ દિલ્હીમાં જ્યાં રહેતાં હતાં એ અપાર્ટમેન્ટ 

આફતાબે પોલીસને એવું જણાવ્યું હતું કે તે પહેલાં શેફ તરીકે પણ ફાઇવસ્ટાર હોટેલમાં કામ કરી ચૂકયો હતો. તેણે તેનો એ અનુભવ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા કામ લગાડ્યો હતો, એટલું જ નહીં, એ ટુકડા પણ એક પછી એક સગેવગે કરવા તેણે બે મહિનાનો સમય લીધો હતો. દિલ્હી પોલીસનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર તે મૃતદેહને કઈ રીતે સગેવગે કરવો એ નક્કી કરતાં પહેલાં ઓટીટી પ્લૅટફૉર્મ પર ઘણી બધી હૉરર અને ક્રાઇમ ફિલ્મ જોઈ એમાંથી તે શીખ્યો હતો. એથી જ તેણે મૃતદેહ કોહવાય નહીં અને એમાંથી વાસ ન આવે એ માટે એના ટુકડા કરી ફ્રિજમાં સાચવી રાખ્યા હતા. વળી મૃતદેહમાંથી જો વાસ આવે તો પણ લોકોને એની ખબર ન પડે એ માટે તે ઘરમાં સુગંધી અગરબત્તી પણ લગાવતો હતો અને રૂમમાં ઍર ફ્રેશનર પણ છાંટતો હતો. 
આફતાબે બહુ ઠંડા કલેજે આ હત્યા કરી હતી. તેમના લિવ-ઇન રિલેશનશિપને એક વર્ષ થયાના બે દિવસ બાદ જ આ ભયંકર કૃત્ય આચર્યું હતું. જ્યારે વસઈ પોલીસે આફતાબને પૂછ્યું ત્યારે તેનું એમ જ કહેવું હતું કે શ્રદ્ધા જાતે ઘર છોડીને નીકળી ગઈ છે. જોકે એમ છતાં ત્યાર બાદ વસઈ પોલીસે ઝીણવટભરી તપાસ કરી શ્રદ્ધાના બૅન્ક-અકાઉન્ટ ચેક કર્યાં ત્યારે જાણ થઈ કે તેના બૅન્ક-અકાઉન્ટમાંથી મોટા ભાગની રકમ મે મહિનામાં જ કઢાવી લેવાઈ છે અને એમાં ત્યાર બાદ કોઈ ટ્રાન્ઝૅક્શન્સ થયાં નથી.

શ્રદ્ધાનો ફોન બંધ આવતો હતો. એ સોશ્યલ મીડિયામાંથી પણ ગાયબ હતી, પણ તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચાલુ હતું. શ્રદ્ધા તેના નાનપણના ફ્રેન્ડ લક્ષ્મણ નાડર સાથે સંપર્કમાં હતી. તેનો ફોન બંધ થઈ ગયો અને મેસેજિસ બંધ થઈ ગયા ત્યારે લક્ષ્મણે ઇન્સ્ટાગ્રામ પર તેને મેસેજ કરીને પૂછ્યું ત્યારે તેના તરફથી આફતાબે મેસેજ કરીને કહ્યું કે હું ઓકે છું. થોડા વખત પછી મારો નવો નંબર મોકલાવીશ. લક્ષ્મણને ડાઉટ જતાં તેણે ​શ્રદ્ધાના પિતાને તેની મિસિંગની ફરિયાદ કરવાનું કહેતાં આખરે શ્રદ્ધાના પિતાએ ૧૮ ઑક્ટોબરે માણિકપુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વસઈ પોલીસે બન્નેના કૉલ-રેકૉર્ડ ચેક કર્યા હતા અને શ્રદ્ધાના ફોનનું છેલ્લું લોકેશન ચેક કરતાં એ તે વખતે આફતાબ સાથે જ હોવાનું જણાયું હતું. એથી દિલ્હીની મહરૌલી પોલીસનો સંપર્ક કરાયો અને એ મિસિંગની ફરિયાદ ૮ નવેમ્બરે તેમને ટ્રાન્સફર કરાઈ હતી. દિલ્હી પોલીસે પ્રાથમિક તપાસ કરી આખરે ૧૨ નવેમ્બરે આફતાબને ઝડપી લીધો હતો.’  

mumbai mumbai news vasai new delhi Crime News bakulesh trivedi mehul jethva