બીજા કોઈની ભૂલની સજા મળી ૧૯ વર્ષના કિશોરને

08 June, 2023 02:55 PM IST  |  Mumbai | Mehul Jethva

બોરીવલીમાં ઘરે કોઈ ન હોવાથી આન્ટીના ઘરે જમવા જતો હતો ત્યારે સામેથી આવતા વાહને ટક્કર મારતાં થયો ઈજાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

બોરીવલીમાં રહેતો ૧૯ વર્ષનો કિશોર ઘરના બધા લોકો બહારગામ ગયા હોવાથી જમવા માટે આન્ટીના ઘરે મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે અજાણી વ્યક્તિએ બેફામ મોટરસાઇકલ ચલાવીને તેને અડફેટે લીધો હતો. એમાં ઈજાગ્રસ્ત થયેલા કિશોરને તરત સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ ઇલાજ માટે કોકિલાબેન હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના પર એક સર્જરી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં વધુ બેથી ત્રણ સર્જરી કરવી પડે એવી શક્યતા છે જેનો ખર્ચ લાખો રૂપિયા આવશે. બોરીવલી પોલીસે અજાણ્યા મોટરસાઇકલસવાર સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

બોરીવલી (વેસ્ટ) અંબેમાતા મંદિર નજીકની એક સોસાયટીમાં રહેતો અને ભાટિયા કૉલેજમાં સાયન્સનો અભ્યાસ કરતો ૧૯ વર્ષનો રુદ્ર હસમુખ ઉમાતિયા પાંચમી જૂને રાત્રે સાડાદસ વાગ્યે રોકડિયા લેનની સામે જયવંત સાવંત માર્ગ પરથી પોતાની મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો. દરમ્યાન સામેથી એક જણ બેફામ મોટરસાઇકલ ચલાવીને રુદ્રની મોટરસાઇકલને ટકરાયો હતો. એમાં રુદ્ર રોડ પર જોરથી પટકાતાં બેભાન થઈ ગયો હતો અને એનો ફાયદો લઈને મોટરસાઇકલવાળો ત્યાંથી નાસી ગયો હતો. ત્યાંથી પસાર થતા લોકોએ તરત જ તેને ઇલાજ માટે કાંદિવલીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે તેને વધુ ઈજાઓ થઈ હોવાથી તાત્કાલિક કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં તેના માથામાં, આંખમાં, ખભા અને કમરમાં જોરદાર માર લાગ્યો હોવાથી તેના પર એક સર્જરી મંગળવારે કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં વધુ બેથી ત્રણ સર્જરી તેના પર કરવી પડે એવી શક્યતા છે, જેના માટે લાખો રૂપિયાનો ખર્ચ પરિવારને થશે. આ ઘટનાની ફરિયાદ બોરીવલી પોલીસે નોંધીને તપાસ શરૂ કરી છે.

રુદ્રના પિતા હસમુખભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત થયો ત્યારે અમે અમદાવાદ હતા. આ ઘટનાની જાણ અમને ત્યાં થઈ હતી. અમે રુદ્રને ફોન કર્યો ત્યારે બીજા કોઈકે ઉપાડીને અમને આ ઘટનાની માહિતી આપી હતી. હાલમાં સર્જરી માટે તેને કોકિલાબેનમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે.’

બોરીવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે સામેવાળા વાહનચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા માટેની કલમો હેઠળ ફરિયાદ નોંધ કરી છે અને એ વાહનને ટ્રેસ કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. હાલમાં એ કયું વાહન હતું અને એનો ડ્રાઇવર કોણ હતો એની અમને માહિતી મળી નથી.’ 

borivali road accident mumbai mumbai news mehul jethva